જીવનમાં કોઈ જ સિદ્ધિ અંતિમ નથી હોતી, તે તો અનંત હોય છે

જીવનમાં કોઈ જ સિદ્ધિ અંતિમ નથી હોતી. તે તો અનંત હોય છે. વ્યક્તિ સતત એક મિશનમાંથી બીજા મિશનમાં આગળ વધે છે. ક્યારેક તમે સફળતા મેળવો છો. ક્યારેક સફળતા તમારાથી દૂર પણ રહે છે, પણ તમારે તો એક મિશનમાંથી બીજાં મિશનમાં આગળ વધવા સતત મહેનત કરવાની છે. આ જ જીવન છે. ત્રણ લોકોએ મને જીવનમાં પ્રેરણા આપી અને મને એક મિશન આપ્યું. પહેલા હતા રામેશ્ર્વરમમાં મારી શાળાના પાંચમા ધોરણના શિક્ષક. તેમનું નામ હતું શિવસુબ્રમણ્યમ ઐયર. તેમણે મને જીવનમાં ઉડ્ડયન વિશે બધું જ શીખવાનું મિશન આપ્યું. મારા જીવનમાં બીજી જે વ્યક્તિએ મને પ્રેરણા આપી, તે હતા પ્રો. સતીશ ધવન જેમણે સમસ્યાઓને આપણી માલિક કેમ ન બનવા દેવી તે અને ધ્યેય સિદ્ધ કરવા સખત કામ કરવાનું શીખવ્યું. ત્રીજી જે મહાન વ્યક્તિએ મને પ્રેરણા આપી, તે હતા ડો. વિક્રમ સારાભાઈ જેમણે મને ધ્યેય સિદ્ધિનું મહત્વ શીખવ્યું.
ઉત્તમ શિક્ષક એ છે જે બાળકોને ચાહે છે અને ભણાવવાનું જાણે છે. તે સામાન્ય બાળકોને તેમની કાર્યક્ષમતા સુધારવામાં મદદરૂપ થવા જોઈએ. તે શિક્ષણને એક મિશન તરીકે જોતા હોવા જોઈએ, જ્યાં તે માત્ર વિદ્યાર્થીને ભણાવતા જ નથી, પણ પ્રબુદ્ધ નાગરિકો તૈયાર કરે છે જે દેશમાં પરિવર્તન લાવશે.