ભાવનગરમાં મસ્જિદ તૂટી પડતા 8 દબાયા: બેનાં મોત

કલેક્ટર, જિલ્લા પોલીસવડા, મ્યુનિસિપલ કમિશનર સહિતનો કાફલો રેસ્ક્યૂ સાથે દોડી ગયો: સદનસીબે મોટી ખુવારી અટકી   ભાવનગર તા, 10
ભાવનગરમાં વર્ષો જુની નુરે મહમદી મસ્જીદ તુટી પડતા કાટમાળમાં હટાતા બે કામદારોનાં મોત નિપજ્યા છે. જયારે છ ને ઇજા પહોચતા હોસ્પીટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કાફલો અને રેસ્કયુ ઓપરેશનની ટીમ ઘટનાસ્થળે છોડી ગઇ હતી અને બચાવ કામગીરી કરી હતી.
શહેરનાં ચાવડી ગેઇટ પાવર હાઉસ પાસે આવેલ પ0 વર્ષથી વધુ જુની નુરે મહમદી મસ્જીદનું રીપેરીંગ કામ ચાલુ હતું ત્યારે અચાનક મસ્જીદનાં ગુંબજ સાથેનો સ્લેબ ધડામ સાથે તુટી પડતા અંદર કામ કરતા આઠ જેટલા લોકો કાટમાળમાં દટાયા હતા. જે લોકો ફસાયા હતા તે કડીયા કામ કરતા હતા. આ બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડ, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ, પોલીસ તથા મુસ્લીમ સમાજનાં આગેવાનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળમાં દબાયેલા કામદારોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
બનાવ બાદ તુરંત જ કામગીરી હાથ ધરતા કાટમાળમાં ફસાયેલા પૈકી ચાર કામદારો ઇસુબખાન રસીદખાન પઠાણ (ઉ.વ.4ર), રહેમતુલ્લા શેખ (ઉ.વ.30), આરીફભાઇ ભીખાભાઇ કુરેશી (ઉ.વ.30), આમીર ઉલ્લા મહમદભાઇ (ઉ.વ.પ0)ને બહાર કાઢી તાત્કાલીક 108 મારફત હોસ્પીટલ ખસેડાયેલ.
જ્યારે તપાસ કામગીરી દરમ્યાન આસીફ ઉસ્માન શેખ નામનાં કામદારનો મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અન્ય ત્રણ કામદારો ફસાયા હોય તંત્ર દ્વારા રાત્રી સુધી કામગીરી શરૂ કરી છે. બીજા એક કામદારનું પણ મોત નિપજ્યું છે.
આ બનાવની જાણ થતા જ કલેકટર, એસપી, પોલીસ અધિકારીઓ, મ્યુ.નાં અધિકારીઓ, રાજ્યમંત્રી વિભાવરીબેન દવેનું પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી અને કોંગ્રેસઆં આગેવાનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. નમાઝના એક કલાક બાદ બની દુર્ઘટના
ભાવનગરમાં દરગાહ ધરાશાયી થતા આઠ દબાયા હતા. આ બનાવના એક કલાક પહેલા રમજાન માસ હોય જુમ્માની ખાસ નમાઝ પઢવામાં આવી હોય મોટી સંખ્યામાં લોકો નમાઝ પઢવામાં આવ્યા હતા. જો એક કલાક પહેલા દુર્ઘટના સર્જાઇ હોય તો મોટી જાનહાની થાત તેવું ચર્ચાઇ રહ્યું હતું.
છ કલાકે કાટમાળમાંથી નીકળેલા બડે મિયાંનો ચમત્કારિક બચાવ
ભાવનગરની નુરેમહંમદી મસ્જીદ ધરાશાયી થયા બાદ કાટમાળ નીચે દબાયેલાઓને બહાર કાઢવાની કામગીરીમાં છ કલાક પછી કાટમાળમાંથી બહાર કઢાયેલા મોટાભાઇ ઉર્ફે બડેમીયાં જમાલભાઇ બુખારીનો ચમત્કારીક બચાવ થયો છે. તેમને સામાન્ય ઇજાઓ થતાં સરટી હોસ્પીટલમાં ખસેડાયેલ છે. ભાવનગરમાં ચાવડી ગેઇટ વિસ્તારમાં દરગાહનો સ્લેબ તુટતાં અંદર કામ કરતા આઠ લોકો દબાયા હતા. ઓપરેશન રેસ્કયુ દ્વારા ચારને બહાર કાઢી હોસ્પીટલે ખસેડાયેલ. જ્યારે અન્ય દબાયેલાને શોધવા મોડીરાત સુધી કાર્યવાહી ચાલુ રહી હતી. બનાવની જાણ થતા જ કલેકટર, એસ.પી., રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, પ્રદેશ પ્રમુખ ધારાસભ્ય જીતુ વાઘાણી અને મુસ્લિમ સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી ગયા હતા.(તસ્વીર: વિપુલ હિરાણી)