સોમનાથમાં ભાવિકોની હકડેઠઠ ભીડ

મંદિર સતત 42 કલાક ખુલ્લુ રહેશે : ચાર પ્રહરની વિશેષ મહાપૂજા, હોમાત્મક લઘુરુદ્ર સહિતના કાર્યક્રમોનું આયોજન વેરાવળ તા,13
શિવની આરાધનાના અતિઉતમ એવા મહાશિવરાત્રીના પાવન પર્વે જગવિખ્યાત સોમનાથ મંદિરે ગઇ કાલે સાંજથી જ શિવભકતોનો સમુદ્ર ઉમટી પડેલ અને આજે યાત્રાધામમાં ચારે તરફ શિવભકતોનો પ્રવાહ ચાલીને તેમજ વાહનો મારફત આવી રહેલ છે. મહાશિવરાત્રી નિમીતે યાત્રીકોના વિશાળ સમુદાયને ઘ્યાને લઇ સોમનાથ મંદિરના દ્વાર આજે વ્હેલી સવારે ચાર કલાકે ખુલેલ અને સવારે મહાદેવની પ્રાંત આરતી, મહાપૂજા, હોમાત્મક લદ્યુરૂદ, ચાર પ્રહરની પૂજા સાથે ધાર્મીક-આઘ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સોમનાથ મંદીરે મહામૃત્યુજય મંત્રના જુદા-જુદા સાત રોગોથી સૌ પ્રથમ વખત મ્યુઝીક થેરાપી નો વિશેષ કાર્યક્રમ યોજાનાર છે.
સોમનાથ મંદીર આજે વ્હેલી સવારે ચાર કલાકે ખુલ્યા બાદ સતત 42 કલાક સુધી ખુલ્લુ રહેનાર છે. ચાર પ્રહરની વિશેષ પૂજા આરતી, પાલખીયાત્રા, ઘ્વજારોહણના ધાર્મીક આયોજન સાથે શિવભકતો બ્હોળી સંખ્યામાં લાભ લઇ શકે તેવું આયોજન કરવામાં આવેલ છે.
મહાશિવરાત્રીના દિને સોમનાથ મંદીરે આવતા દરેક માર્ગો ઉપરથી શિવભકતો આવતા પ્રભાસક્ષેત્રમાં જય સોમનાથ નો નાદ ગુંજી ઉઠેલ છે અને આ મહાશિવરાત્રીના પર્વે સોમનાથ ઉત્સવનું આયોજન પણ ત્રણ દિવસ સુધી કરવામાં આવેલ છે.
સોમનાથ મંદીરે મહાશિવરાત્રીના દિને સવારે નવ થી સાંજે છ વાગ્યા સુધી સૌ પ્રથમ વખત મ્યુઝીક થેરાપી આધારીત સંગીતના સાત રાગોમાં મહામૃત્યુંજય મંત્રથી તન-મનની શાંતીની અલૌકીક અનુભુતી સાથે સ્વાસ્થ્ય પ્રદાન કરતો અદભુત કાર્યક્રમ સંગીતકાર નયન વૈષ્ણવ તથા સાથી કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવનાર છે.
સોમનાથ મહાશિવરાત્રીના દિને લાખોની સંખ્યામાં આવનાર યાત્રીકોને કોઇ મુશ્કેલી ન પડે અને કતાર બંધ દર્શન કરી શકે તે માટેની તમામ વ્યવસ્થા સાથે પ્રાથમીક સુવિધા પાણી, આરોગ્ય લક્ષી, સુરક્ષા સહીતના પ્રશ્ર્નોને ઘ્યાને લઇ જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, નગરપાલીકા તથા સોમનાથ ટ્રસ્ટ સાથે મળી આયોજન કરાયેલ છે અને બહાર ગામથી વાહનો સાથે આવતા યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે માટે બાયપાસ સર્કલથી પ્રજાપતિ જ્ઞાતિની વાડી પાસે થઇ હમીરજી ગોહીલ સર્કલ અને સોમનાથ મંદીરે પહોંચવા વિશેષ માર્ગ તૈયાર કરાયેલ છે.
સોમનાથ મંદીર આજે વ્હેલી સવારે ચાર કલાકે ખુલ્યા બાદ છ કલાકે પ્રાત:મહાપૂજા, સાત કલાકે આરતી બાદ સાડા સાત કલાકથી મહામૃત્યુંજય યજ્ઞ અને આઠ કલાકે નુતન ધ્વજારોહણ કરવામાં આવનાર છે. સાડા આઠ કલાકે હોમાત્મક લદ્યુરૂદ પ્રારંભ અને નવ કલાકે પાલખીયાત્રા સોમનાથ મંદીર પરીસરમાં નીકળનાર છે તેમજ વેરાવળ થી પણ ભવ્ય શોભાયાત્રા નીકળેલ હતી.
આ ઉપરાંત અગીયાર વાગ્યે મઘ્યાન્હ મહાપૂજા, બાર કલાકે આરતી અને સાંજે ચાર થી સાડા વાગ્યા સુધી શ્રૃંગાર દર્શન, છ કલાકે હોમાત્મક લદ્યુરૂદ, સાડા છ કલાકે જયોતપૂજન, સાત કલાકે સાંય આરતી બાદ પોણા આઠ વાગ્યે પ્રથમ પ્રહરનું પૂજન કરવામાં આવનાર છે જેમાં સાડા નવ કલાકે પ્રથમ આરતી, અગીયાર વાગ્યે દ્વીતીય પ્રહરની પૂજા અને સાડા બાર કલાકે આરતી, રાત્રીના પોણા ત્રણ વાગ્યે તૃતીય પ્રહર પૂજન અને સાડા ત્રણ કલાકે આરતી બાદ સવારે પોણા પાંચ વાગ્યે ચતૃર્થ પ્રહર પૂજન બાદ સાડા પાંચ કલાકે ચતૃર્થ પ્રહરની આરતી થનાર છે.
મહાશિવરાત્રીના પર્વે મંદિરને ખાસ રંગબેરંગી લાઇટોની રોશનીથી ઝળહળાટ કરવામાં આવેલ છે અને ખાસ આયાત કરાયેલ પુષ્પોના શણગારથી મંદીરના પવિત્ર વાતાવરણમાં વધારો થનાર છે. સોમનાથ મંદીરે માત્ર માહ મહિનાથી મહાશિવરાત્રી જ નહીં પરંતુ શાસ્ત્ર અનુસાર ગુજરાતી પંચાગના દરેક મહિનાની શિવરાત્રી મંદીરે ઉજવાઇ રહેલ છે અને અખંડ જયોત દિપ પૂજન મહાપૂજા સહીતના ધાર્મીક કાર્યક્રમો સાથે આ દિવસે મંદીર રાત્રીના એક વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.
સોમનાથ ખાતે મહાશિવરાત્રીના દિને જુદા-જુદા ચારેક ભંડારાનું આયોજન દાતાઓ અને શિવભકતો દ્વારા કરવામાં આવેલ છે જેમાં દરેક દર્શનાર્થીઓ માટે વિના મુલ્યે પ્રસાદી આપવામાં આવનાર છે. આ પ્રસાદીમાં ગાજરનો હલવો, સાબુદાણાની ખીચડી, શીરો અને ફુટ સહીતની વસ્તુઓ આપવામાં આવનાર છે. વિશ્ર્વપ્રસિધ્ધ જયોતિલિંગ સોમનાથમાં આજે મહાશિવરાત્રીના દિવસે ભોળાનાથના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. (તસવીર : રાજેશ ઠકરાર)