કલેકટર કચેરીમાં 4પ કર્મચારીઓ બેઠા-બેઠા પગાર ખાય છે !

રાજકોટ તા.13
રાજકોટ કલેકટર કચેરીમાં 4પ જેટલા કર્મચારીઓ છેલ્લા એક મહિનાથી બેઠા-બેઠા પગાર ખાઇ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં મુકવામાં આવેલા 40 જેટલા કર્મચારીઓને મુળ જગ્યાએ બદલી કરવામાં નહીં આવતા આ પરીસ્થિતિ ઉભી થવા પામી છે. એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા ર8 ફેબ્રુઆરીથી મનોરંજન કચેરી બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ તેના પાંચ જેટલા કર્મચારીઓને અન્યત્ર જગ્યાએ નહીં સમાવાતા આ કર્મચારીઓ પણ હવા ખાઇ રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે જીલ્લા કલેકટર દ્વારા 40 જેટલા કર્મચારીઓની બદલી ચૂંટણીમાં કરવામાં આવી હતી. તેમાં પ્રાંત અધિકારીના એક-એક નાયબ મામલતદાર, મામલતદાર કચેરી એક-એક નાયબ મામલતદાર તેમજ એક એક કલાર્ક અને પટ્ટાવાળાની નિમણુંક કરી હતી. વિધાનસભાની ચૂંટણી પુરી થઇ ગયા બાદ તેના એક મહિના ઉપરનો સમય થઇ ગયો હોવા છતા આ કર્મચારીઓની બદલી કે મુળ જગ્યાએ નિમણુંકના ઓર્ડર કરવામાં નહીં આવતા કર્મચારીઓ ગણગણાટ શરૂ થયો છે.
માર્ચ એન્ડીંગ હોવાના કારણે કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્રો ઉદભવ્યા છે. અન્ય જીલ્લામાં ચૂંટણીનું મહેકમ પુરુ થતાની સાથે જ બદલી કરી દેવામાં આવી છે.
એકમાત્ર રાજકોટ જીલ્લામાં જ કર્મચારીઓની બદલી કરવામાં આવી નથી. મુદ્દત પુરી થઇ ચુકી હોવા છતા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા બદલીની પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવતા કર્મચારીઓમાં ભારે ચર્ચા ફેલાઇ છે.
રાજ્ય સરકાર દ્વારા કલેકટર કચેરીની મનોરંજન શાખાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ર8-ર સુધીમાં કચેરીનું રેકર્ડ જે તે મામલતદારને સોપવામાં આવ્યું છે. તેનો પણ આજે 13 દિવસ જેટલો સમય થઇ ગયો છતા મનોરંજન કચેરીના પાંચ જેટલા કર્મચારીઓને અન્યત્ર જગ્યાએ બદલી કે સમાવવાની કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આમ કલેકટર કચેરીમાં અધિકારીઓ
દ્વારા કામકાજ માટે સ્ટાફનું બહાનુ કાઢવામાં આવે છે પરંતુ ફાજલ થયેલ સ્ટાફને અન્યત્ર જગ્યાએ સમાવવા ઉચ્ચ અધિકારીઓને ભારે આળશ ચડી છે તે ખંખેરવાની જરૂર છે.