ઉ. કોરિયા સામે યુધ્ધે ચડવા અમેરિકા તૈયાર

વોશિંગ્ટન તા,3
ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમો પર અંકુશ લગાવવા માટે અમેરિકાએ રાજદ્વારી પ્રયાસો કર્યા છે. એવી પણ વિગતો મળી રહી છે કે અમેરિકાના સૈન્યએ ગત સપ્તાહમાં ગુપ્ત સૈન્ય અભ્યાસ પણ કર્યો હતો. આ અભ્યાસમાં એ પરખવાનો પ્રયાસ કરાયો કે જો કોરિયન ટાપુમાં યુદ્ધ થાય તો અમેરિકા સૈન્ય કુમકને કેવી રીતે રવાના કરી શકે અને હુમલો કેવી રીતે કરી શકે. રાજદ્વારી પ્રયત્નો નિષ્ફ્ળ રહેવાની સ્થિતિમાં ટ્રમ્પ વહીવટી તંત્રએ કોરિયાને તબાહ કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે.
યુદ્ધ અભ્યાસ દરમિયાન અમેરિકાની કાર્યવાહી દરમિયાન નોર્થ કોરિયાની સેનાથી સંભવિત નુકસાનીથી બચવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જે પૈકી એક બાબત હતી કોરિયન ટાપુ પરથી રોજ ઘવાયેલા સૈનિકોને બહાર કાઢવાની પેન્ટાગોનની મર્યાદિત ક્ષમતા. આ અમેરિકા માટે સૌથી મોટી સમસ્યા છે. જો કે આશંકા એ વાતની છે કે યુએસના વળતા જવાબમાં નોર્થ કોરિયા દ્વારા રસાયણિક હુમલો કરવામાં આવે તો અમેરિકા માટે પરિસ્થિતિ વિપરિત બની શકે છે.
ન્યૂ યોર્ક ટાઈમ્સમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ આ અભ્યાસની માહિતી ધરાવતા 6થી વધુ સૈન્ય અને રક્ષા વિભાગના અધિકારીઓએ પણ આ આશંકા વ્યક્ત કરી હતી. અધિકારીઓના મતે ઉ. કોરિયામાં ઉતરનારી યુએસ ફોર્સની મદદ કરવા માટે મધ્ય પૂર્વ અને આફ્રિકાથી પ્રશાંત ક્ષેત્ર તરફ મોટા પ્રમાણમાં ટોહી વિમાનોને મોકલવાની તૈયારી છે. પ્લાન તૈયાર કરનારાઓએ એ પણ ચકાસ્યું છે કે દક્ષિણ કોરિયા અને જાપાનમાં તૈનાત અમેરિકન સૈનિકો પણ કેવી રીતે આ યુદ્ધમાં સામેલ થઈ શકે છે.
જો કે આ તૈયારીઓ છતાં પેન્ટાગોનના અધિકારીઓનું કહેવું છે કે અમે યુદ્ધ શરૂ કરવાનો નિર્ણય નથી કર્યો. ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે નોર્થ કોરિયાએ પોતાની પરમાણુ મહત્વકાંક્ષા પર લગામ લગાવવી પડશે.
ડિફેન્સ સેક્રેટરી જિમ મેટિસે જણાવ્યું કે, નોર્થ કોરિયા સાથે યુદ્ધ થાય તો તે ઘણું વિનાશક હશે. તેમણે અને જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ જોસફ ડનફોર્ડે પ્યોંગયાંગના પરમાણુ કાર્યક્રમનો મુદ્દો ઉકેલવા માટે હાલ રાજદ્વારી પગલાંનો ઉપયોગ કરવાની વાત કરી હતી.
હવાઈ ખાતે યોજાયેલા અભ્યાસમાં સામેલ કમાંડર્સે જણાવ્યું કે યુદ્ધના પ્રથમ દિવસે જ ઓછામાં ઓછા 10 હજાર અમેરિકન ઘાયલ થઈ શકે છે. આર્મી જનરલ્સે એવી આશંકા વ્યક્ત કરી કે યુદ્ધ સમયે હજારોની સંખ્યામાં સામાન્ય નાગરિકોનો જીવ જઈ શકે છે. જનરલ મિલીએ કહ્યું કે અભ્યાસ દરમિયાન એક વાતનો અંદાજ લગાવાયો હતો કે યુદ્ધમાં મોટા પ્રમાણમાં લોકો જીવ ગુમાવી શકે છે. ખુંવારીનો નજારો એવો હશે કે કોઈપણ જીવિત સૈનિકને આવો અનુભવ ક્યારેય નહીં થયો હોય.