જમ્મુમાં સૈન્ય કેમ્પ પર આતંકી હુમલો કરનાર સહિત ચાર ઠાર

શોપિયાં તા.5
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ આર્મીની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો છે. આ દરમિયાન સુરક્ષા દળોના જવાબી ફાયરિંગમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. જ્યારે ઘટનાસ્થળે જ અન્ય ત્રણ મૃતદેહ પણ મળી આવ્યા છે. આર્મીએ કહ્યું છે કે, તેઓ આતંકવાદીઓના મદદગાર ઓવરગ્રાઉન્ડ વર્કર હતા. જોકે સ્થાનિક લોકોએ તેમને સ્થાનિક કહ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી છે.
એવું કહેવાય છે કે, શોપિયાં જિલ્લાના પિંજોરા એરિયામાં આતંકવાદીઓએ જોઇન્ટ મોટર વ્હિકલ પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ સૈન્યે પણ મોરચો સંભાળી જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન એક આતંકવાદી ઠાર મરાયો હતો. ભારતીય સૈન્યે અથડામણની જાણકારી આપતા કહ્યું છે કે, જવાબી કાર્યવાહીમાં આતંકવાદી સાથે કારમાં સવાર ત્રણ ઓવરગ્રાઉન્ડ વર્કર્સ પણ માર્યા ગયા છે. આતંકવાદી હુમલાની આ ઘટના રાતે આઠ વાગ્યાની છે. વિસ્તારમાં સુરક્ષા દળોએ ઓપરેશન હાથ ધર્યું છે. સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે સામસામા ગોળીબાર શરૂ થયો છે. જોકે આતંકવાદીઓની સંખ્યા સ્પષ્ટ થઈ શકી નથી.