સપના સાકાર કરતી સપ્તરંગી સુટેવો !

મા રો એક મિત્ર, નામ એનું અરવિંદ. તેના પિતાજીના નિધન પછી તેણે એક નવી જ પહેલ કરી. ઉન્નત વિચારો અને અદ્ભૂત ભાવ-સુષ્ટિનો પોતાના પરિવાર, સગા-સબંધીઓેનો સરસ પરિચય કરાવવા માટે તેણે વિશ્ર્વ વિખ્યાત પુસ્તક પરનો મારો બુક-સેશન તેણે આયોજિત કર્યો અને એકદમ અલગ રીતે જ શ્રઘ્ધા-સુમન-અર્પણ-વિધિની નવી જ પ્રણાલિકા સ્થાપવાની તેણે શરૂઆત કરી. કોઇપણ એકવિધતામાં ફેરફાર, કરવો એ સરળ નથી, પડકારોનો એમાં કરવો પડે સામનો! એણે એટલું સિફત-પૂર્વક આયોજન કર્યુ કે બધાને પુસ્તક પરની વાતો ગમી ઉપરાંત અરવિંદની આ પહેલ કરવાની આદતથી ખૂબ પામ્યાંનો થયો તીવ્ર અહેસાસ!
લલિત નામના મારા શિક્ષક મિત્ર જયારે પણ ગણિતનું કોઇપણ પ્રકરણ ભણાવવાની શરૂઆત કરે ત્યારે તેની સામે સુસ્પષ્ટ રીતે થયેલું આયોજન હોય જ કે એ પ્રકરણનો અંત કયારે આવશે અને કેવી રીતે આવશે! દરેક પ્રકરણનો અંત પોતાની નજર સમક્ષ રાખીને જ તેઓ કરે શરૂઆત! બધાં પ્રકરણમાં એ આવું જ કરે! વિશાળતાથી વિચારીએ તો જયારે તેઓ ગણિતના પ્રથમ પ્રકરણનો પ્રથમ મુદ્દો ભણાવવાની શરૂઆત કરે ત્યારે જે નકકી હોય કે સમગ્ર પ્રકરણમાંથી પસાર થઇને વિદ્યાર્થીઓને છેલ્લા પ્રકરણના છેલ્લા મુદ્દા સુધી કઇ રીતે લઇ જવાના છે!
હવે લઇએ હરેશ નામના બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યકિતની વાત! આમ તો તેઓ અંગ્રેજી ભાષાના શિક્ષક પણ અન્ય એટલી બધી પ્રવૃત્તિઓ તેઓ કરે કે મૂળ વ્યવસાય કયો એ ઘણાંને ખબર જ ન પડે! ધાર્મિક વિધિમાં તેઓ અગ્રેસર! ચેનલ માટે ઘણાંની તેઓ મુલાકાત લે! ક્રિકેટમાં વિડિયો એનાલિસ્ટનું કામ પણ કરે! જરૂર પડયે આંખે દેખ્યો અહેવાલ પણ આપે! ભ્રમણ કરવા વારંવાર નીકળી પડે. ગમે એને ભેટ આપવા દોડી જાય! ઘણાંને પ્રેરણાની અદ્ભૂત વાતો કરે. જાહેર સમારોહનું સંચાલન હોય કે કોઇ સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા! હરેશ સદા અગ્રેસર! મહત્વની વાત એ કે તેઓ દરેક પ્રવૃત્તિની અને આખા દિવસના કામની અગ્રિમતા નકકી કરી અને એ મુજબ જ કામ કરે!
ગીફટ-શોપનું કુશળતાપૂર્વક સંચાલન કરતા ગૃહિણી અમીની વાત પણ એકદમ નિરાળી! ગ્રાહકોની પસંદગી અને રસને ઘ્યાનમાં રાખીને એવો તો વૈવિઘ્યસભર આઇટમ્સ તેઓ પાસે હોય કે બધાને મઝા પડી જાય! બેઉ પક્ષને હમેંશા થવો જોઇએ ફાયદો! એ જ એમની વિચારધારા-આ બાબતે! પ્રસન્નતા પ્રસરાવવાનું કાર્ય તેઓ હંગામી ઉદ્ઘોષણ તરીકેની તેઓની રેડિયોની ફરજ દરમિયાન કરે! બેઉ પક્ષે ખુશી સંપદાનું જ નિર્માણ!
