કંથારિયા ગામમાં 20 મકાનો-દુકાનોમાં ત્રાટકેલા તસ્કરો

રાત્રે તસ્કર ટોળકીએ મચાવેલો હાહાકાર; બંધ મકાનો અને દુકાનોને નુકસાન બનાવી આશરે 70 લાખની ચોરી; એક તસ્કર ઝડપાઈ જતા અધમૂઓ કરી નાખ્યો, ત્રણ નાસી છૂટ્યા
લીંબડી તા,16
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કંથારીયા ગામે ગતરાત્રે તસ્કર ટોળકીએ હાહાકાર મચાવી એક સાથે વીસેક મકાન-દુકાનો તોડી સોનાના ઘરેણા-રોકડ મળી 70 લાખ રૂપિયાની માલમતાની ચોરી કરતા ગામમાં ભારે દેકારો મચી જવા પામેલ છે. અને ગામલોકો જાગી જતા ત્રણ તસ્કરો નાસી છુટયા હતા. જયારે એક તસ્કર પડી જતા ગંભીર ઈજા થતા અને ગામલોકોએ ધોલાઈ કરી નાખતા ગંભીર ઈજા થવાથી સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
આ ચોરીની ઘટનાના પગલે પોલીસ કાફલો કંથારીયા ગામે દોડી ગયો હતો અને પોલીસની છ ટુકડીઓએ તસ્કરોનો ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. આ ચોરીના બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્તન વિગતો મુજબ ચુડા તાલુકાના કંથારીયા ગામે ગતરાત્રે તસ્કરો ટોળકી ત્રાટકી હતી અને ગામમાં બંધ પડેલા 12 જેટલા મકાનો ઘરેણા તેમજ રોકડ મળી કુલ રૂા.70 લાખનો હાથ માર્યો હતો.
આ તસ્કર ટોળકીએ અગાઉથી રેકી કરી હોય તેમ બહારગામ ગયેલા અથવા તો બહાર વસતા લોકોના મકાનો જ નિશાન બનાવ્યા હતા અને નિરાંતે દરવાજા તથા મકાનના તાળા તોડી, કબાટ સહિતની ઘરવખરી ફેંદી જે હાથ આવ્યું તે લઇ ગયા હતા. જોકે, મોડીરાત્રે અચાનક ગામ લોકોને તસ્કરો ટોળકી અંગે જાણ થતા લોકોએ તસ્કરોને પડકાર્યા હતા પરિણામે ત્રણ તસ્કરો નાસી છુટવામાં સફળ થયા હતા. જયારે રવિ સોમા નામના એક તસ્કરને પડી જવાથી ઈજા થતા ગામ લોકોના હાથે ઝડપાઈ ગયો હતો. પરિણામે ગ્રામજનોએ તેને સારોએવો મેથીપાક ચખાડી અધમૂઓ કરી નાખી પોલીસને સોંપી દીધો હતો.
તસ્કર ટોળકી ત્રાટકયાની જાણ થતા રાત્રે આખુ ગામ ભેગુ થઇ ગયું હતું અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને છ જેટલી પોલીસ ટુકડીઓએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.