USના ઉ.કોરિયા પર પ્રચંડ આર્થિક પ્રતિબંધો


વોશિંગ્ટન તા,24
અમેરિકા સહિત દુનિયાભરની ચેતવણીને નજરઅંદાજ કરી પરમાણુ અને મિસાઇલ પરીક્ષણ કરનાર ઉત્તર કોરિયા સામે મોટી કાર્યવાહી કરાઇ છે. શુક્રવારના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાની શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ અને ટ્રેડિંગ કંપનીઓ પર કેટલાંય પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી દીધી. ટ્રમ્પ વહીવટી તંત્રની તરફથી ઉત્તર કોરિયાની વિરૂદ્ધ કરાયેલ આ સૌથી મોટી કાર્યવાહી છે.
અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જે 28 જહાજ અને શિપિંગ સાથે જોડાયેલ જે 27 કંપનીઓ પર પ્રતિબંધ મૂકાયો છે તે ઉત્તરકોરિયા, ચીન અને સિંગાપોરમાં રજીસ્ટર્ડ થયેલી છે. અમેરિકાએ ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમને રોકવા માટે આ કાર્યવાહી કરી છે.
જો કે ટ્રમ્પ વહીવટી તંત્રની આ કાર્યવાહીથી બંને દેશોની વચ્ચે તણાવ ફરી એકવખત વધી શકે છે. શુક્રવારના રોજ કંઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સને સંબોધિત કરતાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ઉત્તર
કોરિયા પર ભારે ભરખમ પ્રતિબંધ
લગાવી રહ્યાં છીએ. આ અત્યાર સુધીમાં મૂકવામાં આવેલા પ્રતિબંધોમાંથી સૌથી મોટો પ્રતિબંધ છે. તેમણે કહ્યું કે અમેરિકાની આ કાર્યવાહીના સકારાત્મક પરિણામ સામે આવવાની આશા છે.
આની પહેલાં ટ્રમ્પ મેનેજમેન્ટે ઑગસ્ટ અને જૂનમાં પણ ઉત્તર કોરિયાના મિસાઇલ કાર્યક્રમમાં મદદ કરનાર રશિયા અને ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકયા હતા. જોકે પહેલાં અમેરિકાની તરફથી ઉત્તર કોરિયાની વિરૂદ્ધ કરાયેલ કાર્યવાહી આટલી મોટી નહોતી. અમેરિકાની આ કાર્યવાહીથી કોરિયન પ્રાયદ્વીપમાં એક વખત ફરીથી યુદ્ધની સ્થિતિ પેદા થઇ શકે છે.