હસન નામના મારા મિત્રએ પોતાના નાનાભાઇના લગ્ન તો કરાવ્યા પણ પછી કુદરતે જે અણધારી ઘટનાઓનો ક્રમ સર્જી દીધો તે વખતે તેણે દાખવેલી પરિપકવતા અને ધૈર્યની તો વાત જ અનોખી! નાનાભાઇનું અચાનક અવસાન થયુ! તેની પત્નીનું વિશ્ર્વ-ખંડિત! તેણીના લગ્ન પુન: કરાવવી આપ્યા! "કોઇની નાનકડી દીકરી મારા ભાઇ સાથે પોતાનો સંસાર શરૂ કરે અને તુરત જ દુ:ખના ડુંગર તુટી પડે તો એને દુ:ખથી મુકત કરવાનું કામ આપણે જ કરવું જોઇએ- એવું હસન ખુમારીથી કહે! બીજા લોકો આપણને તો જ સમજી શકે જો આપણે પ્રથમ તેઓને સમજવાનો પ્રયત્ન કરીએ! નૌશાદ નામના મારા રાહબર બની ઉત્તમ કારકિર્દી માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડે. એવા લોકોને, મિત્રોને, તજજ્ઞોને એ પોતાના કાર્યમાં જોડે કે જેથી ઉત્તમ ગુણવત્તા લાવી શકાય કાર્યમાં અને બધાંને અનેક ગણો લાભ તેને લીધે પ્રાપ્ત થાય. તેઓ સતત નવા સંસાધનો અને તજજ્ઞની શોધમાં જ હોય! એવું જોડાણ કરવાની કોશિશ કે જેથી એક વત્તા એક એટલે બે નહીં પણ દસ, વીસકે સો પણ થાય! બે વ્યકિતની વિશેષતાઓનો સરવાળો ચમત્કાર સમા પરિણામો લાવવામાં સફળ થતો આ રીતે
નિહાળી શકાય. બધાં પાસે બધી આવડત ન હોય. પણ ભિન્ન આવડતોને એક જ સમતલ પર લાવીને ઘણી વધુ આવડતોનો ફાયદો મેળવવાની આ છે અનોખી રીત! ને આવડત પણ!
છેલ્લી વાત કોમ્યુટર એન્જિનિયરીંગમાં ભણતા પ્રાકૃત નામના યુવા વિદ્યાર્થીની! ખૂબ ખંતથી ભણે પ્રાકૃત. કોલેજ બીજા શહેરમાં.. શરૂઆતમાં ગોઠવાતા વાર લાગી. પણ ખેત ઉત્સાહથી ક્રમશ: સેટ થઇ જવાયું! ભણવાનું પણ મસ્ત! અન્ય પ્રવૃત્તિ, ટે્રનિંગ, વર્કશોપ્સ, ટોકસ વિગેરેમાં હાજરી આપીને પ્રાકૃત પોતાની જ્ઞાન અને કૌશલ્ય મેળવવાની અભિપ્સાને સાકાર કરે! સતત નવું શીખે! રજા હોય તો ફટાફટ પુસ્તકો વાંચીલે ને કયારેક પોતાના પ્રિય હીરો શાહરૂખખાનના બંગલે પણ પહોંચી જવાનું પણ એ બનાવે શકય! સતત શીખવાની, નવું જાણવાની, સપના સાકાર કરવાની આ તત્પરતાથી જ પહોંચાય ઉતુંગ શિખરે! - એવું એ કહે નહીં, કરી બતાવે!
અરવિંદ, લલિત, હરેશ, અમી, હસન, નૌશાદ અને પ્રાકૃત આ સાત મિત્રોની વાત થકી તમારા સુંધી પહોંચતી થઇ છે. સાત ટેવ! ‘ધ સેવન હેબિટ્સ ઓફ હાઇલી ઇફેકિટવ પીપલ’ નામનું વિખ્યાત પુસ્તક આ સાત ટેવો પર લખાયુ છે જેનો તમે પામ્યાં સહજ પરિચય આ સાત મિત્રોની વાત થકી! પહેલ કરો, અંતને ઘ્યાનમાં રાખી કામની શરૂઆત કરો, પ્રથમ કામ પ્રથમ કરો, બેઉ પક્ષે જીતવાનું વિચારો, પ્રથમ અન્યોને સમજો, વિશેષતાઓનો સરવાળો કરો અને સતત કુહાડીની ધાર તેજ બનાવો! સ્ટિફન કોવીનું આ પુસ્તક વાંચજો! હો! હું અટકું! અત્રે! ‘બુક ટોક’ સલીમ સોમાણી । yourssalimsomani@gmail.com