ઢેબર રોડ, રૈયા રોડ સહિતના 7 મિલ્કતો સીલ: 17.40 લાખની વસુલાત

ત્રણેય ઝોનમાં સીલીંગ કાર્યવાહી દરમ્યાન ર8 આસામીઓએ સ્થળ પર વેરો ભરપાઇ કર્યો
રાજકોટ તા.13
રાજકોટ મનપાની વેરા શાખાએ ત્રણેય ઝોનમાં રીકવરી ઝુંબેશ હાથ ધરી રૈયા રોડ, ઢેબર રોડ, 1પ0 ફુટ રીંગરોડ સહિતના વિસ્તારોમાં સાત મિલ્કત સીલ કરી ર8 આસામીઓ પાસેથી 17.40 લાખની વસુલાત હાથ ધરી હતી.
વેરા વિભાગે આજરોજ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.1, 8, 9, 10, 11 માં રીકવરી ઝુંબેશ હાથ ધરી ક્રિષ્ના પાર્ક મેઇન રોડ, કાલાવડ રોડ અને રૈયા ચોકની ત્રણ મિલ્કત સીલ કરી હતી તેમજ અન્ય આસામીઓએ સ્થળ પર વેરો ભરપાઇ કરતા મનપાને 1.ર0 લાખની આવક થઇ હતી. તેવી જ રીતે ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં.6, 1પ, 16 માં વેરા વિભાગની 4 ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી 14 મિલ્કતોની સીલીંગ કાર્યવાહી હાથ ધરતા તમામ આસામીઓએ સ્થળ પર વેરો ભરપાઇ કરતા મનપાને 6.પ0 લાખની આવક થઇ હતી.
સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.ર, 3, 7, 13, 14 અને 17 માં રીકવરી ઝુંબેશ હાથ ધરી લોહાણાપરા, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ, રજપુતપરા, ગોકુલનગર સહિતના વિસ્તારોની 14 મિલ્કતની સીલીંગની કામગીરી હાથ ધરતા 13 આસામીઓએ 9.ર4 લાખનો વેરો ભરપાઇ કર્યો હતો. જ્યારે યોગેશ્ર્વર એસ્ટેટમાં વેરો ભરપાઇ ન કરતા એક મિલ્કત સીલ કરવામાં આવી હતી.