આવતીકાલે શ્રી વાસુપૂજયસ્વામી જન્મ કલ્યાણક

‘સ્વામી સ્પર્શે રોમ રાજી, પળમાં પુલકિત થાય,
શ્રી જિનવરના ગુણલા ગાતા, આનંદ અતિ ઉભરાય
નિરખી નયણાં ભિંજાય જિનેશ્ર્વર!’ 12માં તીર્થંકર શ્રી વાસુપૂજય સ્વામીનું જન્મ કલ્યાણક મહાવદ-14ના શુભદિને છે.
ભરતક્ષેત્રમાં ચંપાનગરીમાં ઈશ્ર્વાકુ કુળમાં વસુપૂજય રાજા અને તેમના રાણી જયા સદભાવોથી ભીંજાયેલા હતા. પ્રભુભક્તિ, ગુરુભક્તિ, ધર્મઆરાધના સાથે પ્રજા પ્રત્યે વત્સલ હતા.
પ્રાણત દેવલોકમાંથી પદ્મોત્તર રાજાના જીવે ચ્યવીને મહાવદ-14ના દિવસે જન્મ લીધો. તેમનો વર્ણ રાતો હતો અને મહિષ (પાડા)નું લાંછન હતું. ઈન્દ્રે પ્રભુની સ્તુતિ કરી ચક્રવર્તીઓના ચક્રથી, વાસુદેવના ચક્રથી, ઈશાનેંદ્રના ત્રિશૂળથી, ઈન્દ્રના વજ્રથી કે અસ્ત્રોથી જે કર્મો ભેદાતાં-છેદાતાં નથી તે પ્રભુના દર્શનમાત્રથી ભેદાઈ જાય છે. દુ:ખોનો પરિતાપ દર્શનમાત્રથી શાંત થઇ જાય છે. શસ્ત્રક્રિયા-મંત્રપયોગોથી ન મટતા રોગો તમારા દર્શનમાત્રથી અંત આવી જાય છે. જગતમાં જે કાંઇ અસાધ્ય છે તે તમારા દર્શન માત્રથી સાધ્ય થઇ જાય છે. આ પ્રમાણે પ્રભુની સ્તુતિ ભક્તિ કરી ઈન્દ્રે પ્રભુનો જન્મોત્સવ મેરુશિખર ઉપર ઉજવ્યો.
માતા-પિતાએ બાળકનું નામ ‘વાસુપૂજય’ યથાર્થ પાડ્યું. શક્રઇંદ્રે અંગૂઠામાં સંક્રમાવેલા અમૃતને ચૂસતા બાળપ્રભુ મોટા થવા લાગ્યા.
સમાનવયના થઇને આવેલા દેવકુમારોની અને અસૂરકુમારોની સાથે રમતો રમતા હતા. દેવીઓ જે તેમની ધાત્રી હતી તેમની આંગળી પકડી પા-પા-પગલી પાડતા હતા. ધાત્રીઓ પોતાને ખુબ જ ભાગ્યવાન સમજતી હતી. વીર પરમાત્માની આંગળી પકડી ચાલતી તે જાણતી હતી કે આ જ આંગળીઓ પકડીને અનેક જીવો સિધ્ધગતિને પામશે.
તીર્થ-આગલોડ
મહેસાણાના વીજાપૂર પાસે આગલોડમાં શ્રી વાસુપૂજય સ્વામી ભગવાનનું ભવ્ય તીર્થ આવેલું છે. 151 સે.મી. સફેદ આરસની પ્રતિમાજી બિરાજમાન છે.
દેરાસરજી ખૂબ જ ભવ્ય અને મોટું છે. 130 ફૂટ લાંબુ અને 82 ફૂટ પહોળુ છે. મૂળ ઘૂમ્મટ સુધીની ઉંચાઈ 53 ફૂટ છે. ભગવાન આદેશ્ર્વરજી ભોંયરામાં બિરાજમાન છે. ગૌતમસ્વામી, પદ્માવતીદેવીના નાના મંદિરો છે.
શ્રી વીર માણિભદ્રદાદાનું મંદિર ખૂબ જ આસ્થાનું કેન્દ્ર બનેલું છે. જપ તપ વિધી
ૐ હ્રીં શ્રી વાસુપૂજયસ્વામી અર્હતે નમ : 20 નવકારવાળી
12 લોગસ્સનો કાઉસગ્ગ, 12 સાથિયા, 12 ફળ, 12 નૈવેદ્ય, 12 ખમાસમણા
તપ: ઉપવાસ/આયંબીલ/એકાસણા/શક્તિમુજબ
ખમાસમણાનો દુહો : પરમ પંચ પરમેષ્ઠિના પરમેશ્ર્વર ભગવાન ચાર નિક્ષેપે ધ્યાઈએ નમો નમો શ્રી જિનભાણ
(જિનઆજ્ઞા વિરુધ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ )