સૌરાષ્ટ્રના સેંકડો ખેડૂતોનાં નાફેડમાં 536 કરોડ સલવાયા

મંડળીઓએ ખરીદ કરેલી મગફળીના પૈસા સ્થગિત કરી દેવાતા ચકચાર: રાજ્ય સરકારે પૈસા છૂટા કરવા નાફેડને કરી રજૂઆત
રાજકોટ તા.13
સૌરાષ્ટ્રમાં વિવિધ સહકારી મંડળી મારફત ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલી મગફળીમાં થયેલ ગોલમાલ-કૌભાંડના કારણે નાફેડે મંડળીઓનાં પૈસા સ્થગિત કરી દેતા સૌરાષ્ટ્રના અનેક ખેડુતોને પૈસા ન મળ્યા હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે.
ગુજરાતના સેંકડો ખેડૂતોએ કરોડોનું પ્રિમિયમ ચૂકવ્યા પછી પણ તેમને પાક વિમાનું કવચ મળ્યુ નથી. ગોંડલ, ગાંધીધામના ગોડાઉનમાં રૂ.35 કરોડનો જથ્થો ભડકે બળ્યા પછી સરકારે શરૂ કરેલા ખરીદ કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મગફળી વેચનારા સેંકડો ખેડૂતોને ચૂકવવાના થતા રૂ.536 કરોડ 17 લાખ નાફેડમાં સલવાઈ પડયા છે.
સૌરાષ્ટ્રમાં ગુજકોટ, ગુજકોમાસોલ હેઠળની અનેક સહકારી મંડળીઓમાં મગફળીના નામે માટી, રોડા અને ભૂંસી- ફોતરીની બોરીઓ સરકારે મંજૂર કરેલા કેન્દ્રો પર ખરીદવામાં આવી હોવાના રિપોર્ટ ખુદ નાફેડે ભારત સરકારને મોકલ્યા છે. આથી, ગુજરાત સરકારે મંડળી મારફતે નવી ખરીદ જ બંધ કરાવી છે પરંતુ, આ રિપોર્ટ વચ્ચે સેંકડો ખેડૂતોની કાળી મજૂરીના રૂપિયા છુટા થયા નથી.
અત્યાર સુધીમાં ગુજરાતમાં 4.15 લાખ ખેડૂતો પાસેથી રૂ.3639 કરોડ 18 લાખની મગફળી ખરીદવામાં આવી છે. જેમાંથી રૂ.3,103 કરોડ 01 લાખનું ચૂકવણૂ સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં થઈ ગયાનું કહેતા રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે બાકીના રૂ.536 કરોડ સત્વરે ચૂકવાય તેના માટે નાફેડ તરફથી કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યુ હતુ.
33 લાખ મે.ટન મગફળીના ઉત્પાદન સામે ભારત સરકારના નાફેડએ પાંચ એજન્સીઓ રોકીને ગુજરાતમાંથી 8 લાખ મે.ટનની ખરીદીને મંજૂરી આપી હતી. તેમાં કૌભાંડો થતા 261 સહકારી મંડળીઓના કેન્દ્રોથી ખરીદી બંધ કરી દેવાઈ છે.
બાદમાં ગુજરાત સરકારની 4 લાખ મે.ટનની દરખાસ્ત સામે ભારત સરકારે સીસીટીવીની વોચ હેઠળ, ખેડૂતો પાસે જથ્થો હોય તેવા વિસ્તારોમાં જ 10મી ફેબ્રુઆરી સુધીમાં એક લાખ મે.ટન મગફળી ખરીદવા જ મંજૂરી આપી હતી. તે મુદત પૂરી થઈ ગઈ છે. અગ્નિકાંડની હાઇકોર્ટમાં રિટ કરાઇ
ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગનો મુદ્દો હવે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રીટ પિટીશન કરીને સમગ્ર પ્રકરણમાં નિવૃત હાઇકોર્ટના જજ દ્વારા તપાસ કરાવવા દાદ માંગવામાં આવી છે. ગોડાઉનમાં આગ લાગતાં હજારો ટન મગફળીને બળીના રાખ થઇ છે ત્યારે કોંગ્રેસે આ મુદ્દે કાયદાકીય લડતના મંડાણ શરૃ કર્યા છે.હાઇકોર્ટમાં રિટ પીટીશન દાખલ કરીને એવી દાદ માંગવામાં આવી છેકે,આખાય કૌભાંડની તપાસ સીબીઆઇ દ્વારા થવી જોઇએ. આ પ્રકરણમાં સરકારે શું પગલાં લીધાં તેનો એક્શન ટેકન રિપોર્ટ પણ સબમીટ કરે. રાજ્ય સરકાર,ડીઆઇજી, સીઆઇડી(ક્રાઇમ),નાફેડને પક્ષકાર બનાવી રીટ કરવામાં આવી છે. કોંગ્રેસી ધારાસભ્યએ એવો આક્ષેપ કર્યો છેકે,આ કૌભાંડમાં મળતિયાઓને બચાવવા પ્રયાસો થઇ રહ્યા છે.ગોડાઉનમાં વેલ્ડીંગનું કામ કરનારાં મજૂરોને પકડી સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવી રહ્યો છે. જવાબદારોને પકડી કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઇ છે.