‘જો ઇશ્ર્વર બક્ષે જાજુ બધું સુખ, તો માનવને અતિ સુખનુ દુ:ખ!’

‘છે મારી મુસીબતનું ‘મરીઝ’ આ એક કારણ હું મુજથી રુઠેલો છું, મને કોણ મનાવે?’
-મરીઝ
દુ:ખ દર્દ વગરના જીવનની કલ્પના કરવી એ ‘ઝાંઝવાના જળથી તરસ’ છીપાવવા જેવી વાત છે. જગતમાં ભાગ્યેજ કોઇ એવી વ્યકિત હશે કે જે દુ:ખી ન હોય! કોઇને આર્થિક, તો કોઇને સામાજીક ભલે પ્રકાર ગમે તે હોય પરંતુ દુ:ખ વગરના જીવનની કલ્પના કરવી પણ અઘરી છે. તો કોઇ મકકમ મનના માનવી ભલે ગમે તેવા દુ:ખ વચ્ચેય સાવ સ્થિતપ્રજ્ઞ રહી શકતો હોય, પરંતુ તેનો એ અર્થ નથી કે, તેને કોઇ દુ:ખ નથી! હાં તે દુ:ખને ગણકારતો નથી એમ જરૂર કહી શકાય.
જો કે કેટલાક લોકો એવા હોય છે કે તેને અન્ય કોઇ દુ:ખ ન આપતું હોવા છતાં પોતાની મેળે દુ:ખી થતા હોય છે. કારણ તે પોતેજ હોય છે. જો કે આ એ સ્વભાવની વાત છે.
કંઇજ દુ:ખ ન હોય છતાં સોગીયુ મોઢું રાખી ફરનાર પોતાને અમસ્થા અમસ્થાજ દુ:ખી સમજી બેસતા હોય છે.. કોઇ તેનુ રોતલુ મોઢું જોઇ પૂછે તો કહેશે ‘યાર મજા નથી આવતી’ હવે કોઇ એવી ઘટના બની હોય તો અન્ય લોકો આવી સમજાવે કે તેના દુ:ખમાં ભાગ પડાવવા જરૂર કોશિશ પણ કરે, પરંતુ વગર કારણે દુ:ખી થનાર અને કોઇને કંઇ ન કહી શકનારને કોણ મનાવી શકે?
મરીઝનો આ શેર ઘણો ધાર્મિક બની રહ્યો છે. માનવીય સ્વભાવની આ વાત સરસ રીતે તેમણે નોટ કરી છે તેમની વિચક્ષણ દ્રષ્ટિને દાદ આપવી જ પડશે.
એ ના ખબર પડી કે કયાં થોભી જવું હતું કંઇ કંઇ રૂપાળી મંઝિલો રસ્તામાં રહી ગઇ’
-મરીઝ
ધ્યેય વગરનું જીવન નકામું છે. હરકોઇ વ્યકિતના જીવનનું કોઇને કોઇ લક્ષ્ય હોય છે હોવું જ જોઇએ, નકકી કરેલા ઘ્યેયને સિઘ્ધ કરવા અથાક પ્રયત્ન જરૂરી ગણાય જે પોતાના ઘ્યેયની પ્રાપ્તિ માટે એકાકાર બની શકે તો જ તેને મંઝિલ મળી શકે તે ખરી વાત છે. પરંતુ મરીઝનો આ શેર પણ યાદ રાખવા જેવો છે.
પોતે નકકી કરેલ ટાર્ગેટ પાછળ એટલા ન ખોવાઇ જવું કે તેના સિવાય બીજુ કંઇ દેખાય જ નહિ! આપણી નજર ફકત લક્ષ્ય તરફ જ હોવાથી આસપાસ કંઇજ દેખાતુ નથી. પરિણામે ઘણી વખત મંઝિલે પહોંચવાની ધૂનમાં રસ્તામાં આવેલી ઘણી તક ગુમાવવી પડતી હોય છે.
નિશાન બેશક ઊંચુ જ હોવું જોઇએ પરંતુ નજર આસપાસ પણ ફરતી રહેવી જોઇએ. કયાં અટકી જવું, અથવા રસ્તામાં મળતી કઇ તક ઝડપી લેવી? તે વાત પણ ખ્યાલમાં રાખવી જરૂરી ગણાય. આજના યુવાનોને આ શેર ટુંકમાં ઘણી મોટી શીખ આપી જાય છે.
‘ભલે હો એમાં સિતારાના જેવી સુંદરતા પડે છે એને જગતમાં જગા નથી મળતી’
-મરીઝ
આપણે ત્યાં એક કહેવત છે કે ‘ઉતર્યો’ અમલદાર કોડીનો’ મતલબ કે સત્તા ગઇ એટલે માન ઘટી જાય છે. અહી મરીઝ સ્થાન મહત્વનું છે. તે વાતની પ્રતીતિ કરાવે છે. સિતારા આકાશમાં હોય ત્યારે કેવા સુંદર લાગે છે ? પરંતુ નીચે પડતાજ ધૂળ રાખ થઇ વિખરાઇ જાય છે. સમજો કે તેનુ અસ્તિત્વ જાણે લોપ પામી જાય છે.
માણસ જયારે નીચે પડે ત્યારે તે વધારે દુ:ખની વાત બની જાય છે. કેમકે સિતારા પડે તો તેનુ અસ્તિત્વ નાશ પામે છે. જયારે માણસ પડે છતાં જીવતો રહેતો હોય તેને આવી સ્થિતિ વધારે આકરી લાગે છે. આસ્વાદ । બાલેન્દુ શેખર જાની