20 હજાર ઘરને આપી શકાય તેટલા પાણીનો રોજ વ્યય...

પાણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં તંત્ર કેમ અંધ બની ગયું છે? ઉનાળામાં તોળાતું જળસંકટ છતાં પાણી બચાવો અભિયાનનો અભાવ  ‘ગુજરાત મિરરે’ થોડા સમય પહેલા જ ચેતવણી આપી હતી, પાણીની પાઈપલાઈનો બદલવાની જરૂર  રાજકોટ તા,19
રાજકોટ શહેર વર્ષો પહેલા પાલીકા શહેરને જેટલું પાણી પુરુ પાડતી હતી તેટલા પાણીનો હાલ વેડફાટ થઇ રહ્યો છે. રોજનું 20 હજારથી વધુ ઘરને પાણી આપી શકાય તેટલા પાણીનો વ્યય થઇ રહ્યો છે.
રાજકોટમાં મહાપાલીકાની અણઆવડતને કારણે છેલ્લા ચાર દિવસમાં પાણીની પાઈપલાઈનો તૂટતા હજારો લિટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. સૌ પ્રથમ કોઠારીયા રોડ ઉપર પાણીની પાઈપલાઈન તૂટતા પાણી વિતરણ ખોરવાયું હતું.
બીજા જ દિવસે કોટેચા ચોકમાં પાણીની પાઈપલાઈન તુટતા તે દિવસે પણ હજારો ટન પાણી વહી ગયુ હતું. ત્યારબાદ આજે વહેલી સવારે જાગનાથ વિસ્તારમાં પાઈપ લાઈન તુટી હતી.
રાજકોટ પાલીકા પાણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. છતાંય તંત્ર પાણીનો વ્યય કેમ અટકાવી શકતું નથી. નર્મદા ડેમમાં પાણી
ઓછું હોવાથી હાલ ઉનાળામાં જળસકંટ તોળાઈ રહ્યું હોવા છતા તંત્ર તાબોટા પાડી રહ્યું છે.
‘ગુજરાત મિરર’ થોડો દિવસો પહેલા જ અહેવાલ પ્રગટ કર્યો હતો અને તંત્રને સ્કોટ કરી હતી કે રાજકોટમાં વર્ષો જુની પાઈપ લાઈન સડી ગઇ છે તે તાકીદે બદલાવાની જરૂર છે. તંત્રએ આંખ આડા કાન કરતા હજુ આગામી દિવસોમાં પાણીની પાઈપલાઈનો તુટે તો નવાઈ નહીં, પાણીની ગંભીરતા લઇ અત્યારથી જ પાણી બચાવો અભિયાનનો પ્રારંભ કરાવો જોઇએ.
પાણી બાબતે હવે ગંભીરતાપૂર્વક વિચાર કરવાનો સમય આવી ગયો છે. શહેરની વસ્તીમાં રોજ વધારો થઇ રહ્યો છે તેની સામે પાણીના સ્ત્રોતો નવા નથી બનતા એટલે આગામી દિવસોમાં પાણી માટે વિકટ સ્થિતિનું નિર્માણ થઇ શકે તેમ છે.
ત્યારે અનય આયોજનોમાં રૂપિયાનું પાણી કરતી પાલીકાએ હવે પાણી બચાવો માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરવાનો સમય આવી ગયો છે. પાણી છે તો જીવન છે. આગામી સમયમાં પાણીની તંગી સર્જાવાની ભીતિ પેદા થઇ રહી છે અને જો આવી જ પરિસ્થિતિ નિર્માણ થતી રહેશે તો ભવિષ્યમાં રાજકોટમાં પાણીકાપ મુકવા તંત્રએ મજબૂર થવું પડશે. પાણીની લાઇન તૂટવાનો સિલસિલો યથાવત્ રહ્યો
રાજકોટ શહેરમાં હાલ થોડા દિવસથી પાણીની લાઈનો તૂટવાનો સીલસીલો યથાવત રહ્યો છે તંત્ર દ્વારા એક સાંધે ત્યાં 13 તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તાજેતરમાં જ વોર્ડ નં.17 અને કોટેચા ચોકમાં પિવાના પાણીની મુખ્ય લાઈનો તૂટયા બાદ આજે ફરી એક વખત જાગનાથપ્લોટમાં પાણીની લાઈન તૂટતા લાખો લીટર પાણી વહી ગયુ હતું. તંત્રએ તાત્કાલીક પહેલાની માફક થુંકના સાંધા જેવી મરામત ચાલુ કરી છે. પરંતુ આ વિસ્તારના લોકો પાણી વગરના રહ્યા હતાં. રાજકોટના યાત્રીક રોડ પર ઈમ્પીરીયલની સામેની જાગનાથ વિસ્તારની શેરીમાં પાણી વિતરણના સમયે મુખ્ય પાઈપ લાઈનમાં લીકેજ થતા પાણીનો ફૂંવારો ઉડયો હતો જે મોડી રાતથી સવાર સુધી અવિરત ચાલુ રહેતા લાખો લીટર પાણી રોડ પર વહી ગયુ હતું. આ વિસ્તારમા સવારના સમયે પાણી વિતરણ થતુ હોય સ્થાનિકોએ લીકેજની જાણ તંત્રને કરતા વોટર સર્કસ વિભાગ દ્વારા રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજની ઘટનાને પગલે આ વિસ્તારના લોકોમાં પાણી ન મળતા આક્રોશ વ્યાપી ગયો હતો. તેમજ શહેરમાં અનેક સ્થળોએ જમીનમાં રહેલી જુની પાઈપ લાઈનો કયારે બદલાવાશે તેવો એક સૂર ઉઠયો હતો જયારે બીજી તરફ બચાવવાની વાતો કરતા તંત્રએ ફરી વખત થુંકના સાંધા કરી રીપેરીંગ કામ શરૂ કરી ગાડુ ગબડાવવાની કોશીષ કરી છે.
લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી
લોકોના ટાંકા ભરેલા હોય છે પણ નળ ચાલુ જ હોય છે. પાણી રોડ ઉપર આવી જાય છે. નળ વ્યવસ્થિત બંધ કરવા જોઇએ જેથી નાની-નાની બાબતોમાં જો શહેરીજનો જાતે જ જાગૃત થશે તો જ પાણીનો બગાડ અટકશે. (તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા)