પાકિસ્તાન આ વર્ષે ગુજરાતમાં બમણા માછીમારોને ઉઠાવી જશે?


ગાંધીનગર તા,ર4
ગુજરાત સરકાર માને છે કે આ વર્ષે પાકિસ્તાન ગુજરાત પર વધારે દરિયાઈ હુમલા કરીને ગયા વર્ષ કરતાં બે ગણા માછીમારોને દરિયામાંથી અપહરણ કરીને ભાગી જશે. ગયા વર્ષે ગુજરાતના 300 નાગરિક પાકિસ્તાન કચ્છના અખાતમાંથી ઉઠાવી ગયું હતું. જે તમામ માછીમારીનો વ્યવસાય કરતાં નિર્દોષ લોકો હતાં. જેમને જેલમાં ધકેલી દેવાયા હતા. ગુજરાતનું મત્યઉદ્યોગ મંત્રાલય એવું માની રહ્યો છે કે, ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી 300 માછીમાર પાકિસ્તાન ઉઠાવી ગયું હતું. જેમના પરિવારોને ગુજરાત સરકાર રોજના રૂ.150 લેખે ગુજારો કરવા સહાય આપે છે. જે ગયા વર્ષે રૂ.1.18 કરોડનું ખર્ચ કરવું પડ્યું હતું. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ માટે તે રકમ બે ગણાથી પણ વધારીને રૂ.2.50 કરોડ કરી છે. તેનો સીધો મતલબ કે આવતાં વર્ષે ગુજરાતના લોકો પર પાકિસ્તાન વધારે આક્રમક બનવાનું છે અને દરિયાઈ હુમલા કરીને ગુજરાતના નાગરિકોને ઉપાડી જઈને તેમની જેલમાં ગોંધી રાખશે. આમ આ બાબત અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે. મત્સ્યઉદ્યોગ મંત્રીએ આ બાબત વિધાનસભા ગૃહ સમક્ષ મૂકી છે. તેથી હવે ધારાસભ્યો તે અંગે શું પ્રતિક્રિયા આપે છે તે માછીમાર સમાજ રાહ જોઈ રહ્યો છે. કેન્દ્રમાં ભાજપની સરકાર બની છે છતાં પણ ગુજરાતના લોકોને પાકિસ્તાન પરેશાન કરીને અપહરણ કરી રહ્યું છે તે અંગે કોઈ હકારાત્મક પગલાં લેવાય રહ્યાં નથી. ગુજરાતના લોકોએ વધારે ભોગવીને અન્યાય કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતના માછીમાર સંગઠનોએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા માટે વિધાનસભા ખાતે મળવા ગયા હતા. આટલો ગંભીર રાજકીય પ્રશ્ન હોવા છતાં એક પણ માછીમાર દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર, ગુજરાતની ભાજપ સરકાર અને પાકિસ્તાન દ્વારા સતત થતાં અન્યાય બાબતે એક શબ્દ પણ લખીને આપવામાં આવ્યો નથી. તેની પાછળનું રાજકારણ એવું છે કે, રાહુલ ગાંધી જ્યારે પોરબંદર આવ્યા હતા ત્યારે તેમની સમક્ષ ભાજપના એક નેતાએ રજૂઆત કરી હતી કે માછીમારને પાકિસ્તાન પકડી ન જાય અને પાકિસ્તાનની જેલમાં સબડી રહેલાં 300 માછીમારોને છોડવામાં આવે તે માટે કેન્દ્રની ભાજપ સરકાર પર દબાણ કરો.
આ રજૂઆત કરતાંની સાથે જ ભાજપના નેતા અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના ઉપપ્રમુખ ભરત મોદીને પોરબંદર ભાજપે સસ્પેન્ડ કરી દીધા હતા. આમ ગુજરાતના માછીમારની સાચી રજૂઆત ભારત વિરોધી ગણી લેવામાં આવી હોય તેમ તેમને પક્ષમાંથી હાંકી કાઢીને પછી વિધાનસભા ચૂંટણી હોવાથી માછીમાર ભાજપને મત નહીં આપે એવું લાગતાં તુરંત પરત લઈ લેવાવામાં આવ્યા હતા. પાકિસ્તાન સામે રજૂઆત કરવી તે પણ હવે રાજકીય અપરાધ ગણવામાં આવી રહ્યો છે. જેનો પડઘો પણ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ ગોપાલ નથુ ફોફંડી તથા ભરત મોદીએ આપેલા આવેદનપત્રોમાં ક્યાંય ઉલ્લેખ થતો નથી.
વળી તેમાં પાકિસ્તાન પર આરોપો મૂકવાના બદલે ભારતના બોર્ડર સીક્યુરીટી એજન્સી પર બોટના કાગળો જપ્ત કરવાનો અતિરેક થતો હોય એવા આરોપો મૂકીને ગુજરાત સરકારે માછીમારો માટે 9 પ્રકારની યોજના હેઠળ આર્થિક મદદ કરવાની માંગણી કરી છે. પણ પાકિસ્તાન દ્વારા ઘુસણખોરી કરીને ગુજરાતના 300 માછીમીરોને પાકિસ્તાનની જેલમાં રહેવું પડે છે તે અંગે કેન્દ્રની મોદી સરકાર કંઈ કરતી ન હોવાની વાત લેખિતમાં કહેવામાં આવી નથી. આમ ગુજરાતને થતાં અન્યાય માટે દેશ સામે થતાં પ્રયાસોને પણ હવે રાજકીય રીતે દબાવી દેવામાં આવી રહ્યાં હોય તેમ આ ઘટના પરથી જોઈ શકાય છે.