ચીનમાં ‘શી’ ને આજીવન સત્તા: ઊંટ હતું બે ઊકરડે ચડ્યું! । તંત્રી લેખ

ચીન સાથે આપણા સંબંધો સખળડખળ ચાલે છે ને ચીન આપણી મેથી મારી મારીને આપણ માટે ઉપાધિનાં પોટલાં ઊભાં કર્યાં કરે તેના કારણે ચીન સાથેના સંબંધો અંગે શું કરવું તે જ સમજ પડતી નથી. આ માહોલમાં ચીનમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું. ચીન આર્થિક નીતિઓના મામલે મૂડીવાદીઓનો બાપ છે પણ દંભ અને શાસકોના સ્વાર્થ ખાતર તેમણે સામ્યવાદી શાસન પદ્ધતિ ચાલુ રાખી છે. સામ્યવાદી શાસન પદ્ધતિમાં એક જ પક્ષ હોય ને આ પક્ષના કારભારીઓ જ દેશનો કારભાર કરે. આ કારભારીઓની ટોળીનાં પોલિટ બ્યૂરોને એવાં રૂપકડાં નામ આપી દેવાય ને તેમાં પાંચ-સાત મોટા બાને બેસાડી દેવાય. સામ્યવાદના નામે એ લોકો ફણીધર થઈને બેસી જાય ને બીજા કોઈને આવવા જ ના દે. ચીનની સંસદે રવિવારે એ નાટક કાયમને માટે ખતમ કરી નાખ્યું ને પ્રીમિયરની મુદત જ ખતમ કરી નાખી. ચીનમાં સંસદ પણ એક નાટક જ છે કેમ કે તેમાં બધા સામ્યવાદીઓ જ બેસે છે. લોકો પાસે બીજો વિકલ્પ જ નથી હોતો તેથી સામ્યવાદી પક્ષ જેને ઊભો રાખે તેને લોકોએ મત આપીને સંસદસભ્યની ચૂંટણીનું નાટક પૂરું કરવાનું. ચીનની સંસદમાં કુલ 2963 સભ્યો છે ને તેમાંથી 2985 સભ્યોએ જિનપિંગને જીવે ત્યાં લગી ચીનના સર્વેસર્વા બનાવવાની તરફેણમાં મત આપ્યો. ગણીને 2 સભ્યોએ વિરોધ કર્યો ને 3 સભ્યો ગેરહાજર રહ્યા. ચીનની સંસદમાં આ ખરડો પસાર થતાં હવે દર પાંચ વર્ષે ફરી પ્રીમિયરને ચૂંટવા નહીં પડે. આ નિર્ણય જિ ઝિનપિંગના લાભાર્થે લેવાયો છે તે કહેવાની જરૂર નથી. જિનપિંગ ચીનના બિનસત્તાવાર સરમુખત્યાર બની ગયા છે. જિનપિંગ મહત્તમ બે ટર્મ માટે પ્રીમિયર રહી શકે એ જોતાં આ વખતે તે ફરી પ્રીમિયર બન્યા હોત તો પણ 2023માં તેમણે ઘરભેગા થવું પડ્યું હોત પણ હવે એ ખતરો પણ નથી. જિનપિંગ અત્યારે 64 વર્ષના છે ને જે રીતે કડેધડે છે એ જોતાં બીજાં દસેક વરસ ખેંચી કાઢશે. ના કરે નારાયણ ને કશુંક અજુગતું થાય તો કહેતા નથી, બાકી પંદરેક વરસ લગી તેમને વાંધો આવે એવું લાગતું નથી એ જોતાં 2020નો દાયકો જિનપિંગના નામે લખાઈ ગયેલો માનવાનો છે.
જિનપિંગને ફરી આજીવન પ્રીમિયર બનાવીને ચીન વહીવટની રીતે ફરી માઓયુગમાં પ્રવેશી ગયું છે. આપણે ત્યાં હિંસા ફેલાવતા નક્સલવાદીઓને માઓવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. માઓ ચીનમાં સામ્યવાદી શાસનના પ્રણેતા હતા ને ચીનની પહેલા પ્રમુખ હતા. માઓ ઝેદોંગ તેમનું આખું નામ. માઓ સત્તાવાર રીતે 1948થી 1963 સુધી ચીનના પ્રમુખ હતા પણ એ પછી પણ ચીનની સામ્યવાદી પાર્ટીના ચેરમેન તરીકે એ ચીનના સર્વેસર્વા રહ્યા. 1976માં એ ગુજરી ગયા ત્યાં લગી ચીનમાં માઓ કહે એ સવા વીસ એવી હાલત હતી. ચીનમાં એ વરસો માઓના એકચક્રી શાસનના દિવસો હતા. માઓ સામ્યવાદી વિચારધારાને જડતાથી વળગી રહેનારા હતા તેથી એ દરમિયાન ચીનમાં ડખા પણ બહુ થયા પણ છતાં માઓ ટકી ગયા લશ્કર તેમના તાબામાં હતું. માઓએ પોતાની સામે પડનારા બધાંને કચડી નાખેલા.
