આજે ભારત-શ્રીલંકાનો T-20 જંગ


શ્રીલંકા સામે પ્રથમ મુકાબલો ગુમાવી ચૂકેલી ભારતીય ટીમ ફટકો મારવા તૈયાર
શ્રીલંકાના પાંચ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન: ભારતને ‘સરપ્રાઈઝ’ આપી શકે
સાંજે 7 વાગ્યાથી મેચનું જીવંત પ્રસારણ
નવીદિલ્હી તા.12
બાંગ્લાદેશ સામે આશ્ર્ચર્યજનક પરાજય મેળવ્યા બાદ તનાવમાં આવી ચૂકેલી શ્રીલંકન ક્રિકેટ ટીમ નિદાહાસ ટી20 ટુર્ના.ના ફાઈનલમાં પહોંચશે કે કેમ એ સવાલ છે. આવી સ્થિતિમાં આજે સોમવારે શ્રીલંકાનો મુકાબલો ભારતીય ટીમ સાથે થનાર છે. બીજી તરફ ભારત તેના પ્રથમ મેચમાં શ્રીલંકા સામે હારી ગયા બાદ બીજા મેચમાં બાંગ્લાદેશને સાવ આસાનીથી અને ‘રમતા રમતા’ હરાવી દેતા હવે તેનો ઉત્સાહ અને આત્મવિશ્ર્વાસ પૂન: છલકાવા લાગ્યા છે. સ્વાભાવિકરીતે જ શ્રીલંકા માટે આજના મેચમાં ભારતને હરાવવું જરાય આસાન નહીં હોય!
ભારતીય ટીમને લાગે વળગે છે ત્યાં સુધી સુકાની રોહીત શર્મા હાલ નબળા ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે જેથી અન્ય બેટધરો ઉપર વિશેષ જવાબદારી રહે છે. ટીમમાં જુનીયર ખેલાડીઓની સંખ્યા પણ સારી એવી છે. જુનીયર ક્રિકેટરો માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનો આનાથી વધુ સારો મોકો બીજો કોઇ હોઇ શકે નહી. દરમ્યાન ઉત્સાહથી થનગનતી ભારતીય ટીમ શ્રીલંકાની ટીમને હળવાશથી લેવાની ભુલ કરશે તો તેનું માઠુ પરીણામ પણ ભોગવવા તૈયાર રહેવું પડશે કેમ કે શ્રીલંકાના કેટલાક ખેલાડીઓ ભારતને ભારે પડી શકવાની પુરી ક્ષમતા ધરાવે છે.
શ્રીલંકાના કોલંબોમાં ચાલી રહેલી નિદાહાસ ટ્રાઈ સીરિઝમાં ભારતીય ટીમ ફરી એકવાર સોમવારના રોજ શ્રીલંકા સામે ટકરાશે. ભારતીય ટીમ આ પહેલા 6 માર્ચના રોજ શ્રીલંકા સામે પ્રથમ મુકાબલો રમી ચુકી છે, આ મેચમાં શ્રીલંકાએ સરળતાથી ભારતીય ટીમને 5 વિકેટે પરાજય આપ્યો હતો. જોકે તે પછીની બીજી મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 6 વિકેટે પરાજય આપ્યો હતો.
ફરીવાર શ્રીલંકન ટીમ સામે મેચ રમતા સમયે ભારતે પ્રથમ મેચમાં કરેલી ભૂલોને સુધારવી પડશે. ભારતીય ટીમને ટી20 મેચમાં ભારે પડી શકે એવા શ્રીલંકન ખેલાડીઓના પ્રદર્શન પર દ્રષ્ટિપાત કરીએ. - ટી20 ટ્રાઈ સીરિઝમાં પ્રથમ મુકાબલામાં ભારતની હારનું મુખ્ય કારણ કુસલ પરેરાની ઈનિંગ રહી હતી.
- કુસલ ભારત વિરુદ્ધની પ્રથમ મેચમાં મેન ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે માત્ર 37 બોલમાં 6 ફોર અને 4 સિક્સ વડે 66 રન ફટકાર્યા હતા. જેને કારણે શ્રીલંકન ટીમે 5 વિકેટના ભોગે 175 રનનો લક્ષ્યાંક સરળતાથી પાર કરી લીધો હતો.
- શ્રીલંકા સામે ફરીવાર ટકરાતા સમયે ભારતીય ટીમે કુશલ પરેરાની વિકેટ વહેલા ઝડપવાનો પ્રયાસ કરવો પડશે. - શ્રીલંકાના ઝડપી બોલર દુશ્મંથા ચમીરાએ ભારત વિરુદ્ધની ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
- ચમીરાએ ભારતીય કેપ્ટન રોહિત શર્માને શૂન્ય પર આઉટ કરીને ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. આ ઉપરાંત ચમીરાએ આક્રમક બેટિંગ કરનારા રિષભ પંતની પણ વિકેટ ઝડપી હતી.
- ચમીરાએ ભારત વિરુદ્ધની મેચમાં 4 ઓવર બોલિંગ કરતા 33 રનમાં 2 વિકેટ ઝડપી હતી. - ધનુષ્કાએ ભારત વિરુદ્ધની મેચમાં ઓલ રાઉન્ડ પ્રદર્શન કર્યું હતું.
- ભારત વિરુદ્ધની મેચમાં ધનુષ્કાએ 3 ઓવરમાં માત્ર 16 રન આપી 1 વિકેટ ઝડપી હતી.
- આ ઉપરાંત ધનુષ્કાએ ઓપનર તરીકે માત્ર 12 બોલમાં 1 ફોર અને 2 સિક્સ વડે 19 રન પણ ફટકાર્યા હતા. - થિસારા પરેરા પણ શ્રીલંકન ટીમનો એક ઓલરાઉન્ડ વિકલ્પ છે. તેણે ભારત વિરુદ્ધની મેચમાં 3 ઓવરમાં 25 રન આપ્યા હતા, જોકે તેને કોઈ વિકેટ મળી નહોતી.
- જોકે બેટિંગમાં આવતા થિસારા પરેરાએ આક્રમક ઈનિંગ રમી હતી. તેણે માત્ર 10 બોલમાં 2 ફોર અને 1 સિક્સ વડે અણનમ 22 રનની ઈનિંગ રમી હતી. - ઉપુલ થરંગા શ્રીલંકન ટીમનો સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે.
- થરંગા જો ક્રિઝ પર ટકી જાય તો સામે કોઈપણ ટીમ હોય તેને રોકવો મુશ્કેલ બની જાય છે.
- થરંગાએ ભારત વિરુદ્ધની મેચમાં 17 રનની ઈનિંગ રમી હતી.