માધવપુરનો મેળો માણશે વડાપ્રધાન

પોરબંદર તા.9
માધવપુર (ઘેડ)માં યોજાનાર સુવિખ્યાત લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ પૌરાણિક મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આવે તેવી શકયતાઓ જોવાઇ રહી છે તેથી તે અંગેની સુરક્ષા વ્યવસ્થા માટે એસ.પી.એ ત્યાંની મુલાકાત લીધી હતી.
પંચદિવસીય મેળાનો 25 માર્ચથી પ્રારંભ
જૂનાગઢનો ભવનાથનો લોકમેળો, સુરેન્દ્રનગરનો તરણેતરનો લોકમેળો અને માધવપુરનો લોકમેળો આ ત્રણ મેળા સૌરાષ્ટ્રની આગવી ઓળખ ગણાય છે. જેમાં પોરબંદર અને માંગરોળ મધ્યે ઘેડનું નાકું એવા માધવપુર (ઘેડ) માં પૌરાણિક અને ધાર્મિક તેમજ સાંસ્કૃતિક સોરઠી ઢબનો લોકમેળો ભરાય છે. તા. 25/3 થી 29/3, ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી યોજાનારા આ પાંચ દિવસ માધવપુર પંથકમાં શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહમય માહોલ સર્જાય છે જે મેળાને માણવો એક લ્હાવો છે. પ્રાકૃત્તિક સૌંદર્યથી વીંટળાયેલ પશ્ર્ચિમ સૌરાષ્ટ્રના સૌંદર્યધામો માંગરોળ અને ચોરવાડ જેટલું જાણીતું પ્રાચીન
નગર માધવપુર (ઘેડ) છે. શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્નની વાતોને હજ્જારો વર્ષો પછી પણ હૈયામાં સંઘરીને બેઠેલું માધવપુર ઐતિહાસિક નગર છે. ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી સતત પાંચ દિવસ આ મેળો ભરાય છે. ભગવાન શ્રી રામચન્દ્રના પ્રાગટ્ય દિન રામનવમીના પવિત્ર દિવસે મંડપારોપણ થાય છે. ભગવાન માધવરાયજી, ત્રિકમરાયજીના મંદિરથી પહેલા ફૂલેકાનો પ્રારંભ રાત્રીના 9 કલાકે થાય છે. ચૈત્ર સુદ બારસ વિવાહ ઉત્સવ તરીકે ઉજવાય છે.
માધવપુરની ભાગોળે આવેલા મહાપ્રભુજીની બેઠકના સાંન્નિધ્યમાં રૂક્ષ્મણીના પિયરપક્ષની જગ્યા રૂક્ષ્મણીમઠ ખાતે માધવરાયનું સામૈયું કરવામાં આવે છે. નીજ મંદિરેથી ભગવાન માધવરાયનું જાનનું પ્રયાણ થાય છે. શ્રી કૃષ્ણ વરરાજા બનીને સજીધજીને રૂક્ષ્મણીજીને પરણવા જાય છે ત્યારે લગ્નગીતો અને દાંડીયારાસની રમઝટ બોલે છે. વરઘોડો મુખ્યબજારમાં પસાર થઈ મેળાના મેદાનમાં મધ્યમાં પહોંચે છે. ત્યાં શીશુપાલના આક્રમણનો ખ્યાલ આપતું પદ ગવાય છે ને રથ દોડાવી રૂપેણ વનમાં લઈ જવાય છે, જ્યાં વરરાજાના પોંખણા થાય છે અને ક્ધયાદાન દેવાય છે.
જાન આખીરાત મધુવનમાં રોકાય છે અને ચૈત્ર સુદ તેરસના દિવસે રૂક્ષ્મણીને વિદાય અપાય છે. ભગવાન શ્રી કૃષ્ણ વાજતે-ગાજતે માધવપુરના નીજમંદિરમાં પધારે છે. આમ ચૈત્ર સુદ તેરસનો દિવસ મેળાનો આખરી દિવસ બની રહે છે. થોડા થાક અને ઘણી ખુશી સાથે મુલાકાતીઓ ચૈત્ર સુદ તેરસની સાંજે માધવપુરથી પરત ફરે છે. આમ વરસોવરસ લોકો આ લોકમેળાની મજા માણતા રહે છે.
એસ.પી.એ લીધી મુલાકાત
પોરબંદરના મહીલા એસ.પી. શોભા ભુતડાએ માધવપુરની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પાંચ દિવસમાંથી એક દિવસ હાજરી આપવાના છે તેવી શકયતા વચ્ચે બે હલીપેટ હોવા જરૂરી છે તેથી ત્યાં એસ.પી.એ રૂબરૂ મુલાકાત લઇને તપાસ હાથ ધરી હતી તથા બે હેલીપેડ બનાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ વડાપ્રધાન પ્રથમ વખત મેળામાં હાજરી આપવાના છે તેથી તેની પુરતી સુરક્ષા વ્યવસ્થા પણ હોવી જરૂરી છે. તેમની સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ જોડાવાના હોય તેવી શકયતા છે તેથી તંત્ર દ્વારા તડામાર તૈયારી એટલા માટે ચાલી રહી છે કે, આ વખતે પ્રવાસન વિભાગ દ્વારા સમગ્ર મેળાનું આયોજન હાથ ધરવાનું છે.વડાપ્રધાનની સાથોસાથ પાંચથી વધુ રાજયના મુખ્યમંત્રી પણ આવે તેવી શકયતા હોવાથી પોરબંદરનું વહીવટીતંત્ર પણ ટુંક સમયમાં જ તે અંગેની બેઠક યોજીને કાર્યવાહી આગળ વધારશે તેવું જાણવા મળ્યું છે.