દંપતિ પર ખૂની હુમલામાં આઘેડ ખેડૂતની હત્યા કરી પાંચ લાખના દાગીનાની કરી લૂંટ

મરનાર ખેડુતના પત્ની પર પણ ધારીયાના ઘા ઝીંકાતા હાલત નાજુક: રાજકોટ સારવારમાં
પોરબંદર તા,19
પોરબંદરથી 15 કિલોમીટર દૂર આવેલા ભારવાડા ગામના વાડી વિસ્તારમાં પાંચ લાખની કિંમતના સાડા એકવીસ તોલા સોનાના દાગીના અને રોકડ લૂંટી ખેડૂત આધેડ દંપતિને ઘાતકી રીતે માર મારી ચાર શખ્સો નાસી છૂટ્યાના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલ આધેડનું મોત નિપજ્યું છે, જ્યારે તેમના પત્નીની હાલત ગંભીર બનતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. બનાવની વિગત એવી છે કે, ભારવાડા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા ભીમાભાઈ નાથાભાઈ મોઢવાડીયા મોડી રાત્રીના તેમની વાડીના મકાનની બહાર સુતા હતા અને નજીકમાં તેમના પત્ની લાખીબેન પણ હતા. ત્યારે અચાનક ચાર શખ્સો મોઢા ઉપર બુકાની બાંધીને ધસી આવ્યા હતા, અજાણ્યા હિન્દીભાષી જેવા જણાતા ત્રીસેક વર્ષના આ શખ્સોના હાથમાં લાકડી અને ધારીયા જેવા ઘાતક હથીયારો હતા. ઉંઘમાં રહેલા ભીમાભાઈના માથામાં અને શરીરના ભાગે આડેધડ ઘા મારવા લાગતા તેઓ બુમાબુમ કરવા લાગ્યા હતા. તેમના પત્ની લાખીબેન પણ જાગી ગયા હતા. લૂંટના ઈરાદે આવેલા ચાર શખ્સોએ લાખીબેને પહેરેલા તથા રાખેલા સોનાના વેઢલા, ચેન, હાર સહિત સાડા એકવીસ તોલા સોનું સહિત 4 લાખ 30 હજારના દાગીના ઉપરાંત 80 હજાર રૂપીયાની રોકડ વગેરે લૂંટીને નાસી છૂટ્યા હતા.
મોડી રાત્રીના વાડી વિસ્તારમાં બનેલા આ બનાવમાં ઈજાગ્રસ્તોની ચીચીયારી ગુંજી ઉઠી હતી અને ઘવાયેલા દંપતિને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું, જ્યાં ભીમાભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે તેમના પત્ની લાખીબેનને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને એમ્બ્યુલન્સ મારફતે લઈ જવાયો હતો અને વધુ તપાસ બગવદર પોલીસે હાથ ધરી છે. આ બનાવમાં મરણ જનાર ભીમાભાઈના સંબંધી ભરતભાઈ કરશનભાઈ ઓડેદરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
"તમારે દાગીના જોતા હોય તે લઈ લો, પરંતુ અમને છોડો...
પોરબંદરના ભારવાડા વાડી વિસ્તારમાં આધેડની ઘાતકી હત્યાના બનાવમાં એવી માહિતી બહાર આવી છે કે ચાર શખ્સો ધારીયા વડે ક્રુરતાપૂર્વક તૂટી પડ્યા ત્યારે લાખીબેનના કાનમાં પહેરેલા સોનાના વેઢલા જોરજોરથી ખેંચ્યા હતા. જેથી તેમના કાન પણ લોહીલુહાણ થઈ ગયા હતા. છતાં આ મહિલાએ "તમારે દાગીના જોતા હોય તે લઈ લો, પરંતુ અમને છોડો... તેમ કહ્યું હતું. પરંતુ લુટારૂઓએ ક્રુરતાપૂર્વક માથામાં ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડી હતી.
હુમલાખોરો પરપ્રાંતિય મજુરો હોવાની શક્યતા
પોરબંદરના બરડાપંથકના ગામડામાં લૂંટ વીથ મર્ડરની આ ઘટનામાં સંડોવાયેલા હુમલાખોરો પરપ્રાંતિય મજુર હોવાની શક્યતા નકારી શકાતી નથી. કેમ કે તેઓ હુમલો કરવા આવ્યા ત્યારે "વાંગા તરીકે ઓળખાતા એમ.પી. જેવા રાજ્યના મજુરોની ભાષા બોલતા હતા. તેથી તેઓ મધ્યપ્રદેશ પંથકના અથવા ગોધરીયા મજુરો પણ હોઈ શકે તેવું પોલીસ માની રહી છે.
બરડાપંથકમાં કાયદો-વ્યવસ્થા ખાડે ગયાના ચિંતાજનક બનાવો
પોરબંદરના બરડાપંથકના ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી કાયદો-વ્યવસ્થા ખાડે ગયા હોવાના ચિંતાજનક બનાવો નોંધાયા છે. છેલ્લા બે દિવસમાં જ ચોરી ઉપરાંત મારામારી, દારૂ, જુગાર અને હવે લૂંટ સાથે ખુનનો ગુન્હો નોંધાયો છે. તેથી આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવું જરૂરી બની ગયું છે.
અનેક વાડીઓમાં કામે રખાતા મજુરોના આઈ.ડી. પ્રુફ પોલીસને પહોંચાડાતા નથી
પોરબંદર જિલ્લામાં મોટાભાગના ગામડાઓમાં પરપ્રાંતિય મજુરોને વાડી-માલીકો કામે રાખે છે અને પોલીસના પરિપત્ર અનુસાર દરેક મજુરોના આઈ.ડી. પ્રુુફ જે-તે પોલીસ સ્ટેશનમાં પહોંચાડવાના હોય છે. પરંતુ અનેક વાડીઓમાં કામે રખાતા મજુરોના આવા પ્રુફ પોલીસને પહોંચાડવામાં આવતા નથી. પોરબંદરમાં આ રીતે પરપ્રાંતિય મજુરો દ્વારા મારામારી, લૂંટ અને હત્યાના અન્ય અનેક બનાવ પોલીસચોપડે ચડી ચૂક્યા છે અને હત્યારાને પકડવા પોરબંદર પોલીસ છેક મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં જઈને અનેક અનડીટેક્ટ ગુન્હાના ભેદ ઉકેલ્યા છે. ત્યારે વાડીમાલિકોએ પણ પાણી પહેલા પાળ બાંધીને આવા બનાવો અટકે તે માટે આઈ.ડી. પ્રુફ સહિતની માહિતી લઈને પછી જ કામ ઉપર રાખવા જોઈએ.