હંસરાજભાઇ ગજેરા: મશીનથી મોલ સુધીની સફર

કાગવડ ખાતે ખોડલધામનું મંદિર જયારે બાંધવાનું નક્કી થયું ત્યારે સ્વાભાવિક રીતે જ ચેરમેન નરેશ પટેલનું નામ સૌથી આગળ લેવાતું હતું ખુદ ચેરમેન નરેશ પટેલ એવું માનતા હતા કે માતાજીની દયાથી મંદિરનું ભવ્ય નિર્માણ તો સંપન્ન થઇ જશે પરંતુ તે માટે કર્તવ્યનિષ્ઠ અને કર્મઠ અને દિવસ રાત સમર્પિત લોકોની એક ટીમની જરૂર પડશે. આજે જયારે ગયા વર્ષે ખોડલ ધામનું ભવ્ય મંદિર સંપન્ન થયું અને અંદાઝે 30 થી 40 લાખ થી વધારે લેઉવા પટેલ સમાજના ભાઈઓ બેહેનો મંદિરની પ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવના સાક્ષી બન્યા અને જેની વિશ્ર્વભરમાં નોંધ લેવામાં આવી તેની પાછળ જે ટીમે મહેનત લીધી હતી તેના મુખ્ય શિલ્પી હતા સનિષ્ઠ ઉદ્યોગપતિ હંસરાજભાઇ ગજેરા કે જેવો આજે લઘુ ઉદ્યોગ ભારતી અને રાજકોટ નાગરિક સહકારી બેન્ક સાથે પણ જોડાયેલા છે.
હંસરાજભાઇ ગજેરાના પિતા જીઈબીમાં સર્વિસ મેન હતા અને તેમનું નામ પણ બહુ જ આદરથીલેવામાં આવતું હતું. દાદા કણકોટ ગામમાં રહેતા હતા પરંતુ હંસરાજભાઈનું શિક્ષણ રાજકોટના ગુરુકુળમાં જ શરુ થયુંઅને ત્યાં જે સંસ્કારો મળ્યા તે જિંદગી સાથે વણાઈ ગયા. ધોરણ 12માં ડિસ્ટિંક્શન માર્ક્સ હોવા છતાં એ સમયે ક્યાં ફિલ્ડમાં જવું તે ખબર ન હતી અને મિકેનિકલ એન્જીનીયરીંગ પસંદ કર્યું અને ભણીને થોડા સમય પ્રાઇવેટમાં જોબ કરી અને થોડો સમય સરકારી નોકરીપણ કરી પરંતુ પોતાના મૂલ્યો, અને સિદ્ધાંતો અને વિચાર પ્રમાણે નોકરી સાથે ફિટ ન થતા લોન લઈને બે મશીન સાથે રાજકોટના પટેલ નગરમાં ભાડાના જગ્યામાં વર્કશોપ શરુ કર્યું જેમાં હેન્ડ ટુલ્સનું પ્રોડક્શન શરુ કર્યું અને ત્યારબાદ 1990માં અટિકા ખાતે પોતાની જગ્યા લઈને એકોર્ડ એન્જિનિયરિંગ કોર્પોરેશન શરુ કર્યું અને 2009માં વાવડી ખાતે ‘એકોર્ડ ઇન્ડકટોકાસ્ટ’ નામથી એક વધુ સોપાન શરુ કર્યું.
આજે એકોર્ડ એન્જીનીયરીંગ કોર્પોરેશન મેન્યુફેકરીંગ,સપ્લાયર્સ અને એક્સપોર્ટર તરીકે મોટું નામ ધરાવે છે. અહીં મિલિંગ મશીન વાઇસીસ, બેન્ચ વાઇસ ડબલ રિબ, હેવી ડ્યુટી પાઇપ વાઇસીસ, પ્રેસીશન મોડ્યુલર વાઇસીસ, વુડ વર્કિંગ વાઇસીસ,પ્લેઇન સ્ક્રુ, હેવી ડ્યુટી ડ્રિલ વાઇસીસ,વગેરે ઓટો કમ્પોનન્ટ બને છે અને એક્સપોર્ટ પણ થાય છે હવે તેમની કંપની રેલ્વે કમ્પોનન્ટ, પમ્પ અને વાલ્વ, કમ્પ્રેસર કમ્પોનન્ટ બનાવે છે. યુરોપ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશોમાં એક્સપોર્ટ પણ થાય છે અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ પણ તેમની પ્રોડક્ટ ખરીદે છે.
