કાલાવડ, ધ્રોલ-જોડિયામાં પાણીનો કકળાટ શરૂ, 4 દી’એ વિતરણ

જામનગર તા,20
જામનગર શહેર અને જીલ્લામાં પાણી વિતરણ વ્યવસ્થામાં જામનગર શહેર અને તાલુકામાં તેમજ લાલપુર અને જામજોધપુરમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે. કાલાવડમાં દર ત્રીજા દિવસે અને ધ્રોલ-જોડીયામાં દર ચોથા દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે.
જામનગર શહેરમાં પ્રતિદિન 105 એમ.એલ.ડી. પાણીની જ જરૂરીયાત રહે છે અને જુદા-જુદા સાત જે ઈએસઆરમાંથી કુલ નવ ઝોન પાડીને દર બીજા દિવસે 45 મીનીટ પાણીનું વિતરણ કરાઈ રહ્યું છે. જામનગર મહાનગરપાલીકા સંચાલીત રણજીતસાગર-સસોઈ- ઉડ અને આજી ડેમમાંથી પાણી એકત્ર કરીને વિતરણ કરાય છે. જો ઘટ પડે તો નર્મદા કેનાલમાંથી પણ વિતરણ કરાય છે.
જામનગર ગ્રામ્યના તાલુકા વિસ્તારોમાં પણ એકાંતરા પાણી વિતરણ કરાય છે. સસોઈ-ઉડ-આજી અને નર્મદાની પાઈપ લાઈનમાંથી જુથ યોજના હેઠળ દર બીજા દિવસે પાણી વિતરણ થાય છે. જે 45 મીનીટ સુધી પાણી વિતરણ કરાય છે. કાલાવડ તાલુકામાં બાલંભડી ડેમ અને નર્મદાની પાઈપલાઈનમાંથી દર ત્રીજા દિવસે 45 મિનિટ સુધી પાણી વિતરણ કરવામાં આવે છે. જામજોધપુર તાલુકામાં નગરપાલીકા દ્વારા એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે. કોટડા સાંગાણી અને ઉમીયા સાગર ડેમ ઉપરાંત પાણીના બોર સહિતના લોકલ સોર્સના આધારે દર બીજા દિવસે એકાંતરા પાણી વિતરણ થાય છે. લાલપુરમાં પણ દર બીજા દિવસે સસોઈ અને પાણીના બોર તેમજ જરૂર પડ્યે નર્મદા પાઈપ લાઈન મારફતે દર બીજા દિવસે 45 મીનીટ પાણી વિતરણ કરવામાં આવે છે.ધ્રોલ અને જોડીયામાં દર ચોથા દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. ઉંડ-2 ડેમ તેમજ નર્મદા કેનાલ આધારીત પાણી પુરવઠા બોર્ડ દ્વારા અને નગરપંચાયત દ્વારા દર ચોથા દિવસે બન્ને તાલુકાઓમાં 45 મીનીટ માટે પાણી વિતરણ કરાય છે. ઉંડ-2 ડેમનો પાણીનો જથ્થો બન્ને તાલુકાઓ માટે અનામત રાખવામાં આવ્યો છે. જેમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.