કેળવો મૈત્રી વિચાર-સમૃધ્ધ વ્યક્તિઓની!

ઘણી વખત પુસ્તક થકી આપણને જિંદગીની ઘણી બધી સમસ્યાના ઉકેલ અદ્ભૂત રીતે મળી આવે એમ પણ બને! શાતા અર્પવાનું અને પ્રસન્નતાના પ્રદેશમાં આપણને ખૂબ સહજતાથી વિહરતા કરી દેવાનું સામર્થ્ય ધરાવતાં હોય છે ઘણાં પુસ્તકો! એટલે તો એ વારંવાર વાંચવા અને પછી મિત્રોને વંચાવવા આપણને ખૂબ જ ગમે! દરરોજ થોડું વાંચન કરીને, નિયમિતપણે એમ કરતાં રહીને વર્ષા તે ઘણાં પુસ્તકો વાંચી શકવામાં આપણને મળે છે સફળતા, જ્ઞાન અને ડહાપણના વિસ્તરણમાં સરસ, નીવડેલાં પુસ્તકોના વાંચનનું પ્રદાન હંમેશા હોય છે શિરમોર અને ખૂબ જ અણમોલ!
થોડાં વરસો પહેલાં અમે પુસ્તક વાંચનને નિયમિત અને વિવિધતાપૂર્ણ બનાવવા માટે એક રસપ્રદ, સરસ, ફળદાયી પ્રયોગ કર્યો હતો! મને જે વિચાર આવેલો એ અમે દસેક મિત્રો એ અમલમાં મૂકેલો. દરેક મિત્રએ પોતાની પસંદગીનું એક પુસ્તક ખરીદવાનું, વાંચવાનું અને પછી અમારી બુક-લાઇબ્રેરીમાં જમા કરાવવાનું! આમ દસ મિત્રો દ્વારા એક એક મસ્ત પુસ્તક બુક-લાઇબ્રેરીમાં જમા થયું! કુલ દસ પુસ્તકો! હવે આ બધા પુસ્તકો દસેય મિત્રોએ એક પછી એક વાંચવાના! દસ પંદર દિવસે અમે બધાં મળીએ. દરેક મિત્ર પોતે વાંચી લીધેલું પુસ્તક પરત લાવે અને પુન: નવા પુસ્તક સાથે દરેક મિત્ર વાંચન માટે આગળ ધપે! ચારેક મહિનામાં દસે દસ પુસ્તકો દરેક મિત્રએ વાંચી લીધા: એ પૈકીના ત્રણેક પુસ્તક પર પછી મેં માંડી વાત! બુક ટોક! આ રીતે પણ અમે કરી શકયા આયોજિત! ટુંકાગાળામાં ઘણું વાંચન થયું એ તો દેખીતો ફાયદો જ! પણ એ ઉપરાંત વાંચનની વિવિધતા પણ સાધી શકાણી! દરેક મિત્રએ પોતાની પસંદગીનું પુસ્તક ખરીદીને અમારી લાઇબ્રેરીમાં મૂકેલું! દરેકની પસંદગી અલગ જ હોવાની ! વળી દરેકે બધાં પુસ્તક વાંચવાના જ હતા એટલે ઘણાં માટે નિબંધ, નવલિકા, આત્મ-ચરિત્ર વિગેરે વાંચવાનું પણ શકય બનેલું! તમે પણ કરી જુઓ આ પ્રયોગ! ગમશે જ!
