રાજકોટની યોગકુંવરી: વય નાની, સિધ્ધિ વિરાટ

પિતા કારખાનામાં નોકરિયાત: ગૃહિણી માતા કરાવે છે પ્રેક્ટિસ: કેવીકેવીમાં યોગ ટીચરનું મળતું માર્ગદર્શન મલેશિયામાં 2 મેડલ જીતી આવેલી નેહા નિમાવતને હવે યુએસ જઈને યોગની તાલીમ પામવાની ખ્વાહીશ રાજકોટ તા,13
એ 12 વર્ષની છે, અને 9 વર્ષની હતી ત્યારથી જ એની લવચિક કાયાને કેળવી જાણી છે. એ શાળામાં પણ રોજ યોગા કરે છે અને ઘરે પણ રોજ અઢી કલાક યોગાની પ્રેક્ટિસ માટે ફાળવે છે. ડિસ્ટ્રીકટ લેવલ ગોલ્ડ, રાજ્ય કક્ષાએ 2 સિલ્વર અને એક બ્રોન્ઝ, રાષ્ટ્રીય સ્તરે 2 ગોલ્ડ અને 1 સિલ્વર તથા હમણાં જ મલેશિયા ખાતે વધુ 2 મેડલ સહિત કુલ 13 મેડલ એણે અંકે કર્યા છે. મલેશિયામાં તો 14 દેશના સ્પર્ધકોને એણે પાછળ રાખી દીધા હતા. હા, એ નેહા નિમાવત છે. વાર્તાની રાજકુંવરીની ઉમર દિવસે ન વધે એટલી રાતે વધતી હોય, પણ રાજકોટની આ યોગ કુંવરીની સિધ્ધિએ રીતે દિનદુગની રાત ચૌગુની વધે છે. !
નેહાએ પોતાની સિદ્ધી અંગે ‘ગુજરાત મિરર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું ધોરણ 8માં કડવીબાઈ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને 3 વર્ષ પહેલા યોગના પિરીયડ દરમિયાન મને યોગ કરતી જોઈ મારા યોગના શિક્ષકે તેમા આગળ વધવા પ્રેરણા આપી અને આવી જ રીતે મે યોગ કરતા શિખ્યા.
પહેલા જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને પછી મલેશિયા ખાતે યોજાતી યોગ સ્પર્ધામાં ભાગ લીધો. જ્યાં રિધેમિકપેરમાં અને ઈન્ડીવિઝયુઅલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.
જ્યારે તાલીમ કોણ આપે છે તે પ્રશ્ર્ન પુછતા નેહાએ જણાવ્યું કે તેમના સ્કૂલના શિક્ષીકા બિરવાબહેન ગોહિલ યોગના પિરીયડ દરમિયાન શિખડાવે છે. તેના મમ્મી ક્રિષ્નાબેન યુટ્યુબ અને અન્ય સ્પર્ધકોને જોઈને કયાં કઈ ભૂલ છે તે માહિતીની સાથે સાથે દરરોજ 2:30 કલાક પ્રેક્ટિશ કરાવે છે.
વધુમાં નેહાએ જણાવ્યું કે ધોરણ 10 પછી યુએસએ જઈ યોગમાં સ્પેશ્યલાઈઝેશન કરી કોમ્પીટીશન લેવલના કોચ બનવુ છે. જેથી કરી દેશના બાળકો કે યુવાઓ જે યોગમાં આગળ વધવા ઈચ્છે છે તેમને તાલીમ આપી શકુ અને હાલ અભ્યાસની સાથે સાથે પ્રેક્ટિસ ચાલુ રાખીશ. સરકાર દ્વારા સહકાર મળે તેવી આશા નેહા નિમાવતના પિતા પ્રમોદભાઈ એક કારખાનામાં નોકરી કરે છે અને માતા ગૃહિણી છે. જ્યારે સામાન્ય પરિવારમાંથી આવતી નેહા મલેશિયા ખાતે પોતાના ખર્ચથી સ્પર્ધામાં ભાગ લેવા ગઈ હતી. આ અંગે નેહાના માતા-પિતાએ જણાવ્યુ કે હાલ અમારી સ્થિતી સામાન્ય હોય અને દિકરીની સિદ્ધિને ધ્યાનમાં લઈ તે આગળ પણ આવી સ્પર્ધામાં ભાગ લ્યે તેમ ઈચ્છીએ છીએ, જોકે પરિસ્થિતી સામાન્ય હોવાથી જ્ઞાતિમાંથી સહયોગ મળી રહે છે પરંતુ જો સરકાર દ્વારા પણ થોડો સહકાર મળે તો અમને ખર્ચમાં પહોંચી વળવામાં રાહત થાય.