ભવનાથમાં સાંજે સાધુઓની રવેડી-શાહીસ્નાન, CMની હાજરી

મહાઆરતી બાદ મેળાનું સમાપન: મુખ્યમંત્રીના રૂટ ઉપર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત: ભવનાથ મહાદેવના આશીર્વાદ લઇ રવેડીના દર્શન કરશે
જૂનાગઢ તા.13
દેવોના દેવ મહાદેવના પુરાણ પ્રસિધ્ધ જૂનાગઢના ભવનાથ મહાદેવની સાનિધ્યમાં યોજાઇ રહેલ મહાશિવરાત્રી મેળામાં આજે ગુજરાતના નાથ મુખ્યમંત્રી વિજય રૂપાણી પધારેલ ભવનાથ મંદિર શીશ ઝુકાવી મેળાને માણસે અને કદાચ ભવનાથ મેળાને મીની કુંભમેળાની જાહેરાત સાથે ચારેક અન્ય જાહેરાત કરે તેવી શકયતા છે ત્યારે સાધુ-સંતો રૂપાણીને મેળામાં આવકારવા ઉત્સુક બન્યા છે. જ્યારે બીજી બાજુ તંત્ર મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા કામે લાગ્યું છે અને કેશોદથી લઇ ભવનાથ સુધીના મુખ્યમંત્રીના રૂટને કીલ્લેબંધી કરી દેવામાં આવી છે.
ભવનાથનો મેળો ચરમસીમાએ છે. આજે અંતિમ દિવસ અને આજે મેળાનો મહત્વનો દિવસ એટલે શિવરાત્રીનાં પાવન પર્વને કારણે આજે મેળામાં એકસાથે 4 થી પ લાખ લોકો ઉમટશે એમ મનાય રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી પણ સાંજના પોણા પાંચ વાગ્યે ભવનાથ મંદિર ખાતે આવી પહોચી ભવનાથદાદાને શીશ ઝુકાવશે અને બાદમાં અન્ય આશ્રમો, મંદિરોમાં દર્શન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ માણી રવેડી સરધારમાં જોડાશે અને બાદમાં મોડીરાત્રીના વાહન દ્વારા રાજકોટ રવાના થશે. મુખ્યમંત્રીની સુરક્ષા ટીમ તથા પોલીસ અધિકારીઓ અને આઇ.બી. વિભાગ દ્વારા મુલાકાતના સ્થળો અને રૂટનું નિરીક્ષણ સાથે સ્ટેઇઝ સહિતની બાબતો તપાસાય હતી અને ગતરાત્રીથી જ મુખ્યમંત્રીના રૂટ ઉપર જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે મેળામાં રૂટ ઉપર પણ અત્યારથી જ જડબેસલાક કિલ્લેબંધી કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ભવનાથના શિવરાત્રી મેળામાં પધારવાના છે ત્યારે ભવનાથના શિવરાત્રી મેળાને મીની કુંભમેળો જાહેર કરે તેવી ગીરનાર ક્ષેત્રના સંતો મંડળ સહિત લાખો લોકોની માંગણી છે ત્યારે આ જાહેરાત થાય તેવી પુરી શકયતા છે. જ્યારે ભવનાથમાં સંતોની જગ્યાઓને રેગ્યુલાઇઝ કરવામાં આવે એ સહિતની 4 જેટલી જાહેરાત થશે તેવો સંતોને આશાવાદ છે ત્યારે સંતો મુખ્યમંત્રી મોદીને વધાવવા અને સત્કારવા તત્પર બન્યા છે.
