એક આખી જિંદગી ઓછી પડે, પ્રેમ એ કયાં બે ઘડીનો ખેલ છે

‘આ મોહબ્બત છે કે છે એની દવા કહેતા નથી, એક મુદત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી’
-મરીઝ
અઢી અક્ષરનો પ્રેમ શબ્દ સાંભળતાજ રોમરોમમાં ઝણઝણાટી વ્યાપી જાય છે. ભલે પ્રેમ આંઘળો ગણાતો હોય, કે પ્રેમ પાગલ બનાવી દેતો હોય તે જે હોય તે પરંતુ એટલું તો જરૂર કબુલ કરવું જ પડશે કે, પ્રેમ એક એવી તો આહલાદક અનુભૂતિ છે કે, તેમાં પડનાર આજીવન તેને ભૂલી શકતા નથી. હાં તેની શરૂઆત કઇ રીતે કરવી? તે કઠિન પ્રશ્ર્ન છે. તો તેનો અંત કઇ રીતે કરવો? તે કઠિન પ્રશ્ર્ન છે. તો તનો અંત કઇ રીતે આવશે, લગ્ન થઇ જશે બેમાંથી એક થવાશે કે પછી અધુરી વાર્તા રહી જશે તે નસીબ ઉપર આધારિત હોય છે.
યૌવનના ઉંબરે પદાર્પણ કરતા કોઇ વિતિય વ્યકિતને જેાતા જ હ્રદયની ધડકન વધી જવી પ્રેમની અભિવ્યકિત કઇ રીતે કરવી? એ કોયડો ઉકેલવો તે અઘરી વાત હોય છે.
જો કે, ઉભયપક્ષે મે સરખી સ્થિતિ હોય તો પહેલ કોણ કરે? તેની રાહ જોવાતી હોય છે. સ્મિતનો વ્યવહાર તો હોય છતાં સામે આવતો જીભ સિવાઇ જાય છે. તો સામે પેલી યુવતી પણ કંઇ બોલી નથી શકતી હા પણ ન કહે કે ના પણ ન કહે આવી રીતે સમય પસાર થતો રહે છે.
‘શું લીધું દીધું કહું હું પ્યારના વહેવારમાં?
ઊંઘ વેચીને અમારે જાગરણ લેવું પડયું’
- અમર પાલનપુરી
બે પ્રેમિઓને હાથમાં હાથ રાખી ફરતા જોઇ ઘણાં તેની ઇર્ષા કરતા હોય છે. પરંતુ માહ્યલા ગુણ મહાદેવ જાણે તેમ ખરેખર જોઇએ તો એ પ્રેમિઓ જ જાણતા હોય છે!
લોકો એવું વિચારતા હોય છે કે, આ છોકરો કેવો નસીબદાર છે! આવી સરસ છોકરી તેને પ્રેમ કરે છે. આ લોકોને કંઇ ચિંતા ખરી? એય ને સાંજે ગાર્ડન કે તળાવના કિનારે બેસી કલાકો સુધી વાતો કરવાની કેવી મજા!
પરંતુ પેલી કહેવત છે ને કે ‘ડુંગર દૂરથી રળિયામણા’ તેમ પ્રેમ કરનારની સ્થિતિ વિશે એ બંને જ જાણતા હશે, ઘર, સગા સંબંધીની નજરમાંથી બચતા રહેવા કેટલું જૂઠું બોલવું પડે? માતા પિતાને પણ ઊઠાં ભણાવવા પડે! પ્રિયતમને મળવા માટે ખોટા બહાના બનાવી ઘર કે, કોલેજમાંથી રજા મેળવવી પડે, આમ જોઇએ તો ઉંઘ વેઠી ઉજાગરા કરવા જેવી આ વાત ગણાય છતાં પ્રેમનો પમરાટ પામવા કોઇ ઉત્સુક નહિ હોય?
‘વહેવારમાં પ્રણયના અગર ખોટ આવશે,
ધારી ન હોય એવી પછી ચોટ આવશે’
- ગલામઅબ્બાસ ‘નાશાદ’
પ્રેમમાં મેળવવા કરતા વધુ આપવાનું અથવા ગુમાવવાનું હોય છે. વ્યવહારની દ્રષ્ટિએ જોવા જઇએ તો આ ખોટનો ધંધો ગણાય પરંતુ શું થાય પ્રેમનું આકર્ષણ જ એવું છે કે ન પૂછો વાત!
પ્રેમમાં સામે વાળાની ખુશી માટે સર્વ આપી તેના ચહેરા ઉપર સ્મિત મઢવાની વાત હોય છે. તેનું પડાવી લેવાની નહિ! જો સાચો પ્રેમ હોય તો.! બાકી રૂપિયા ગાડી બંગલો જોઇ પલળી જાય તે પ્રેમ નહિ બલ્કે જરૂરિયાત પૂર્તિનો રસ્તો ગણી શકાય.
પ્રેમમાં પડનારે એ સમજી લેવું પડે કે, જો પ્રેમના વ્યવહારમાં ખોટ આવશે તો ધારી ન હોય તેવી ચોટ આવશે. કારણકે પગમાં લાગેલી ઠોકર તો પાટા પીંડી કે બે ચાર મહિનાની સારવાર બાદ ઘા રુઝાઇ જાય છે, પરંતુ દિલ ઉપર લાગેલી ચોટ આજીવન રુઝાતી નથી!
(શિર્ષક પંકિત: ‘રાજ’ લખતરવી) આસ્વાદ બાલેન્દુ શેખર જાની