ઓ ‘મહેબૂબા’ યે જુલ્મ ના કર ‘ગૈરો’ સે વફા, ‘અપનો’ પે સિતમ!

ગુજરાતીમાં કહેવાત છે કે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. તમે ગમે તેટલા પ્રયત્ન કરો પણ તમારી પ્રકૃતિને બદલી ના શકો ને એ ગમે ત્યારે ઉછળીને બહાર આવી જ જાય. આ તો સારી ભાષામાં વાત થઈ પણ લોકોને સમજાય એવી ભાષામાં કહીએ તો, ગમે તે કરો દરેક માણસ ક્યારેક ને ક્યારેક તો જાત પર આવી જ જાય. જમ્મુ અને કાશ્મીરનાં મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ સોમવારે કાશ્મીર વિધાનસભામાં કરેલા નિવેદને આ વાતને સો ટકા સાચી પાડી છે. મહેબૂબાએ ડહાપણ ડહોળ્યું છે કે, કાશ્મીરમાં અત્યારે જે ખૂનામરકી ચાલી રહી છે તે રોકવી હોય તો પાકિસ્તાન સાથે મંત્રણા કરવી જોઈએ કેમ કે તેના વિના આરો નથી. મહેબૂબાએ એવી હુશિયારી પણ મારી કે, મને ખબર છે કે મારી આ વાતના કારણે ન્યૂઝ એન્કરો મારા પર દેશદ્રોહીનું લેબલ લગાવી દેશે પણ મને કોઈ ફરક પડતો નથી. કાશ્મીરનાં લોકો અત્યારે યાતનાઓ ભોગવી રહ્યાં છે ને તેમને છોડાવવા પાકિસ્તાન સાથે વાત કરવી જ જોઈએ કેમ કે યુદ્ધ એ વિકલ્પ નથી.
કાશ્મીરમાં છેલ્લા કેટલાય મહિનાઓથી હોળી સળગેલી છે ને લોકો નિરાંતે જીવી શકતા નથી. આતંકીઓ બેફામ થયા છે ને ગમે ત્યા ગોળીઓ છોડીને લોકોનાં ઢીમ ઢાળીને જતા રહે છે. સામાન્ય લોકો તો છોડો પણ આપણું લશ્કર પણ સલામત નથી ને છેલ્લા ત્રણ દાડામાં બે આતંકવાદી હુમલા થયા તેમાં આપણા છ જવાનો શહીદ થઈ ગયા. આ બધું પાકિસ્તાનના પીઠ્ઠુ એવા આતંકવાદીઓ કરી રહ્યા છે ને કાશ્મીરમાં મુખ્યમંત્રી તરીકે મહેબૂબાએ પાકિસ્તાનને પાંસરું કરીને તેની ભાષામાં જવાબ આપવાનો હોય તેના બદલે એ પાકિસ્તાનના પગમાં આળોટવાની વાતો કેમ કરે છે એ જોઈને ઘણાંને આઘાત લાગ્યો છે પણ તેમાં આઘાત પામવા જેવું કશું નથી. તેનું કારણ એ કે મહેબૂબા પોતે પણ મૂળ તો પાકિસ્તાનની દલાલી કરીને પોતાની દુકાન ચલાવનારી જમાતની જ પેદાશ છે.
જમ્મુ અને કાશ્મીર જમ્મુ, લેહ, લદાખ અને કાશ્મીર ખીણ એ ત્રણ ભાગમાં વહેંચાયેલું રાજ્ય છે. આ પૈકી જમ્મુમાં હિન્દુઓની બહુમતી છે ને આ વિસ્તારમાં પહેલાં કૉંગ્રેસ તથા ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સનો પ્રભાવ હતો પણ છેલ્લી ચૂંટણીમાં હિંદુઓને આંબા-આંબલી બતાવીને ત્યાં ભાજપે ખીલા ઠોકી દીધા. આ વિસ્તારની મોટા ભાગની બેઠકો અત્યારે ભાજપના કબજામાં છે. કાશ્મીરમાં હિંદુઓની હાલત ખરાબ છે તેથી ભાજપ કશું ના કરે તોય હિંદુઓ તેનાથી અલગ થાય એમ નથી કેમ કે ભાજપ વિના તેમનો છૂટકો નથી.
