મગફળીની ખરીદી; સરકાર અને એજન્સીઓ વચ્ચે ફેંકાફેંકી!

જી.પી.એસ.વાળા ટ્રકમાંજ મગફળીની હેરફેર કરવાની શરત, ગોડાઉનો ભાડે રાખવા પાંચ સભ્યોની સમિતિનું નાટક
રાજકોટ તા.13
ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીના થયેલા બમ્પર ઉત્પાદનના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવા રાજ્ય સરકારે 8 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદયા બાદ બાકીની 4 લાખ ટન મગફળી ખરીદવા એક યા બીજા બહાને અખાડા શરૂ કરી ટેકાના ભાવે મગફળીની ખરીદી જ થાય નહીં તેવા પ્રયાસો શરૂ કર્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
રાજય સરકારે ચૂંટણી પૂર્વે 12 લાખ ટન મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ 8 લાખ ટન મગફળીની ખરીદી કરી હતી પરંતુ ત્યારબાદ ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગતા સરકાર વિવિધ બહાના હેઠળ વધુ મગફળી ખરીદવાનું ટાળી રહી છે. મગફળીની ખરીદીના પ્રશ્ર્ને રાજ્ય સરકાર, ગુજકેટ, ગુજવેર અને નાફેડ જવાબદારીની એકબીજા ઉપર ફેંકાફેકી કરી રહ્યા છે પરિણામે મગફળીની ખરીદી થતી નથી.
એક તરફ રાજ્ય સરકાર મગફળીની ખરીદીની વાતો કરી રહી છે. બીજીતરફ મગફળીની ખરીદીની વાતો કરી રહી છે. બીજીતરફ મગફળીની ખરીદી માટે અને ગોડાઉનો માટે આકરા નીતિ-નિયમો બનાવી રહી છે. તેના કારણે મગફળીની ખરીદી થઇ શકે તેમ નથી.
સરકારે 4 લાખ ટન મગફળી ખરીદવાની હજુ બાકી છે પરંતુ તે ખરીદાશે કે કેમ ? તે એક પ્રશ્ર્ન ઉઠી રહ્યો છે. ગઇકાલે નાફેડની મળેલી બેઠકમાં હાલ વધુ એક લાખ ટન મગફળી ખરીદીનો નિર્ણય લેવાયેલ છે પરંતુ મગફળીની ખરીદી માટે અને ગોડાઉન ભાડે રાખવા માટે જે નિયમો બનાવાયા છે તે જોતા મગફળીની ખરીદીનું ગાડુ આગળ વધે તેવી શક્યતા ઓછી છે.
આ બેઠકમાં રાજય સરકારના પ્રતિનિધીએ તાકીદે મગફળીની ખરીદી શરૂ કરવા સુચના આપી હતી તો નાફેડે આકરા નિયમો બનાવ્યા હતા જેની સામે ગુજકેટે મગફળીની ખરીદી
કરવા સામે હાથ ઉંચા કરી દીધા હતા જ્યારે ગુજવેરે નવા ગોડાઉન ભાડે રાખવા અંગે હાથ ઉંચા કરી દીધા હતા પરિણામે મગફળીની ટેકાના ભાવે નવી ખરીદીની શક્યતા ખૂબજ ધૂંધળી બીની ગઇ છે.
આ બેઠકમાં ગોડાઉન ભાડે રાખવા માટે રાજયસરકાર, ગુજવેર, નાફેડ અને કેન્દ્રીય ઓથોરિટીનાં અધિકારી સહિત પાંચ સભ્યોની એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટી ગોડાઉન નિરિક્ષણ કર્યા બાદ આખરી નિર્ણય લેશે. જો કે, ગોડાઉનમાં ફાયર સેફટીની વ્યવસ્થા ઉપરાંત સી.સી.ટીવી કેમેરા, ચોકીદાર સહિતની ખર્ચાળ શરતો ગોડાઉન માલિકો માન્ય રાખે તેવી શક્યતા ખૂબ ઓછી છે. એટલે નવા ગોડાઉન તંત્રને મળશે નહીં અને ગોડાઉન મળે નહીં ત્યાં સુધી મગફળીની નવી ખરીદી થશે નહીં. ખરીદી માટે ગેરવ્યાજબી શરતો
સરકારની મગફળી ખરીદવાની ઇચ્છા જ ન હોય તેમ નાફેડ દ્વારા મગફળીની ખરીદી માટે આકરી શરતો લાદવામાં આવી છે. જેમાં જીપીએસ સુવિધા ધરાવતા ટ્રકનો જ ઉપયોગ કરવા જણાવાયું છે પરંતુ આવી સુવિધા ધરાવતા ટ્રકો આંગળીના વેઢે ગણી શકાય તેટલા માંડ છે. વીડિયો શુંટીંગ, હલર સહિતની વ્યવસ્થગા ઉભી કરવાની શરતો પણ લાદવામાં આવી છે.
ગુજવેર ગોડાઉન રાખવા તૈયાર નથી
ટેકાના ભાવે ખરીદેલી મગફળી રાખવા માટે ગુજવેરને ગોડાઉન ભાડે રાખવાની વ્યવસ્થા સોપાઇ છે. પરંતુ સૌના આશ્ર્ચર્ય વચ્ચે ગુજવેરના અધિકારીઓએ હવે ગોડાઉન ભાડે મળતા જ નહીં હોવાનું જણાવી હાથ ઉંચા કરી દીધા છે. તેમજ ગોડાઉન માટે જે આકરી શરતો લાદવામાં આવી છે તે ગોડાઉન માલિકો માન્ય રાખે તેમ નથી. 31 માર્ચ સુધી ખેંચવાનો વ્યુહ
એક એવી વાત પણ બહાર આવી છે કે, ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સરકાર અને વિવિધ એજન્સીઓ વચ્ચે જવાબદારીની ફેંકાફેંકી સાથે સોની કજીયો કરીને 31-માર્ચ સુધી સમય ખેંચવાનો રાજકિય વ્યુહ ઘડાયો છે અને 31 માર્ચ સુધી આ રીતે ‘નાટક’ કરી ખરીદીની વાત ઉપર પડદો પાડી દેવામાં આવનાર છે.