બીજી બાજુ જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર મુખ્યમંત્રીની વ્યવસ્થા માટે જોતરાય ગયું છે. જ્યારે જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન નીચે મુખ્યમંત્રીના આગમન વખતે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેશોદના એરપોર્ટથી લઇને ભવનાથ સુધીનો ગતરાત્રીથી જ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બીજી બાજુ જેના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે તેવા સિધ્ધી પ્રાપ્ત સંતો-મહંતો-યાત્રીઓ-જોગીઓ દેશભરમાંથી ભવનાથના મેળામાં પધારી ભાવિકોને દર્શન આપી રહ્યાં છે. ભવનાથ વિસ્તાર કૈલાશધામમાં ફેરવાઇ ગયું છે. વહેલી સવારથી જ મોડી રાત્રી સુધી ભવનાથદાદાના પાવન ચરણોમાં શ્રધ્ધાળુઓ શીશ ઝુકાવી રહ્યા છે. સમગ્ર મેળા વિસ્તારમાં બમ બમ ભોલે, હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે.
સમગ્ર ભવનાથ વિસ્તારમાં ધર્મમય માહોલ પ્રવર્તી રહ્યો છે. અહીં પધારો અન્નક્ષેત્રમાં આરોગો મહાપ્રસાદના ભાવથી આમંત્રણ અપાય રહ્યા છે અને એટલા જ ભાવથી લાખો યાત્રીકોને ચોખ્ખા ઘીના સીરા, લાડુ, મોહનથાળ જેવી મીઠાઇઓ, ગાંઠીયા, ભજીયા, ખમણ જેવા ફરસાણોની સાથે ગુજરાતી, કાઠીયાવાડી ભોજનની સાથે પંજાબી, મદ્રાસી ભોજન સાથે આઇસ્ક્રીમ પણ પીરસાય રહ્યા છે. આજે ફળાહાર પણ પીરસાશે. આ મેળો ભકિત અને ભજનનો હોવાથી નાના મોટા ઉતારાઓ મંદિરોમાં ઉગતા કલાકારોથી ખ્યાતનામ કલાકારોના ભજન, ડાયરાઓ અને સંતવાણીના કાર્યક્રમો મોડી સવારથી વહેલી સવાર સુધી યોજાઇ રહ્યા છે.
શિવરાત્રીનાં આજના દિવસે સાંજે રવેડીના દર્શન, બાદમાં સંતોનું શાહી સ્નાન અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મીની કુંભ મનાતા મેળાને ભાવિકો ભોજન, ભકિત અને ભજનનો લાભ લઇ મેળો પૂર્ણ કરશે.
આ મેળાનો મુખ્ય અને મહત્વનો લાભ લઇ મેળો પૂર્ણ કરશે. લાખોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ સવારથી ભવનાથ ખાતે આવી પહોચશે. જેને લઇને સવારથી તંત્ર દ્વારા રવેડીના રૂટ ઉપર નાકાબંધી કરી લેવામાં આવશે અને અદ્દભૂત તથા દિગંબર સાધુઓના અંગ કસરતના હેરતગંજ પ્રયોગો સાથે મહામંડલેશ્ર્વરો મહંતો, સાધુ-સંતો, મહંતોની ઉપસ્થિતિમાં યોજાતી
રવેડી સરધરને જોવા અને દર્શન કરવા લાખો લોકો રવેડીના
રૂટની બન્ને બાજુએ બપોરથી બેસી જશે અને રવેડી જોવા હલ્યા-ચલ્યા વગર લગભગ 6 થી 7 કલાક
બેસી રહેશે.
મેળાના સફળ બનાવવા જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી ખડેપગે છે. સ્પે. આઇજીપી રાજકુમાર પાંડીયન અને જીલ્લા પોલીસ વડા જીજડીયાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવાથી કોઇ અનિચ્છનીય ઘટના કે બનાવ નોંધાવા પામ્યો નથી. બીજી બાજુ વન વિભાગ, મહાનગરપાલીકા, પીજીવીસીએલ, 108 ઇમરજન્સી, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મીઓએ આ મેળાને માણવાલાયક બનાવવા કોઇ કસર છોડી નથી. (તસવીર: મિલન જોશી-જૂનાગઢ)