રાજ્યમાં 4.72 લાખ હેકટર ગૌચરની જમીન ઉપર દબાણ

  • રાજ્યમાં 4.72 લાખ હેકટર ગૌચરની જમીન ઉપર દબાણ

ગાંધીનગર તા,13
ગુજરાત રાજ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ગીર અભ્યારણ અને નેશનલ પાર્કમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 57.5358 હેક્ટર વિસ્તારમાં દબાણો થવા સાથે સમગ્ર રાજ્યમાં 47,25,92 હેક્ટર એટલે કે,47259203 ચોરસ મીટર ગૌચર જમીન ઉપર દબાણો કરવામાં આવેલા છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ગૌચર જમીનના દબાણો અંગે જુદા જુદા ધારાસભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. તેનો ઉત્તર આપતાં રાજ્ય પંચાયત મંત્રી દ્વારા જણાવાયું છે કે, ગુજરાત રાજ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ગીર અભ્યારણ અને નેશનલ પાર્કમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 57.5358 હેક્ટર વિસ્તારમાં દબાણો થયેલા છે. તેમાં ખેતીના 56.1757 હેક્ટર અને ધાર્મિક વિસ્તારમાં 1.3601 હેક્ટર વિસ્તારમાં દબાણો થયેલા છે. ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ગ્રામપંચાયત હેઠળ આવતા ગૌચર દબાણો દૂર કરવાની જવાબદારી ગ્રામપંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવેલી છે. ગૌચરની જમીનો પરના દબાણો દૂર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. આ દબાણો દૂર કરાવવા અંગે સમયાંતરે જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવામાં આવે છે. આ ગૌચરની જમીન ખાલી કરવામાં ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસતંત્રની મદદ લેવામાં આવે છે તેમ ધારાસભ્યોએ પુછેલા પૂરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં રાજ્ય પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારે ઉમેર્યું હતું.