મેરેથોન મંઝીલ: પંચાવન વર્ષે હાફ મેરેથોન જીતતા । પારસ જટણિયા

હિમાલયના પર્વતો વચ્ચે લેહ લડાખ કે જ્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય ઠંડીનું પ્રમાણ વધુ હોય અને આ વાતાવરણમાં ચાલવું પણ મુશ્કેલ જણાતું હોય ત્યારે હાફ મેરેથોન એટલે કે 21 કિ.મી.ની દોડ 55 વર્ષની ઉંમરે એ મહિલાએ પૂર્ણ કરી.તે અદભુત મેરેથોનને યાદ કરતા આજે પણ તેમના મો પર ખુશીની લહેર જોવા મળે છે. આ વાત યાદ કરવાનું કારણ એટલું જ કે એ જ મહિલાએ હાલમાં રાજકોટમાં યોજાયેલ મેરેથોન દોડમાં પણ 55 વર્ષથી મોટી ઉંમરની કેટેગરીમાં હાફ મેરેથોન દોડી ને પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ મહિલા એટલે પારસબેન જટણિયા. તેમનું નામ આપણા માટે કદાચ અજાણ્યું હશે પણ મૂળ જામનગરના અને હાલ મુંબઈમાં બોરીવલીમાં તેઓ રહે છે અને છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે.
જામનગરના પ્રતાપભાઈ બગડાઇ અને કલ્પનાબેન બગડાઇને બે દીકરા અને પાંચ દીકરી ઓ. જેમાં ત્રીજા નંબરની દીકરી એટલે પારસબેન કે જેને આર્ય સમાજ શાળા જામનગરમાં અભ્યાસની સાથે-સાથે તેમને સ્પોર્ટ્સમાં પણ રસ લેતા હતા. શાળામાં એથ્લેટિક્સ, ખોખોની રમતમાં સ્ટેટ લેવલ સુધી પોતાની શાળાનું પ્રતિનિધિત્વ કર્યું ઉપરાંત જામનગર- ભાણવડ, જામનગર- સિક્કા સુધી સાઇકલિંગ સ્પર્ધામાં પણ તેઓએ ભાગ લીધો હતો. કોલેજકાળમાં, યુનિવર્સિટીમાં પણ એથ્લેટિક્સ ચેમ્પિયન રહ્યા તથા ખાખોમા પણ અનેકસફળતા મેળવી હતી. ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્પર્ધામાં પી. ટી. ઉષા સાથે પણ દોડ્યા. પોતાની પ્રથમ મેરેથોનને યાદ કરતા તેમને જણાવ્યું કે લગ્ન અને બાળકના જન્મ પછી પોતે જ્યારે પ્રથમ વખત મેરેથોનમાં જોડાવાનું નક્કી કર્યું ત્યારે તેઓ ફન રનથી શરૂઆત કરવા માંગતા હતા પરંતુ પતિ સુભાષ જટણિયા એ તેમને પ્રોત્સાહિત કરતા સાત કિલોમીટરના બદલે હાફ મેરેથોનમાં જોડાવા કહ્યું કે એક સમયના એથ્લેટિક્સ ચેમ્પિયન અને સ્પોર્ટ્સ પરસન સાત કિલોમીટર દોડે તો કેવું
લાગે ? આમ પતિના આગ્રહને વશ થઇને હાફ મેરેથોનમાં જોડાયા અને સફળ પણ થયા. આ રીતે આમ 2005થી મેરેથોનની જે સફર શરૂ થઈ જે હજુ પણ ચાલુ જ છે. આજ સુધી અનેક મેરેથોનમાં તેમણે ભાગ લીધો છે મુંબઈ મેરેથોનમાં વસઈ-વિરાર ની, હિરાનંદાની, જામનગર, તેમજ સતારા હિલ અને છેલ્લે યાદગાર લેહ લડાખ તથા હાલ રાજકોટ મેરેથોન.
