સુરેશ રૈના: ધ સિંગિંગ ક્રિકેટર

શ્રીલંકામાં ભારતીય ક્રિકેટ ટીમની ધીંગામસ્તી ખેલાડીઓની પાર્ટીમાં રૈનાએ ગીત લલકાર્યું
નવી દિલ્હી તા.12
ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકામાં નિદાહાસ ટ્વેન્ટી 20 ટ્રોફી ટુર્નામેન્ટ રમી રહી છે. તેની આગામી મેચ સોમવારે યજમાન ટીમ સામે છે. આ પહેલાં ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ હોટેલમાં મસ્તી કરતા અને ગીતો ગાતા નજરે પડ્યા.
ખાસ તો ઑલરાઉન્ડર સુરેશ રૈનાએ કિશોર કુમારનું ગીત યે શામ મસ્તાની ગાયું અને તેની સાથે ઋષભ પંત સહિત અન્ય ક્રિકેટર્સે પણ સાથ આપ્યો. ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ટ્વિટર પર સુરેશ રૈનાને ટેગ કરી એક વીડિયો શેયર કર્યો છે.
વીડિયોમાં સુરેશ રૈના હોટેલમાં ગીત ગાતો જોઈ શકાય છે. વીડિયો સાથે એક કેપ્શન છે તમે તેને મેદાનમાં જોયો હશે, પણ ક્યારેય કિશોર કુમારનું ક્લાસિક ગીત ગાતા જોયો છે? વીડિયોમાં રૈના કટી પતંગ ફિલ્મનું ગીત યે શામ મસ્તાની, મદહોશ કિયે જાયે ગાતો નજરે પડે છે. વીડિયોમાં યુવા બેટ્સમેન ઋષભ પંત પણ છે, જે તેની જગ્યાએ બેઠાં બેઠાં રૈનાને સાથ આપી રહ્યો છે. આ ગીત 70ના દશકમાં આવેલી કટી પતંગ ફિલ્મમાં કિશોર કુમારે ગાયું હતું, જેને રાજેશ ખન્ના અને આશા પારેખ પર ફિલ્માવવામાં આવ્યું છે.