કોહલીની ઝળહળતી બ્રાન્ડ વેલ્યૂ

દીપિકા, શાહરુખ, અક્ષય, રણવીર સહિતના સ્ટાર પણ સાવ ઝાંખા પડી ગયા !
વિશ્ર્વનો સૌથી લોકપ્રિય ફૂટબોલર લિયોનેલ મેસ્સી પણ કોહલીથી પાછળ
મુંબઇ તા.12
ઉગતા સૂર્યને સૌ કોઇ પૂજે, અને સફળતાના અનેક પૂજારી. એમાંય ભારતીય ક્રિકેટ અને ક્રિકેટરોની વાત આવે ત્યારે અનેક રસપ્રદ હકિકતો બહાર આવતી રહે છે. ભારતના સુકાની વિરાટ કોહલી અત્યારે સફળતાના એક પછી એક શિખરો સર કરી રહ્યો છે. તેની સફળતાનો સૂર્ય હાલ મધ્યાહને ચમકી રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જ વ્યવસાયિક ક્ષેત્ર તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા તેની આગળ પાછળ ફરતું રહે. અભૂતપૂર્વ અને શ્રેણીબધ્ધ સફળતાને કારણે વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ રાજાની કુંવરીની જેમ, દિવસે ન વધે તેટલી રાત્રે અને રાત્રે ન વધે તેટલી દિવસે વધી રહી છે. એવા અહેવાલ બહાર આવી રહ્યા છે કે, કોહલી એક એડમાં ચમકવા માટે રૂા.5 કરોડની તગડી ફી વસૂલે છે કે, બોલીવૂડની સૌથી લોકપ્રિય હિરોઇન દીપિકાને પણ એક એડની આટલી ફી નથી મળતી. માત્ર દીપિકા જ નહીં, બોલીવૂડના અન્ય સ્ટાર પણ કોહલીની ઝળહળતી બ્રાન્ડ વેલ્યુ આગળ સાવ ઝાંખા પડી ગયા છે.
વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ દિવસે ન વધે એટલી રાત્રે વધી રહી છે એનો જ પુરાવો છે કે અમેરિકન ટેક્સી કંપની પઉબરથએ હવે કોહલીને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે આગામી થોડા દિવસોમાં કોહલી પઉબરથનો પ્રચાર કરતો દેખાશે કોહલીના સતત ચાલી રહેલા સ્ફોટક ફોર્મને કારણે કંપનીઓ એની પાછળ લાઇનો લગાવી રહી છે આજે વિરાટ કોહલી ભારતનો નંબર વન બ્રાન્ડ એમ્બેસેડર છે એને મોં માગ્યા દામ પણ મળી રહ્યા છે વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ 9.36 અબજ રૂપિયા આંકવામાં આવે છે કોહલી બે-પાંચ નહીં, પરંતુ કુલ 16 કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર છે તેમાં એમઆરએફ આઉડી, કોલગેટ, માન્યવર, અમેરિકન ટુરિસ્ટર, ટિસ્સો, પ્યુમા, વિક્સ, હર્બાલાઇફ, બૂસ્ટ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
29 વર્ષના કોહલીએ બ્રાન્ડ વેલ્યુની બાબતમાં ભારતમાં શાહરુખને પણ પાછળ રાખી દીધો છે શાહરુખ, અક્ષય, દીપિકા, રણવીર બધા સ્ટાર્સ કોહલીથી ક્યાંય છેટે છે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કોહલી જાહેરખબરોનું શૂટિંગ કરવાની તોતિંગ ફી લે છે એક દિવસનું શૂટિંગ કરવા માટે એ અધધધ પાંચ કરોડ રૂપિયા માગે છે ફોબ્સ મેગેઝિને કોહલીને વિશ્વનો સાતમો સૌથી વેલ્યુએબલ એથ્લિટ ગણાવ્યો હતો આર્જેન્ટિનાનો સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પણ કોહલીની પાછળ છે આવનારા સમયમાં પણ કોહલીનો સૂર્ય ઓર તપવાનો છે એ નક્કી વાત છે