હંસરાજભાઇ એવું માને છે કે રાજકોટ અને સૌરાષ્ટ્ના ઉદ્યોગકારો પાસે ટેલન્ટની કોઈ કમી નથી.એક સમયે લઘુ ઉદ્યોગનું રાજકોટ હબ ગણાયું હતું પરંતુ ઘણા પ્રશ્ર્ન આવતા લઘુ ઉદ્યોગ માઠીદશામાં આવી ગયો હતો પણ હવે હંસરાજભાઇએ ફરી બેક ટુ બેઝિક્સનો નિયમ અપનાવીને રાજકોટ અને સૌરાષ્ટ્રને ફરી લઘુ ઉદ્યોગનું કેપિટલ બનાવાના પ્રયત્ન શરુ કર્યા છે જેના ભાગ રૂપે તાજેતરમાં ડિફેન્સ,રેલ્વે અને શિપિંગના ટોચના અધિકારીઓ રાજકોટ આવ્યા હતા અને તેમના ક્યાં ક્યાં પાર્ટ્સ રાજકોટ બનાવી શકે તેમ છે તેની એક બેઠક મળી હતી અને આવનારા દિવસોમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ મંડાવિયા પણ આ દિશામાં સક્રિય બની રહ્યા છે ત્યારે એ દિવસ દૂર નથી કે ફરી એક વખત રાજકોટ અને સરાષ્ટ્ર લઘુ ઉદ્યોગ ક્ષેત્રે મોટું હબ બની જશે.
તેઓ માને છે કે ઓટો કમ્પોનન્ટની સાથે સાથે નવી પેઢીના નવા બિઝનેસ વિચારોને પણ હમેંશા સ્થાન મળવું જોઈએ. જેના ભાગ રૂપે કંપની દ્વારા દેવપરા વિસ્તારમાં એકોર્ડ હાઇપર માર્ટના નામે મોલ શરુ કરવામાં આવ્યો. જેનું ઉદ્ઘાટન ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને નાગરીક બેંકના ચેરમેન જયોતિન્દ્રભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે મોલને એક વર્ષ હવે પૂરું થશે ત્યારે આ બિઝનેસ સંભાળતા કેતન ગજેરા, સતીશ ગજેરા અને ભાર્ગવ ગજેરા આ બિઝનેસ અને તેનો વ્યાપ વધારવા માટે રાજકોટમાં અન્ય સ્થળોએ પણ નવા મોલ શરુ કરવા માંગે છે અને તેમાં સફળતા બાદ સૌરાષ્ટ્રના અન્ય શહેરમાં રેકોર્ડ હાઇપર માર્ટની ચેઇન શરુ કરવાનું નવી પેઢીનું સ્વપ્ન છે.
વર્તમાન સમયમાં શાકભાજીથી લઈને કરિયાણા તેમજ ક્રોકરીથી લઈને કપડાં સુધીની દરેક વસ્તુ મોલમાં મળી જાય છે. રાજકોટના લોકો પણ હવે દરેક ખરીદી મોલમાં કરવા લાગ્યા છે. રાજકોટનો દેવપરા વિસ્તાર કે જ્યાં આવા મોલની કલ્પના લોકોએ કરી ન હતી તે વિસ્તારમાં રેકોર્ડ હાઇપર માર્ટ મોલ શરુ કરીને લોકોને ખરીદીનો એક નવો વિકલ્પ આપ્યો છે.
બજાર કરતા ઓછા ભાવે વસ્તુઓ મળતી હોવાને કારણે લોકો મોલમાં ખરીદી કરવા તરફ વળ્યાં છે. પોતાનીજ જગ્યા હોવાથી અને નવી પેઢી કૈક નવું કરી શકે તેવા આશયથી આ મોલ શરુ કરવામાં આવ્યો હતો અને આજે સફળતાનાં શિખરો સર કરી રહ્યો છે. યોગ્ય સમયે નવી પેઢીને જવાબદારી સોંપી દેવી જરૂરી છે
કોલેજકાળથી જ સમાજસેવામાં તેમને રસ હતો જેનું તેમણે નિવૃત્તિ બાદ પ્રારંભ કર્યો
* શરૂઆત થઈ જ્ઞાતિના સોશ્યલ ગ્રુપ થી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ વેસ્ટમા પ્રેસિડેન્ટ બન્યા અને જ્ઞાતિના હિત માટેનાં કાર્યો કર્યાં હતાં
* ત્યારબાદ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા સિવિલ સર્વિસિસના તમામ ક્લાસીસ નજીવી ફીમાં શરૂ કર્યા હતા .
