પરેશ ધાનાણીએ ભરતસિંહ સામે છોડ્યા ‘અર્જૂન’ બાણ!


ગાંધીનગર: કોંગ્રેસ સંસદીય પક્ષની વિધાનસભાની કચેરીમાં પણ જૂથવાદે પ્રવેશ કર્યો છે. પહેલાં દિવસથી જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી વિરોધ પક્ષના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી બેસે તેનાથી તેઓ રાજી ન હતા. આજે પણ નારાજ છે. તેઓ પરેશ ધાનાણીને કઈ રીતે બહિષ્કૃત કરવા તેના આયોજન કરતાં રહે છે. પ્રદેશ પ્રમુખના આવા વલણથી બચવા માટે સીએલપી લીડર પરેશ ધાનાણીએ પોતાની કચેરીમાં અર્જૂન મોઢવાડીયાની ટીમને સક્રિય કરી છે.! હમણાં જે કંઈ નિર્ણય લેવાય છે તે અર્જુન મોઢવાડીયાની ટીમ લઈ રહી છે. આ એટલા માટે થઈ રહ્યું છે કે, ભરત સોલંકી અને અર્જૂન મોઢવાડીયાને સહેજે પણ પક્ષમાં બનતું નથી. બન્ને એક બીજાને કાપવા માટે એડીચોટીનું જોર લગાવે છે. માત્ર અર્જુન મોઢવાડીયા જ નહીં પણ કોંગ્રેસના મોટા ભાગના કાર્યકરો અને નેતાઓ ભરત સોલંકીના પક્ષ વિરોધી વર્તનથી નારાજ રહેતાં આવ્યા છે. શંકરસિંહ વાઘેલા વિરોધ પક્ષના નેતા હતા ત્યારે તેઓ પણ ભરત સોલંકીનો વિરોધ કરતાં થયા હતા. સીએલપી નેતાએ હમણાં બેઠક બોલાવી તેમાં કેટલાંક ધારાસભ્યો ન જાય તે માટે પક્ષના જ ટોચના નેતાએ પ્રયાસ કર્યાં હતા. જ્યાં આવી ગંદી રાજરમત હોય ત્યાં કોંગ્રેસ કઈ રીતે પ્રજાની વચ્ચે જઈ શકશે? એવો સવાલ કાર્યકરોના મનમાં છે. ખરેખર તો યુવાન નેતા પરેશ ધાનાણીને કોંગ્રેસ પ્રમુખે તમામ રીતે મદદ કરવી જોઈએ અને પક્ષને આગળ લાવવા માટે બધું જ કરી છૂટવું જોઈએ એવું કાર્યકરો કહી રહ્યાં છે. પણ એમ થતું નથી અને ધાનાણીને કઈ રીતે ઈગ્નોર કરવા તેની રાજરમત પ્રદેશ પ્રમુખે શરૂ કરી છે.