માનવગરીમા યોજનાના ફોર્મ મેળવવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લાભાર્થીઓનો ધસારો

રાજકોટ તા.13
રાજકોટ બહુમાળી ભવન ખાતે આવેલા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં માનવગરીમાં કલ્યાણ યોજના અંતર્ગત હાલ વિવિધ સાધનો માટે ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ફોર્મ મેળવવા માટે કેન્દ્રમાં લાભાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે અને આવતીકાલ સુધી ફોર્મનું વિતરણ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા પછાત વર્ગના અને ગરીબની વ્યાખ્યામાં આવતા લોકોને સ્વરોજગારી મળી રહે તે માટે વિવિધ કલ્યાણકારી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં માનવગરીમાં કલ્યાણ યોજના અંતર્ગત કેટરીંગની કીટ, સિલાઇ મશીન, શાકભાજી માટેની કીટ, બ્યુટીપાર્લરની કીટ, અન્ય ધંધા માટે વિવિધ સાધનોની કીટ આપવામાં આવે છે. તાજેતરમાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ગત વર્ષ બાકી રહેતા લાભાર્થીઓને વિવિધ સાધનોની કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ ચાલુ વર્ષ માટેનો સરકયુલર નહીં મળતા અમુક સમય માટે ફોર્મ વિતરણ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ફરી સરકાર દ્વારા ફોર્મ વિતરણનું સરકયુલેશન બહાર પાડતા ફરી રાજકોટ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં વિવિધ સાધનો માટેની કીટના ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. ગઇકાલે સવારથી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે આજે બીજા દિવસે પણ શરૂ કર્યુ હતું અને આવતીકાલ બપોર સુધી ફોર્મનું વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
વધુમાં આવતીકાલે જણાવ્યું હતું કે આ વર્ષે 1000 ફોર્મનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં છેલ્લા બે દિવસમાં જ અસંખ્ય ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે અને આવતીકાલ સુધીમાં આ ટાર્ગેટ પૂર્ણ થવાની શકયતા છે તેમ અંતમાં જણાવ્યું હતું.