મુકેશ અંબાણી ભારતનાં સૌથી ધનવાન: ફોર્બ્સ


ન્યુયોર્ક તા.7
ફોર્બ્સ મેગેઝીને આ વર્ષના સૌથી ધનવાન લોકોની યાદી પ્રસિદ્ધ કરી દીધી છે, જેમાં આ વર્ષે પણ મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ બની રહ્યા છે. ભારતમાં 2018માં 121 બિલિયોનર્સ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીમાં દેશમાં અબજપતિઓની સંખ્યામાં 19નો વધારો થયો છે.
મુકેશ અંબાણીની સંપત્તિમાં એક વર્ષમાં 16.9 અબજ ડોલરનો વધારો થયો છે, અને તેઓ 40.1 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બની રહ્યા છે. વૈશ્વિક સ્તરે મુકેશ અંબાણી દુનિયાના 19મા સૌથી ધનવાન વ્યક્તિ છે. 2017માં તેઓ દુનિયાના 33મા સૌથી ધનિક વ્યક્તિ હતા. 2018માં ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ અબજોપતિઓ ધરાવતો દેશ બની ગયો છે. આ વર્ષે 585 અબજપતિઓ સાથે અમેરિકા દુનિયાનો સૌથી વધુ બિલિયોનર્સ ધરાવતો દેશ બન્યો છે, જ્યારે 373 બિલિયોનર્સ સાથે ચીન આ મામલે બીજા નંબરે છે. દુનિયામાં 2018માં અબજોપતિઓની સંખ્યા 2208 હોવાનું ફોર્બ્સે જણાવ્યું છે.
આ વર્ષે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે. જેમની સંપત્તિનું મૂલ્ય 112 અબજ ડોલર થાય છે. જેફે ગયા વર્ષના સૌથી ધનવાન વ્યક્તિઓ બિલ ગેટ્સ (90 અબજ ડોલર) અને વોરેન બફેટ (84 બિલિયન ડોલર)ને પણ આ વર્ષે પાછળ છોડી દીધા છે. એટલું જ નહીં, તેઓ 100 બિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા દુનિયાના પહેલા વ્યક્તિ છે. તેમની સંપત્તિના મૂલ્યમાં એક જ વર્ષમાં 39.2 અબજ ડોલરનો જંગી વધારો થયો છે.
સોફ્ટવેર કંપની એચસીએલના સ્થાપક શિવ નાદાર ચોથા સૌથી ધનિક ભારતીય છે, જેઓ 14.6 અબજ ડોલરની સંપત્તિના માલિક છે. જ્યારે, 39 વર્ષના ફાઈનાન્શિયલ ટેક્નોલોજી આંતરપ્રેન્યોર અને પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા સૌથી યુવાન બિલિયોનેર બન્યા છે. તેઓ 1.7 બિલિયન ડોલરના માલિક છે. સન ફાર્માના સ્થાપક દિલિપ સંઘવીને પાંચમા સૌથી ધનિક ભારતીય જાહેર કરાયા છે, જેઓ 12.8 અબજ ડોલરની સંપત્તિના માલિક છે. ભારતના સૌથી વધુ અબજપતિઓ ફાર્માસ્યૂટિકલ સેક્ટર સાથે સંકળાયેલા છે, અને તેમની સંખ્યા 16 સુધી પહોચે છે. જ્યારે ક્ધઝ્યુમર ગુડ્સના બિઝનેસ સાથે સંકળાયેલા 15 લોકો અબજપતિ છે. રિયાલિટી સેક્ટરમાં પણ તગડી કમાણી કરી નવ લોકો અબજપતિ બન્યા છે. સાવિત્રી જિંદાલ સૌથી ધનવાન મહિલા
ભારતની વાત કરીએ તો, આઈટી સેક્ટર સાથે સંકળાયેલા અજીમ પ્રેમજી બીજા સૌથી ધનવાન ભારતીય બન્યા છે. તેમની સંપત્તિનું મૂલ્ય 18.8 બિલિયન ડોલર થાય છે. દુનિયામાં તેમનો ક્રમાંક 58મો છે. જ્યારે, તેમના પછી ત્રીજા નંબરે લક્ષ્મી મિત્તલ આવે છે, જેઓ 18.5 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે. ફોર્બ્સની યાદીમાં સૌથી ધનવાન ભારતીય મહિલા તરીકે સાવિત્રી જિંદાલને સ્થાન અપાયું છે, જેઓ 8.8 અબજ ડોલરના માલિક છે. ટોપ-10 ધનવાન ભારતીયો
1. મુકેશ અંબાણી (40.1 અબજ ડોલર, પેટ્રોકેમિકલ્સ, ઓઈલ-ગેસ)
2. અઝીમ પ્રેમજી (18.8 અબજ ડોલર, સોફ્ટવેર સર્વિસ)
3. લક્ષ્મી મિત્તલ (18.5 અબજ ડોલર, સ્ટીલ)
4 શિવ નાદાર (14.6 અબજ ડોલર, સોફ્ટવેર સર્વિસ)
5. દિલિપ સંઘવી (12.8 અબજ ડોલર, ફાર્મા)
6. કુમાર બિરલા (11.8 અબજ ડોલર, કોમોડિટી)
7. ઉદય કોટક (10.7 અબજ, બેન્કિંગ)
8. રાધાક્રિશ્ન દામાણી (10 અબજ ડોલર, ઈન્વેસ્ટમન્ટ, રિટેઈલર)
9. ગૌતમ અદાણી (9.7 અબજ ડોલર, કોમોડિટીઝ, પોર્ટ્સ)
10. સાયરસ પુનાવાલા (9.1 અબજ ડોલર, વેક્સિન)