ટ્રેનિંગ માટે કોચ ડેનિયલ વાઝ તેમના દ્વારા જ રાજકોટને મળ્યા હતા. અને રાજકોટ મેરેથોનની પ્રશંસા કરતા પારસબેન જણાવે છે કે ભારતની બધી મેરેથોનમાં રાજકોટનો નંબર પ્રથમ આપી શકાય.કોઈ ઉદેશ્ય સાથે દોડવું એ વાત પણ ખૂબ જ પ્રોત્સાહિત કરનારી છે. પતિ સીએ છે તથા દીકરો વિશ્વ અને પુત્રવધુ કિરીન હાલ બોસ્ટનમાં છે. જોઈન્ટ ફેમિલીમાં તેમને પતિ, સહિત દરેકનો સપોર્ટ મળે છે તેથી પોતાની જાતને પ્રવૃત રાખી ગમતાનો ગુલાલ કરે છે. આગળ ફૂલ મેરેથોનમાં ભાગ લેવાની વાતનો જવાબ આપતા કહ્યું કે હજુ વિચાર્યું નથી હાફ મેરેથોન દોડવામાં તેઓ એન્જોય કરે છે પણ ફૂલ મેરેથોન માટે પ્રેક્ટિસ ઉપરાંત સમય પણ આપવો પડે તેથી ભવિષ્યમાં ક્યારેક વિચારશે પણ અત્યારે તો દોડીને આનંદ મેળવે છે. મેરેથોન ઉપરાંત રાજકોટ સાથેના તેમના અન્ય સંબંધની વાત કરીએ તો જાણીતા ફેશન ડિઝાઈનર ધ્રુતી શાહ તેમના બેન થાય અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મીડિયા મેનેજર હીમાંશુભાઈ શાહ તેમના બનેવી થાય. રાજકોટના જાણીતા રીનીઝ બ્યુટીપાર્લરના ભાવના બગડાઈ તેઓના બહેન છે. ગુજરાત મિરર તરફથી અભિનંદન અને ફૂલ મેરેથોન માટે ખૂબ ખૂબ શુભેચ્છા... મેરેથોનના યાદગાર અનુભવ
પ્રથમ મેરેથોન બાદ તેઓ આજસુધી દરેક વર્ષે મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છીએ બોરીવલી નેશનલ પાર્ક વસઈ-વિરાર ની મુંબઈ મેરેથોન હિરાનંદાની તેમજ છેલ્લા ત્રણ વરસથી રાજકોટમાં મેરેથોન માં પણ ભાગ લઈ રહ્યા છે આટલા વરસની મેરેથોનમાં સૌથી મહત્વની મેરેથોન સતારા હેલી છે જેમાં સિંગલ હિલ પર એકસાથે સૌથી વધારે લોકો દોડવામાં માટેનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે અને જેનું સર્ટિફિકેટ પણ તેઓને મળેલ છે.
આ ઉપરાંત ગયા વર્ષે લેહ-લદાખની મેરેથોન કે જેમાં ઠંડા વાતાવરણમાં દોડવાનો અનુભવ ચેલેન્જિંગ હોય છે તેના વિશે વધુ વાત કરતાં તેમણે જણાવ્યું કે 1 વીક સુધી તો શરીરને ત્યાંના વાતાવરણમાં કલાઈમેટાઇઝ કરવું પડે છે ઉપરાંત ઓકસીજન લો હોય એટલે દોડવાનું ખૂબ કઠિન બને છતાં આ યાદગાર અનુભવ હતો કારણકે હિમાલયના પર્વતોની વચ્ચે દોડવાનો અનુભવે જ એક અદભૂત રહ્યો હતો રાજકોટ મેરેથોન વિશે પણ તેઓએ ખુશ થતા જણાવ્યું કે અહીંના લોકો ખૂબ જ ઉત્સાહી છે મેરેથોનનો ઉદેશ તેઓને ગમ્યો હતો અને જણાવ્યું કે કોઈ એક ઉદ્દેશને લઈને મેરેથોન દોડવી એ પણ ખૂબ સુંદર વાત છે. કોઈ પણ ઉંમરે મેરેથોન દોડી શકાય છે, ફિટ અને હેલ્ધી તેમજ નિયમિત એક્સરસાઈઝ કરી મેરેથોન પાર કરી શકાય છે સતારા મેરેથોનમાં હીલ્સ પર સૌથી વધુ લોકો સાથે દોડીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો મહિલાઓને મેરેથોન મેસેજ
કોઈપણ ઉંમરે દોડવાનું શરૂ કરી શકાય છે.આવું કહેતા તેમણે મહિલાઓને મેસેજ આપતા જણાવ્યું કે કોઈપણ ઉંમરે મેરેથોનમાં જોડાઈ શકાય છે.સાંધા કે ગોઠણ દુખશે અથવા તો મેનેપોઝમાં આવ્યા પછી કે કેલ્શિયમ ઓછું થઈ ગયા પછી દોડી શકાય નહીં એવું વિચારવાનું છોડી દો. ધીમે-ધીમે દોડવાનું શરૂ કરી મેરેથોન સુધી ચોક્કસ પહોંચી શકાશે મેરેથોનની તૈયારી માટે તેમણે જણાવ્યું કે ફક્ત એક દિવસ માટે દોડવાનું એ મેરેથોન નથી પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન પણ મેરેથોન માટે તૈયારી કરવી જરૂરી છે વોર્મઅપથી શરૂ કરીને જોગિંગ, રનીંગ, અપરબોડી એક્સરસાઇઝ, લેગ એક્સરસાઇઝ વગેરે રેગ્યુલર કરવી જોઈએ, ડાયેટમાં પણ ખ્યાલ રાખવો જોઈએ એક્સરસાઈઝ કરીને તરત જ પ્રોટીન લેવું જોઈએ તથા મેરેથોન શરૂ કર્યા પહેલાં એનર્જી માટે કાર્બોહાઇડ્રેટ્સ લેવું ખુબ જરૂરી છે આમ આ રીતે તૈયારી કરવાથી ચોક્કસપણે મેરેથોનમાં જીત મેળવી શકાય છે. ઉડાન - ભાવના દોશી -