રશિયન યાત્રી પ્લેન દુર્ઘટના : 71 નાં મોત


મોસ્કો તા.1ર
રશિયામાં વિમાનની મોટી દુર્ઘટના સર્જાઇ છે. રશિયન એરલાઇન સારાતોવનું વિમાન મોસ્કો પાસે ટેકઓફ થયા પછી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં 71 લોકો સવાર હતાં. રશિયન ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ આ વિમાન ક્રેશ થયું છે. રિપોર્ટ મુજબ આ પ્લેને મોસ્કોથી જેવી ઉડાન ભરી કે તેના દસ જ મિનિટ પછીથી રડારમાં દેખાવાનું બંધ થઇ ગયું હતું. એન્તોનોવ એન-148 પ્લેને મોસ્કોના દોમોદેદોવો એરપોર્ટ પરથી 71 વ્યક્તિઓને લઇને ઉડાન ભરી હતી.
રિપોર્ટ મુજબ પ્લેન ક્રેશ થયાની જાણ થતાં જ ઇમરજન્સી સેવાની મદદ લેવામાં આવી હતી. આ પ્લેનમાં 65 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ એમ કુલ 71 વ્યક્તિઓ સવાર હતાં. આ તમામ લોકોના મોત થયાં છે. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે આ વિમાનનો કાટમાળ મળી આવ્યો છે અને હજુ વધુ શોધખોળ ચાલું છે. આ પ્લેન કયા કારણોસર ક્રેશ થયું તેનું કારણ સામે આવ્યું નથી. રશિયન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી આ પ્લેનના ક્રેશ થવા પાછળનું કારણ વાતાવરણ અને પાઇલોટ એરર પણ હોય શકે છે તેવું જણાવી રહી છે.