પોરબંદરમાં આધેડનું કાર્ડ બેંકે બંધ નહીં કરતાં થઇ કળા

પોરબંદર, તા.12
પોરબંદરમાં એસ.બી.આઈ. ના ક્રેડીટ કાર્ડ મારફતે દોઢ મહિનામાં 80 હજારની ઉઠાંતરી થયા અંગે એસ.પી. ને ફરિયાદ અરજી પાઠવવામાં આવી છે.
પોરબંદરમાં પંચાયત ચોકી પાસે આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા જેન્તીગીરી પ્રેમગીરી મેઘનાથી અને સંદીપગીરી જેન્તીગીરી મેઘનાથીએ એમ.જી. રોડ પરની એસ.બી.આઈ. બેન્ક શાખા સામે જિલ્લા પોલીસવડાએ ફરિયાદ અરજી કરી છે. જેમાં જણાવ્યું છે કે અરજદાર જેન્તીગીરી પ્રેમગીરી મેઘનાથીના નામે એક ક્રેડીટ કાર્ડ કે જે એસ.બી.આઈ. બેન્ક-પોરબંદરની એમ.જી. રોડ શાખાનું આવેલ છે અને જેમાંથી છેલ્લા દોઢ માસમાં રૂા. 80 હજાર ઉપડી ગયા છે. અને આ રકમ ઉપડી તે પહેલા ચાર વખત તેમને ફોન પણ આવેલ હતા. ત્યારબાદ ફરી ત્રણ વખત ફોન આવેલ અને નંબર માંગેલ ત્યારે જેન્તીગીરીએ તેમને નંબર આપી દીધા હતા. ત્યારબાદ 1 માસમાં તેમના ક્રેડીટ કાર્ડમાંથી રૂા. 80 હજાર ઉપડી ગયા હતા.
જ્યારે પ્રથમ વાર રૂા. 10 હજાર તેમના એકાઉન્ટમાંથી ઉપડી ગયેલ ત્યારે તેઓએ બેન્કમાં રૂબરૂ જઈને પોતાનું ક્રેડીટ કાર્ડ બ્લોક કરાવવા બેન્કને જણાવ્યું હતું પરંતુ ત્યારે બેન્કે તેમ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો ઉપરાંત તેમને ખાત્રી આપી હતી કે હવે બીજી વાર પૈસા ઉપડશે નહીં. અને તેમ છતાં ત્યારબાદ પણ કુલ રૂા. 70 હજાર ઉપડી ગયા છે.
આ બાબતે તેઓ કુલ સાત વખત બેન્ક ખાતે ગયેલ ત્યારે જણાવેલ કે કસ્ટમર કેરમાં કોલ કરો અને તેમાં ફોન લાગ્યો ન હતો. આથી તેમની સામે આ જે ફ્રોડ થયેલ છે તે બાબતે યોગ્ય તપાસ કરવા માંગણી છે. ઉપરાંત આ ક્રેડીટ કામ બંધ કરવાના કામ માટે તેઓને પોરબંદરની અન્ય ચાર બેન્કમાં પણ ધક્કા ખવડાવેલ અને અંતે આ ક્રેડીટ કાર્ડ બંધ થયું હતું. આથી તે અંગેની ફરિયાદ અરજી આપીને યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.