આ કારણે બાકી રહેલા કાશ્મીર ખીણ અને લેહ-લદાખ પ્રદેશોમાંથી મુસ્લિમ નેતાઓએ રળી ખાવાનું છે. કાશ્મીર ખીણમાં મહેબૂબાનો પ્રભાવ વધારે છે કેમ કે મહેબૂબાના બાપા મુફતી મહમૂદ સઈદે ત્યાં બહુ મહેનત કરેલી. સઈદ પણ પાકિસ્તાનના દલાલો ને આતંકવાદીઓના પીઠ્ઠુઓ તરફ સહાનુભૂતિ બતાવી બતાવીને જ મોટા થયેલા ને તેમણે એ રીતે જ પોતાના ખીલા ઠોકેલા. કાશ્મીર ખીણમાં ભારત વિરોધી માનસિકતા સૌથી પ્રબળ છે ને કાશ્મીરમાં જે પણ હિંસા થાય છે એ વાસ્તવમાં ખીણમાં જ થાય છે. ખીણમાં કોઈ પણ રાજકારણીનું ભાવિ આ ઉધમાતિયા જ નક્કી કરે છે તેથી ભારત વિરોધી માનસિકતા ધરાવનારાઓને પોતાની તરફ વાળી શકાય એ માટે ખીણના રાજકારણીઓ તેમને થાબડભાણાં કરતા રહે છે. કાશ્મીરમાં આ રીતે પાકિસ્તાનની દલાલી કરતા રહેવાથી ને થાબડભાણાં કરવાથી કટ્ટરવાદીઓ ઝૂમી ઊઠે છે તેથી કાશ્મીર ખીણના રાજકારણીઓ આવા લવારા છાસવારે કરતા રહે છે. મહેબૂબા પણ વરસો લગી આ જ કરતાં હતાં ને એ પણ આ રાજકારણની જ પેદાશ છે. જમ્મુ અને કાશ્મીરમાં ભાજપે મહેબૂબા મુફતીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે નાતરૂં કરીને સરકાર બનાવી પછી તેમણે પોતાની જાત પર સંયમ રાખવો પડ્યો છે પણ એ છતાં જે મૂળ સ્વભાવ છે એ તો ઉછાળા મારે જ એટલે સમયાંતરે એ તેમને રાજી રાખવા આવા લવારા કર્યા કરે છે. અત્યારે પણ તેમણે એ જ ધંધો પાછો માંડ્યો છે.
વાસ્તવમાં ભારતે કાશ્મીરમાં શાંતિ સ્થાપવી હોય તો પાકિસ્તાનને નહીં પણ કાશ્મીરના રાજકારણીઓને પાંસરા કરવાની જરૂર છે કેમ કે પાકિસ્તાન કાશ્મીરમાં અશાંતિ તેમના માધ્યમથી જ ફેલાવે છે. પાકિસ્તાન કાશ્મીરમાં સતત હોળી સળગતી રહે તે માટે કાશ્મીરના રાજકારણીઓનો આપણી સામે ઉપયોગ કરે છે. જમ્મુ અને કાશ્મીરના રાજકારણીઓ એ હદે નાલાયક છે કે આપણો ગેરલાભ જ લીધા કરે છે. ભારત તરફથી લાભ મળતા હોય ત્યા લગી ભારતનાં ગુણગાન ગાવાનાં ને જેવું એ બધું બંધ થાય કે ભારતને ગાળો ભાંડવા બેસી જવાનું એ તેમની માનસિકતા છે. હુર્રિયત કોન્ફરન્સના નેતાઓ હોય કે ભારતીય બંધારણ પ્રમાણે યોજાતી ચૂંટણીઓમાં ભાગ લેનારા રાજકારણીઓ હોય, બધા આ ગોરખધંધો કરે છે. ખરી જરૂર આ નમૂનાઓને સીધા કરવાની છે પણ આપણા શાસકોમાં એ હિંમત નથી તેની બધી મોંકાણ છે.