* ત્રણ વર્ષથી નાગરિક બેન્કમાં ડાયરેક્ટર પદે રહી કાર્યભાર સંભાળી રહ્યા છે થોડા સમય પહેલા પાટીદાર આંદોલન થયા તેમાં મધ્યસ્થી બનવાની મહત્વપૂર્ણ ભૂમિકા તેઓની પણ રહી છે.
* આ બધા ઉપરાંત તેમના જીવનની શ્રેષ્ઠ કામગીરી એટલે ખોડલધામ મંદિરનું નિર્માણકાર્ય. પાયાથી લઈને દરેકે દરેક બાબતની માહિતી એકઠી કરીને શ્રેષ્ઠ મંદિર બનાવવાના કાર્યમાં તેમનું વિશાળ યોગદાન રહ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના સેક્રેટરી પદે રહી નોંધપાત્ર કામગીરી બજાવી મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થતાં એ પદ પરથી પણ નિવૃત્તિ લીધી.
* લઘુ ઉદ્યોગ ભારતીના હાલ તેઓ પ્રેસિડેન્ટ છે અને સૌરાષ્ટ્રના ઇન્ડસ્ટ્રીયલ એરીયા ડેવલપ થાય એ માટે કામગીરી કરે છે.   સક્સેસ મંત્ર: મુશ્કેલીને મુશ્કેલી ન ગણો
શૂન્યથી શરૂઆત કરનાર હંસરાજભાઈને અહીં સુધી પહોંચવામાં અનેક મુશ્કેલીઓ આવી જ હોય પરંતુ મુશ્કેલીને તેઓ ક્યારેય મુશ્કેલી ગણતા નથી તેમણે જણાવ્યું કે મુશ્કેલીને હું એક એડવેન્ચર ગણીને તેનો સામનો કરૂ છું. પરેશાની આવે પરંતુ તેને એક પઝલ તરીકે જોઈને સોલ્વ કરો તો તેનો ચોક્કસ મળે જ છે. બાકી તો જો સમય મુજબ રહો તો કાંઈ મુશ્કેલી પડતી નથી જેમકે ભણવાના સમયે ભણવુ, બિઝનેસ સમયે બિઝનેસ આમ ઉંમર પ્રમાણે કામ કરીએ તો જીવન સરળ બની જાય છે. આજે સમસ્યાઓ ઉદભવવાના કારણો છે કે નૈતિકતા ઘટી ગઈ છે નૈતિક મૂલ્યોની કોઈ મહત્ત્વ આપતું નથી આથી જો દરેક વ્યક્તિ મૂલ્ય અને સિધ્ધાંતોને અનુસરી ને જીવન જીવે તો કોઈ મુશ્કેલી
રહેતી નથી. પરિવાર બાબત ખૂબ જ નસીબદાર છું
પરીવાર વિશે વાત કરતાં હંસરાજભાઈએ જણાવ્યું કે પરિવાર બાબત હું ખૂબ જ નસીબદાર છું. હાલમાં બન્ને ભાઈઓ ભીખુભાઈ, ચતુરભાઈ પણ બિઝનેસમાં સાથે છે. અને ત્રણેય ભાઈઓ વચ્ચે સ્નેહ અને સંપ છે વ્યવસ્થાના ભાગરૂપે ભાઈઓના પરિવારો અલગ રહે છે. મકાન અલગ છે પણ બધાના મન એક છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સુમેળ ખૂબ જ છે. ધીરુભાઈ અંબાણીના જીવન પરથી પોતે પણ શીખ લઈને પોતાની હયાતીમાં જ બધું પુત્રને સોંપી દીધું છે પોતે હાજર હશે અને પુત્રને બિઝનેસમાં કે ક્યાંય તકલીફ પડશે તો પોતે માર્ગદર્શન આપવા માટે તેમ જ સપોર્ટ કરવા માટે હશે. એ વિચારથી આજે પોતે સમાજ સેવાની પ્રવૃત્તિ સંભાળે છે જ્યારે પુત્રો કેતન અને સતીશ બિઝનેસ સંભાળે છે નાના પુત્ર સતિષ માસ્ટર ઇન ક્રિયેટિવ મીડિયા કરી ફિલ્મમેકિંગમાં પણ પોતાનો હાથ અજમાવી લે છે.