ભારત દુનિયાનો સૌથી મોટો હથિયાર ખરીદનારો દેશ !

નવી દિલ્હી તા.13
ભારત હજુ સુધી દેશમાં ડિફેન્સ ઈન્ડસ્ટ્રી વિકસિત કરી શક્યો નથી અને હથિયારોને લઈને ભારતની નિર્ભરતા અન્ય દેશો પર યથાવત છે. જેના કારણે ભારત દુનિયામાં હથિયાર અને સૈન્ય ઉપકરણોની આયત કરનારો પહેલા નંબરનો દેશ બની ગયો છે.
2013 થી 2017 દરમિયાન દુનિયાના દેશો દ્વારા આયાત કરેલા કુલ હથિયારોમાં એકલા ભારતની જ ભાગીદારી 12 ટકા છે. દેશમાં સૈન્ય ઉપકરણોનું નિર્માણ ન કરી શકવાના કારણે ભારતીય સેનાએ સૈન્ય ઉપહરણો અને હથિયારો માટે બીજા દેશો પર જ નિર્ભર રહેવું પડે છે.
ઈંટરનેશનલ આર્મ ટ્રાંસફર્સે તાજેતરમાં જ આંકડાઓ બહાર પાડ્યાં છે. આ ડેટા અનુંસાર ભારત દ્વારા હથિયારોની ખરીદીમાં 24 ટકાથી વધારેનો વધારો થયો છે. 2009-2013 ની સરખામણીમાં 2013-2017 સુધીમાં 24 ટકા વધારે હથિયારો ખરીદવામાં આવ્યાં હતાં. ભારત બાદ આ યાદીમાં દુનિયાના ટોચના હથિયારોના ખરીદદાર સાઉદી અરેબિયા, મિશ્ર, યૂએઈ, ચીન, ઓસ્ટ્રેલિયા, અલ્જીરિયા, ઈરાક, પાકિસ્તાન અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.
2013થી 2017 દરમિયાન ભારતે હથિયારીની કુલ ખરીદીમાંથી 62 ટકા હથિયારો તો માત્ર રશિયા પાસેથી જ ખરીદ્યા છે. ત્યાર બદ 15 ટકા હથિયારો અમેરિકા અને 11 ટકા ઈઝરાયેલ પાસેથી ખરીધ્યા હતાં.
ભારત રશિયા અને ઈઝરાયેલ પાસેથી વધારે હથિયારો ખરીદે છે. ચીનની વિદેશનીતિનો મુકાબલો કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાનું વલણ ભારતને લઈને બદલાયું છે અને અમેરિકા ભારતને પહેલાની સરખામણીમાં વધ્હારે હથિયાર સપ્લાઈ કરી રહ્યું છે. એશિયામાં ચીનનો દબદબો ઘટાડવામાં ભારત અમેરિકાની એક મજબુત સાથીની ગરજ સારી રહ્યું છે.
2008 થી 2012ની સરખામણીમાં 2013 થી 2017 સુધીમાં ભારતે અમેરિકા પાસેથી વધારે પ્રમાણમાં હથિયારો ખરીધ્યાં છે. આ વર્ષો દરમિયાન અમેરિકા પાસેથી ભારત દ્વારા હથિયારોની ખરીદીમાં લગભગ 557 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક દાયકામાં અમેરિકા અને ભારત વચ્ચે 15 બિલિયન ડોલરના હથિયારોની ડીલ થઈ છે.
બીજી બાજુ ચીન ડિફેંસ ઈન્ડસ્ટ્રિયલ બેઝને મજબુત બનાવવામાં સફળ રહ્યું છે. ચીન દુનિયામાં હથિયારોની આયાત કરનારા દેશોની યાદીમાં ટોપ 5માં આવી ગયું છે. અમેરિકા, રશિયા, ફ્રાંસ અને જર્મની બાદ પાંચમાં ક્રમે ચીન છે. ચીન પાસેથી સૌથી વધારે હથિયારો પાકિસ્તાન ખરીધી રહ્યું છે. ચીને પોતાના નિકાસ કરેલા હથિયારોમાં 35 ટકા તો માત્ર પાકિસ્તાનને મોકલ્યાં છે. ચીન પાસેથી હથિયારો ખરીદવામાં બીજા ક્રમે બાંગ્લાદેશ છે. જેને 19 ટકા હથિયારો ચીન પાસેથી ખરીધ્યાં છે.