જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર રહેલા વર્ગ-4ના કર્મચારીઓની હડતાળ


જૂનાગઢ તા.12
જૂનાગઢના સીવીલ હોસ્પિટલમાં આઉટ સોર્સીસથી ફરજ બનાવતા 4થા વર્ગના કર્મચારીઓએ
આજ સવારથી જ વિજળીક હડતાલ પાડી દેવા તાત્કાલીક સારવાર સહિતની સેવા બંધ થઈ જવા પામી છે. દર્દીઓ તેની પરેશાનીનો ભોગ બની રહ્યા છે.શનીવારે ચોથા વર્ગના કર્મચારીઓએ આઉટ સોર્સીસની એજન્સી તેને પુરો પગાર ન આપતા હોવાની તથા મર્યાદીત સમય કરતા વધુ ફરજમાં જોતરતા હોવાની સાથે જે લોકો અવાજ ઉઠાવે તેને છુટા કરી દેવાતા હોવાની અનેક સમસ્યા અને માગણીઓને લઈને કામથી અળગા રહેલી હડતાલ પાડી હતી અને સીવીલ સર્જનને રજૂઆત કરી હતી.
દરમિયાન આજ સવારથી જ આઉટ સોર્સીસથી ફરજ બજાવતા 4થા વર્ગના કર્મીઓએ એકાએક વિજળીક હડતાલ પાડી દઈને ફરજથી અલીપ્ત રહેતા હોસ્પિટલની તમામ કામગીર ઠપ્પ થઈ જવા પામી છે. સવારથી હોસ્પિટલની સફાઈ સહિતની કોઈ જ કામગીરી થવા પામી નથી અને છેલ્લે જાણવા મળેલ વિગતો મુજબ તાત્કાલીક સારવાર સહિતની કામગીરીમાં બ્રેક લાગી જવા પામી છે.
જૂનાગઢ શહેર અને જિલ્લા સહિતના પાંચ જિલ્લામાંથી આવતા દર્દીઓની સારવાર રોકાઈ જવા પામતા દર્દીઓને રાજકોટ કે ખાનગી દવાખાનામાં લઈ જવા પડે તેવી સ્થિતિનું નીર્માણ પામેલ છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આર.એચ.ઓ. ડો.સોલંકીની મુલાકાત લેતા તેમણે આ બાબતે ઉચ્ચ કક્ષાએ જાણ કરી હોવાનું તથા કોન્ટ્રાકટ રાખેલ એજન્સી સાથે ચર્ચા કરી તાત્કાલીક ધોરણે આ મામલો સુલટાવવામાં આવે તેવી ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું. કર્મચારીઓનું આઉટ સોર્સીસ એજન્સી દ્વારા શોષણ થતું હોવાની ફરિયાદ અને અનેક રજૂઆતો થવા પામી હતી પરંતુ સત્તાવાળાઓ અને એજન્સી દ્વારા આ અંગે યોગ્ય પગલા ન ભરાતા દર્દીઓ માટે કઠીન ઘડી આવી પડી છે. (તસવીર: મિલન જોશી)