જ્યાં સુધી કાશ્મીરમાં શાંતિનો સવાલ છે, તેના માટે આકરા થવું પડે. ભારત માટે કાશ્મીર સમસ્યાનો ઉકેલ લશ્કરી પગલાં જ છે ને ભારતે બીજા બધા ધખારા છોડીને એ પગલાં જ લેવાં જોઈએ. લશ્કરી પગલાં એટલે જરૂરી નથી કે આપણે કટક લઈને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) પર ચડાઈ કરી નાખીએ ને તેના લશ્કર સામે ભિડાઈ જઈએ. કાશ્મીરમાં જે લોકો દેશ સાથે ગદ્દારી કરે તેમને પાંસરા કરીએ ને બીજી તરફ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ધડબડાટી બોલાવીએ એ લશ્કરી પગલાં જ છે. ત્યાં પાકિસ્તાન સામે લોકો ભડકેલા છે ને તેમને જ પાકિસ્તાન સામે ઊભા કરી દેવા ને પછી પાછલા બારણે તેમને મદદ કરવી એ લશ્કરી પગલાં જ છે. ઈન્દિરા ગાંધીએ બંગ્લાદેશના સર્જન માટે લડતી મુક્તિવાહિનીને એ રીતે મદદ કરીને બંગ્લાદેશનું સર્જન કરાવેલું જ. મોદી પણ એ રસ્તો અપનાવી શકે ને તેના વિના આપણો આરો નથી.
કમનસીબી એ છે કે ભાજપ સરકાર એ રસ્તે જવા નથી માગતી કેમ કે તેના કારણે મહેબૂબા મુફતી વંકાઈ જાય તેવો તેને ડર છે. ભાજપને સત્તા વધારે વહાલી છે ને મહેબૂબા પણ આ વાત સમજે છે તેથી ભાજપની ગરજનો લાભ લે છે ને પોતાનો રાજકીય ફાયદો જોઈને નિર્ણયો લીધા કરે છે. થોડા સમય પહેલા તેમણે પત્થરબાજોને છોડવાનો ને લશ્કરી અધિકારીઓ સામે એફઆઈઆરનો નિર્ણય આ રીતે જ લીધેલો. હવે પાકિસ્તાન સાથે મંત્રણાનો રાગ તેમણે આલાપ્યો છે ને ભાજપ તેન સામે બોલી પણ શકતો નથી.
મહેબૂબામાં શરમનો છાંટો હોય તો તેમણે આ વાત કરતાં પહેલાં ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. આવી વાત કરીને તેમણે આડકતરી રીતે સ્વીકારી લીધું છે કે કાશ્મીરમાં આતંકીઓને કાબૂમાં લેવા એ તેમનું ગજું નથી. એક મુખ્યમંત્રી તરીકે તેમનામાં એ તાકાત હોવી જોઈએ કે, કડક હાથે કામ લઈને આતંકવાદને ડામી દે પણ તેમનામાં એ તાકાત જ નથી એવું તેમણે કબૂલી લીધું છે. આ વાત શરમજનક કહેવાય. કમનસીબી એ છે કે ખુલ્લેઆમ આવી કબૂલાત કરનારી વ્યક્તિને કશું થઈ શકતું નથી ને આ દેશમાં પોતાની બાયલાગીરીની ખુલ્લેઆમ કબૂલાત કરનારાં લોકો પણ ગાદી પર રહી શકે છે. કાશ્મીરમાં આ રીતે પાકિસ્તાનની દલાલી કરતા રહેવાથી ને થાબડભાણાં કરવાથી કટ્ટરવાદીઓ ઝૂમી ઊઠે છે તેથી કાશ્મીર ખીણના રાજકારણીઓ આવા લવારા છાસવારે કરતા રહે છે. મહેબૂબા પણ વરસો લગી આ જ કરતાં હતાં ને એ પણ આ રાજકારણની જ પેદાશ છે ભાજપને સત્તા વધારે વહાલી છે ને મહેબૂબા પણ આ વાત સમજે છે તેથી ભાજપની ગરજનો લાભ લે છે ને પોતાનો રાજકીય ફાયદો જોઈને નિર્ણયો લીધા કરે છે