3 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂા.1 હજારમાં ટેબ્લેટ અપાશે

આ વર્ષે આ યોજના માટે બજેટમાં સરકાર 150 કરોડ ફાળવશે
અમદાવાદ તા,12
ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે ઉચ્ચ શિક્ષણમાં વિવિધ કોર્સમાં કોલેજમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને એક હજાર રૃપિયામા ટેબ્લેટ આપવાની યોજના જાહેર કરાઈ છે. આ યોજના અંતર્ગત આ વર્ષે પણ સરકાર દ્વારા બજેટમાં 150 કરોડથી વધુ રૃપિયા ફાળવાશે અને વિવિધકોર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને એક હજારમાં ટેબ્લેટ અપાશે.
ધો.12 પછી બીએ, બીકોમ, બીબીએ, બીસીએ સહિતનાવોકેશનલ કોર્સીસથી માંડી ઈજનેરી-મેડિકલ સહિતના વિવિધ પ્રોફેશનલ-ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને એક હજાર રૃપિયામા ટેબ્લેટ આપવામા આવે છે. સરકારે ગત વર્ષે આ યોજના જાહેર કરી હતી, જેમાં રાજ્યની તમામ સરકારી-ખાનગી યુનિ.ઓના 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવ્યા હતા અને ગત વર્ષે 150 કરોડથી વધુનું બજેટ ફાળવાયુ હતું. મહત્વનું છે કે ચાઈના સામેના વિરોધને લઈને આ ટેબ્લેટ ચાઈના બનાવટ હોવા છતાં વિદ્યાર્થીઓને અપાયા હતા તેવી પણ ફરિયાદ ઉઠી હતી.
આ વર્ષે પણ સરકાર 3 લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપશે.આ અંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અગ્ર સચિવે જણાવ્યું કે આ યોજના ઓનગોઈંગ છે અને ઓનગોઈંગ સ્કીમ હોવાથી આ વર્ષે પણ વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાશે. મહત્વનું છે કે માત્ર પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને જ ટેબ્લેટ અપાતા બીજા અને ત્રીજા વર્ષના તેમજ પીજીના વિદ્યાર્થીઓએ પણ ટેબ્લેટની માંગ કરી હતી.જેથી આવર્ષે પીજીના વિદ્યાર્થીઓને અથવા બીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ ટેબ્લેટ આપવાની વિચારણા છે. ટેબ્લેટની યથાર્થતા વિશે સરકારી તંત્ર નિષ્ફીકર
ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી હોઈ રાજ્ય સરકારે એક હજાર રૃપિયામાં કોલેજમાં પ્રવેશ લેનારા 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની યોજના જાહેર કરી દીધી. જેમાં 5 હજારની કિંમતનું ટેબ્લેટ એક હજાર રૃપિયામાં આપવામા આવ્યુ હતું.સરકારે 3 લાખ વિદ્યાર્થીને ટેબ્લેટ આપી તો દીધા પરંતુ ખરેખર વિદ્યાર્થીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામા આવે છે કે નહી,વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ શું કરે છે અને કેવી રીતે કરે છે ? કોલેજમાં લઈને આવે છે કે નહી તે બાબતનો કોઈ પણ રીવ્યુ સર્વે કે તપાસ સર્વે સરકારે કર્યો નથી.મળતી માહિતી મુજબ અમદાવાદની પૂર્વ કેટલી કોલેજોના તેમજ ગ્રામ્ય વિસ્તારની કોલેજોના વિદ્યાર્થીઓએ એક હજારમાં ટેબ્લેટ લઈને 2 હજારમાં વેચી દીધા છે. આ ઉપરાંત કેટલીક કોલેજોએ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાવી ટેબ્લેટ તો મંગાવી લીધા પરંતુ દરેક વિદ્યાર્થીને મળ્યા કે નહી ? કોલેજોએ ટેબ્લેટ સંઘરી રાખ્યા છે કે કેમ અને સાચા વિદ્યાર્થીને જ ટેબ્લેટ મળ્યા છે કે નહી તેનો પણ ઉચ્ચ શિક્ષણ વિભાગે અને કેસીજીએ કોઈ સર્વે કરાય્યો નથી.