ચીન આજે દુનિયામાં આર્થિક મહાસત્તા છે. ચીનમાં આર્થિક સુધારા લાવીને તેને આર્થિક મહાસત્તા બનાવવાનું શ્રેય ડેંગને જાય છે. તેમણે ચીનમાં આર્થિક સુધારા દાખલ કરાવ્યા ને દુનિયાની સાથે કદમ મિલાવી શકે તેવું બનાવ્યું. ડેંગ વિઝનરી હતા ને જાણતા હતા કે આ બધું નહીં કરીએ તો તૂટી જઈશું. સોવિયેત રશિયા એ ના કરી શક્યું તેમાં 1987માં તૂટી ગયું ને ચીન આજેય અડીખમ છે તેનું કારણ ડેંગનું વિઝન છે. ખેર, આપણે વાત ડેંગના વિઝનની કરવા નથી બેઠા તેથી આ વાત અહીં પડતી મૂકીએ. મૂળ વાત જિનપિંગના એકચક્રી શાસનની છે. ડેંગે જે ખતમ કરાવેલું તે જિનપિંગે ફરી શરૂ કરાવ્યું છે ને ચીનમાં ફરી હવે વન-મેલ રુલ શરૂ થશે. આમ તો જિનપિંગ ચીનમાં સર્વેસર્વા બને એ ચીનની આંતરિક બાબત છે પણ દુનિયા તેને નજરઅંદાજ કરી શકે તેમ નથી કેમ કે ચીન આજે દુનિયામાં સૌથી તાકતવર દેશોમાં એક છે. આ સંજોગોમાં ચીનમાં કોણ સત્તામાં છે એ બાબત મહત્ત્વની છે ને જિનપિંગ લાંબો સમય સત્તામાં રહે એ દુનિયા માટે સારી નિશાની તો નથી જ. ચીન મૂળે જ સામ્રાજ્યવાદ માનસિકતા ધરાવે છે. બીજા દેશોનું પચાવી પાડવું ને પોતાનો કબજો કરવો એ ચીનની માનસિકતા છે. માઓના સમયમાં ચીને આ ગોરખધંધો બધે કર્યો. ચીનના બધા પાડોશીઓને ચીનની આ માનસિકતાનો સ્વાદ ચાખવા મળ્યો ને તેમાં આપણે પણ બાકાત નહોતા. ડેંગ થોડા અલગ હતા ને એ આર્થિક તાકાતને વધારે મહત્ત્વની માનતા તેથી તેમણે એ ધંધો બંધ કરેલો. ડેંગના ગયા પછી ચીનના જે પણ કારભારીઓ આવ્યા એ બધા તેમના રસ્તે ચાલ્યા પણ જિનપિંગ ડેંગના નહીં, માઓના આશિક છે એ લોચો છે. જિંગપિંગ ચીનમાં ગાદી પર બેઠા પછી તેમણે પોતાના પાડોશીઓને કનડવાનો કાર્યક્રમ પૂરજોશમાં શરૂ કરી દીધો. ચીન પાછું તેની જાત પર આવી ગયું ને જેનું મળે તેનું હડપવા માંડ્યું. આપણને તો તેનો સ્વાદ વધારે ચાખવા મળ્યો છે. પાકિસ્તાનથી માંડીને માલદીવ્સ સુધી બધે હવે ચીન કડછા મારે છે ને આપણને બરાબરનો બૂચ વાગી ગયો છે. જિનપિંગે એશિયામાં પોતાની ધરી બનાવીને અમેરિકાને પણ પડકાર ફેંક્યો છે ને તેના કારણે અમેરિકા પણ પરેશાન છે. હવે અમર્યાદિત સત્તાઓ મળતાં એ પ્રવૃત્તિ વધશે તે જોતાં જિનપિંગ કાયમ માટે પ્રમુખ બને તેના કારણે દુનિયામાં અશાંતિ વધશે એ નક્કી છે. વરસો પહેલાં અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે કોલ્ડ વોર ચાલતું. બંને દેશ એકબીજાને પછાડવા મથ્યા કરતા એ તો ઠીક પણ પોતાના હરીફ દેશની છાવણીમાં હોય તેવા દેશોને પણ કનડવામાં કોઈ કસર છોડતા નહોતા. જિનપિંગનો અત્યાર લગીનો રેકોર્ડ જોતાં તેમના હાથમાં પૂરી સત્તા આવ્યા પછી દુનિયામાં ફરી કોલ્ડ વોર શરૂ થશે એવા આસાર છે.