ઘણી વખત તકલીફ કે મુશ્કેલીના સમયે પુસ્તકનો સાથ ખૂબ જ ફળદાયી નીવડે! એ થકી કયારેક શકય બને વ્યકિતનું અદ્ભૂત રૂપાંતરણ પણ! હમણાં રાહુલ નામના એક મિત્રને સેશનમાં મળવાનું થયેલું. તેણે કહેલી વાત પ્રેરણાત્મક અને અનન્ય! તેને શારીરિક તકલીફ થતાં ત્રણેક મહિના પથારીવશ રહેવું પડેલું. ખૂબ પ્રવૃત્તિ કરતા વ્યકિત માટે આ પ્રકારની સ્થિતિ વધુ વિકટ અને તકલીફ સર્જનારી જ હોય! રાહુલને વાંચનનો ગજબ શોખ. તેણે નકકી કર્યુ કે આ તબકકામાં તે વધુમાં વધુ વાંચન કરશે! તેણે શરૂ કરી દીધુ પુસ્તકો વાંચવાનું! લીન બનીને, તલ્લીન બનીને, લયલીન બનીને રાહુલે ત્રણેક મહિનાના આ અંતરાલમાં વાંચી નાખ્યા કુલ એંશી જેટલાં મસ્ત પુસ્તકો! તેને એટલી તો મઝા પડી વાંચનમાં કે ન પૂછો વાત! શારીરિક અને માનસિક રીતે પુન: તંદુરસ્ત થવામાં આ બધાં પુસ્તકોએ તેના માટે કર્યુ દવાનું જ કામ! રાહુલ કહે છે કે આખા વરસમાં પણ કદી જેટલું વાંચન નથી કરી શકયો તેટલું વાંચન ત્રણ મહિનામાં થયુ! આજે પણ એ દિવસોની યાદ આવે તો ચહેરે ખુશી અને આનંદસભર સ્મિત આવી જાય છે અને વધુ સરસ પુસ્તક વાંચવાની પ્રબળ ઇચ્છાપણ જન્મે! છે ને ખૂબ જ રસપ્રદ વાત રાહુલની ! અમે અમુક મિત્રો પ્રસંગોપાત એકબીજાને ભેટ સ્વરૂપે પુસ્તક આપવાનું પસંદ કરીએ. આ રીતે દરેકનું પુસ્તકાલય થતું રહે છે ખૂબ જ સમૃઘ્ધ! ને એ પણ અદ્ભુત પુસ્તકોથી! મારા મિત્ર નેહલકુમારે હમણાં જ મારી સાથેની વાતચીતમાં કહ્યું કે છેલ્લાં થોડાં વખતમાં તેણે વસાવેલાં પુસ્તકોની સંખ્યા જ ચાલીશ જેટલી થઇ ગઇ છે. દર મહિને એક કે બે પુસ્તક વસાવવાનો ખરીદીને વાંચવાનો નેહલકુમારનો ક્રમ! ખૂબ રસપ્રદ કાર્ય! અમે ચા પીવા માટે મળીએ ત્યારે ચર્ચા હંમેશા પુસ્તકની અને વિકાસ સાધવામાં ઉપયોગી નીવડે એ પ્રકારની મુદ્દાઓની! નેહલકુમાર પણ અમુક પુસ્તક વારંવાર વાંચે! દરેક વખતે એમાંથી કાંઇક નવું પામ્યાની થાય અનુભૂતિ ! અનેક મિત્રોને વાંચતા કરવાનું કાર્ય પણ એ કરતો રહે! ગમતાનો ગુલાલ કરવામાં જ અનોખો આનંદ! વિચારોની સમૃઘ્યિ થકી અન્ય પ્રકારની સંપદા પ્રાપ્ત કરવામાં આપણને મળે છે અનન્ય મદદ! સતતપણે! આમ કરવામા પુસ્તકનું પ્રદાન સૌથી વિશેષ! પુસ્તક સાથે જેઓની ગાઢ મૈત્રી છે તેઓને આ વાત સમજવી અને તેની સાથે મહતમ થવું એકદમ સુગમ લાગે! આવા મિત્રોની મૈત્રી, પુસ્તકોને ચાહનારા મિત્રની મૈત્રીથી જ જીવન બની શકતું હોય છે પ્રસન્નતા અને ખુશીથી ભર્યુ ભર્યુ! અર્થસભર અને તાજગીસભર! ભૌતિક અને આર્થિક રીતે સમૃઘ્ધ વ્યકિત પણ કયારેક વૈચારિક રીતે અતિ કંગાળ અને દરિદ્ર હોય એવું બને! તરત ખ્યાલ આવી જાય કે તેઓને અને પુસ્તકોને લાખ ગાઉનું છેટું છે! આવી વ્યકિતનું સાનિઘ્ય કદી પણ રૂપાંતરણ માટે ઉપયોગી ન જ થાય! તેઓથી દૂર રહીને જ આપણે કરી શકીએ અદ્ભુત કાર્ય! આપણાં ક્ષેત્રમાં! બંદૂકની તાકાત પર મુસ્તાક રહેનાર પર તીવ્રતાથી હસતો હોય છે દરેક પુસ્તકનો એક એક શબ્દ! ‘થીક એન્ડ ગ્રો રીચ’ નામના અદભૂત અને અનન્ય પુસ્તકના લેખક નેપોલિયન હિલે આ પુસ્તકમાં કરેલી રસપ્રદ, ઉપયોગી વાતો અને વિચારોના જાદુની અસરથી પ્રેરિત આ લખાણ તમને પણ આપશે ખૂબ ભાવસભર ઇજન આ પુસ્તક વાંચવા માટે! ઘણાં રસાળ પુસ્તકોની જેમ આ પુસ્તક પર પર મને વારંવાર બોલવું ગમે છે!
લખજો તમારો પ્રતિભાવ! બનજો વૈચારિક રીતે સમૃઘ્ધ! વિચાર-દિરિદ્રથી કેળવજો જાજેરું અંતર! એ પણ સર્જશે કમાલ! ને આપણે માલામાલ! અટકું છું. વાંચો તમે! ‘બુક ટોક’ સલીમ સોમાણી yourssalimsomani@gmail.com