ભારતીય સૈન્યએ પાકિસ્તાન સરહદે મચાવી ધણધણાટી

અનેક ગામો ખાલી કરાવવા પડયા: અડધી રાતે ઉચાળા!
કાશ્મીર તા.26
કાશ્મીરના ઉરી સેક્ટરમાં 2003 પછી પહેલી જ વાર ભારતીય સૈન્યે પ્રચંડ ગોળીબાર કરતા પાકિસ્તાનના સરહદી ગામોમાં દોડધામ મચી ગઈ હતી. પાકિસ્તાનને તેના સરહદી ગામોને ખાલી કરાવવાની નોબત આવી હતી. સીમાડે આવેલા પાકિસ્તાનના ગામડા ત્રણ દિવસથી ખાલી થઈ રહ્યા છે. 19 ફેબ્રુઆરીથી જ વિસ્તારમાં બંને સેના વચ્ચે નિયમિત રીતે ભારે ગોળીબાર થવા લાગ્યો હતો.
વર્ષ 2013 પછી પહેલી જ વાર ઉરી સેક્ટરમાં આટલા મોટા પ્રમાણમાં ગોળીબાર થયો હતો. બંને તરફથી થઈ રહેલા મોર્ટારમારાને કારણે જમ્મુ વિસ્તારમાં સન્નાટો હતો. ભારતે પણ સાવચેતીના પગલાં રૂપે કેટલાંક લોકોને સલામત સ્થળે ખસેડયા હતા. ભારતના સરહદી ગામો ચુરાંડા, સિલિકોટ અને તિલાવારીને નિશાન બનાવીને પાકિસ્તાની સૈન્યે જોરદાર ગાળીબાર કરતાં અનેક મકાનોને નુકસાન પહોંચ્યું હતું. ગામલોકોએ પણ કહ્યું હતું કે શંકાસ્પદ પાકિસ્તાની સૈનિકોએ ગામ ખાલી કરવા લાઉડસ્પીકર પર જાહેરાત કરી હતી. રાત્રે બારના સુમારે ગામ ખાલી કરવા કહેવામાં આવતાં ગામલોકોમાં ગભરાટની લાગણી ફરી વળી હતી.
બારામૂલાના નાયમ કમિશનર નાસિર નકાશે પણ પાકિસ્તાન તરફથી આવી જાહેરાત થઈ હોવાની વાતને સમર્થન આપ્યું હતું. સરહદી વિસ્તારમાં ભયની લાગણી ફેલાવીને વિસ્તાર કબજે કરવા પાકિસ્તાન તરફથી આવા પ્રયાસ થતા રહે છે. ગરમી વચ્ચે પણ બરફવર્ષા થતાં રહેતાં પાકિસ્તાન મોટાપાયે ઘૂસણખોરીનો ઇરાદો ધરાવે છે. ઉરી તો ઘૂસણખોરીનો મોટો રૂટ છે. વર્ષ 2016માં ઉરી સ્થિત સૈન્ય મુખ્યાલય પર હુમલો પણ થયો હતો. તે હુમલામાં 19 જવાનો શહીદ થયાં હતાં. અધિકારીઓના જણાવ્યા મુજબ ઉત્તર પીરપંજાલમાં 200 જેટલા ત્રાસવાદી ઘૂસણખોરી માટે ટાંપીને બેઠા છે. ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા જ ભારતીય સૈન્ય પાકિસ્તાની લોન્ચ પેડ અને ચોકીઓને નિશાન બનાવી રહ્યું છે. સૈન્ય કહેતું રહ્યું છે પાકિસ્તાન સતત યુદ્ધવિરામ ભંગ કરતું રહ્યું છે.