એમ્બ્યુલન્સ રેલિંગ સાથે અથડાતા 4નાં મોત

અન્ય છ યુવાનોને ગંભીર ઇજા; હોળીના તહેવારમાં જ બનેલી કરૂણ ઘટનાથી અરેરાટી
પોરબંદર તા,1
પોરબંદરના મિલપરા વિસ્તારમાં આવેલ પોરાઇમાં ગૌશાળાની પશુઓની સારવાર માટેની એમ્બ્યુલન્સમાં મહારાણા મીલની ચાલીના યુવાનો હોળી માટે છાણા લઇને રાત્રે આવી રહ્યા હતા ત્યારે પોલીટેકનીક કોલેજ નજીક પેટ્રોલપંપની સામે જ કોઇ કારણોસર ચાલકે સ્ટીયરીંગપરનો કાબુ ગુમાવી દેતા રેલીંગ સાથે અથડાતા આ ગંભીર બનાવમાં રેલીગ પાસે બેસેલા ચાર જેટલા યુવાનોને ગંભીર ઇજા થઇ હતી જે પૈકી ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા જયારે ચોથા યુવાનને વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવાતો હતો ત્યારે તેણે પણ દમ તોડી દેતા મોડી રાત્રે મૃતદેહને ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
બનાવની વિગત એવી છે કે, પોરબંદરની માધવાણી કોલેજ સામે યોગેશ્ર્વર સોસાયટી અને જાગનાથ સોસાયટી સહિત કુબેર બંગલાની આજુબાજુના વિસ્તારમાં રહેતા ચાર યુવાનો પૈકી કરણ હાથીયાભાઇ ઓડેદરાને ઘર માટે રાણાવાવથી દુધ આવવાનું હોવાથી દુધના વાહનની રાહ જોઇને કરણ ઉપરાંત તેના મિત્રો ઋત્વિક પ્રદ્યુમન મકવાણા, રાજ વેજાભાઇ ઓડેદરા, વિવેક લખુભાઇ ગોઢાણીયા વગેરે પેટ્રોલપંપની સામે રેલીંગ પાસે બેઠા હતા એ દરમિયાન મીલપરામાં આવેલ પોરાઇ મિત્ર મંડળ સંચાલીત ગૌશાળાની એમ્બ્યુલન્સ બોલેરોવાન મીલની ચાલીમાં થતી હોળી માટે છાણા લઇને ધરમપુર તરફથી આવી રહી હતી અને પોલીટેકનીક કોલેજના ઓવરબ્રીજ ઉપરથી ફુલસ્પીડે આવી રહેલી આ વાનના ચાલકે કંટ્રોલ ગુમાવી દેતા પેટ્રોલપંપ સામે લોખંડની રેલીંગ સાથે તે અથડાઇ હતી અને આ બનાવમાં ત્યાં દુધની રાહ જોઇને બેસેલા ચાર યુવાનો પૈકી ઋત્વિક, કરણ અને વિવેકના ઘટના સ્થ્ળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા જયારે ઘવાયેલા રાજને સારવાર માટે રાજકોટ લઇ જવાતો હતો ત્યારે તેણે પણ દમ તોડી દેતા અરેરાટી ફેલાઇ હતી.
પોરાઇમાં ગૌશાળાની વાનમાં બેસેલા છ જેટલા યુવાનોને નાની-મોટી ઇજા થઇ હતી તે પૈકી અર્જુન મનુભાઇ મારૂ (ઉ.વ. 1પ) અને પ્રતિક પ્રદિપભાઇ જાડેજા ઉ.વ. 14ને શરીર અને આંખના ભાગે ઇજા થતાં 108ના પાયલોટ બસીરઅલી સૈયદ અને ઇ.એમ.ટી. હીરેન અગ્રાવતે સારવાર આપીને ભાવસિંહજી હોસ્પિટલે ખસેડયા હતા જયારે અન્ય ચાર યુવાનોને નાની-મોટી ઇજાઓ થઇ હોવાથી પ્રાથમિક સારવાર અપાઇ હતી.
હોળીના સપરમાં તહેવાર સમયે જ આ પ્રકારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા અને એક જ વિસ્તારમાં રહેતા ચાર-ચાર યુવાનોના મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઇ હતી.