સોમનાથમાં 30 કરોડના ખર્ચે બનશે અદ્યતન ખોડલધામ અતિથિભવન

સાડા નવ વીઘા જમીનમાં નિર્માણ પામનારા ખોડલધામ અતિથિભવનના દાતાઓએ આપ્યું 26 કરોડનું માતબરદાન: પૂર્વ મુખ્યમંત્રી અને લેઉઆ પટેલ સમાજના અનેક આગેવાનોની ઉપસ્થિતિ: ભૂમિપૂજન કાર્યક્રમ સંપન્ન
વેરાવળ તા,12
ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર હરિહરની ભુમિ સોમનાથનાં આંગણે વેરાવળ-સોમનાથ બાયપાસ ઉપર સાડા નવ વિઘા જમીનમા રૂા.30 કરોડનાં ખર્ચે બે વર્ષમાં અધતન ખોડલધામ અતિથિભવનનું નિર્માણ થનાર છે.
વર્તમાન સમયની તમામ જરૂરીયાતને આવરી લેતા આ અતિથિભવનનું પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમારોહમાં વેરાવળ ખાતે સુઝલોન ગૃપનાં તુલસીભાઇ તંતીનાં હસ્તે ભુમિપૂજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, કૃષિ મંત્રી આર.સી.ફળદુ, ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઇ પટેલ, પ્રમુખ પરેશભાઇ ગજેરા, પટેલ સમાજના શ્રેષ્ઠીઓ રાજુભાઇ હિરપરા, છગનભાઇ બુસા, દિનેશભાઇ કુંભાણી, રમેશભાઇ ટીલાળા, હર્ષદભાઇ માલાણી અને દાતા પરિવાર તેમજ ટ્રસ્ટીગણ અને વિશાળ સંખ્યામાં પટેલ સમાજનાં ભાઇ-બહેનો સહભાગી થયા હતા. લેઉઆ પટેલ સમાજ તેમનાં સંગઠન, શિક્ષણ અને સંસ્કૃતિ સાથે સારા વિચારોને આવકારી સમાજના કાર્યમાં હંમેશા અગ્રેસર હોય એ તેનાં દર્શન થયા હતા. સમાજ માટે કાર્ય કરવાની આહલેક થતા અતિથિ ભવનનાં નિર્માણ માટે એક દિવસમાં દાતાઓ દ્વારા રૂા.26 કરોડનું માતબર દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અતિથિ ભવનના મુખ્ય દાતા સુઝલોન પરિવારે ભવનને પોતાનું નામ આપવાની દરખાસ્તને ત્યજી ખોડલ માતાનાં નામ સાથે અતિથિભવન નિર્માણ કરવાનો સંકલ્પ વ્યક્ત કરેલ હતો.
આ પ્રસંગે કૃષિ મંત્રી આર.સી.ફળદ્રુએ જણાવેલ કે, વેરાવળ-સોમનાથમાં લેઉવા પટેલ સમાજના અતિથિ ભવનના ભૂમિપુજનનો કાર્યક્રમ ભવ્ય છે. સોમનાથ આવતા લેઉવા પટેલ સમાજના લોકોને પડતી મુશ્કેલીની ચિંતા કરી સમાજના દરેક નાગરીકને સારી રહેવાની સુવિધા મળી રહે તે માટે અતિથિ ભવન બનાવવાનો નિર્ણય કર્યો છે. તે ખુબજ બિરદાવાલાયક છે. ખોડલધામ સમાજ ઉપયોગી એક પછી એક નિર્ણયો લઈ સમાજના વિકાસ અને સમૃધ્ધી કેળવવામાં સહભ ાગી છે. આ ભવનના નિર્માણ માટે દાતાઓએ દાનનો વરસાદ વરસાવેલ તે અભિનંદનને પાત્ર છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવેલ કે, અહિં સોમનાથ દાદા બિરાજમાન છે અને ભગવાન કૃષ્ણનો પણ વાસ હોવાની સાથે ત્રિવેણી સંગમની આ પાવન અહિં હવે વેરાવળ-સોમનાથના સાનિધ્યમાં બનવા જઈ રહેલ અતિથિ ભવનની પણ એક વિશેષ ઓળખ પ્રસ્થાપિત થશે. સમાજ હિતાર્થે લેઉવા પટેલ સમાજના શ્રેષ્ઠીઓ દેશ અને વિદેશ માંથી આ પાવન પ્રસંગમાં હાજરી આપી છે, તે સમાજની એકતા અને સમાજ પ્રત્યે કાંઈક કરી બતાવવાની ભાવના પ્રદર્શિત કરે છે. લેઉવા પટેલ સમાજનો વિકાસ અને સમાજના મજબુતીકરણથી ગુજરાત રાજ્યમાં આગવી ઓળખ ઉભી થઇ છે.
આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે જણાવેલ કે, ધર્મસ્થાનો થકી સંસ્કૃતિનું સંવર્ધન થાય છે અને તેનાથી જ સારા વિચારોનો જન્મ થાય છે અને આવા સારા વિચારો થકી જ સમાજમાં સદકાર્યો થાય છે. મુખ્યદાતા સુઝલોન ગૃપનાં તુલસીભાઇ તંતીએ જણાવેલ કે, સમાજ માટે ખુબ અગત્યનો દિવસ છે. તેમણે સમાજમાં વિકાસમાં હંમેશા સહયોગી બનવાની તત્પરતા વ્યક્ત કરી હતી. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે સમાજ માટે કાર્યરત આગેવાનો યુવાનોની ટીમને બીરદાવી અતિથિ ભવનનાં નિર્માણમાં સહયોગી સૈાને બીરદાવ્યા હતા.
આ પ્રસંગે ખોડલધામ અતિથિ ભવનનાં ટ્રસ્ટીઓ, દાતા પરિવાર સહિત બહોળી સંખ્યામાં પટેલ સમાજનાં આગેવાનો, સ્વામીનારાયણ મંદિરનાં સંતો ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.હરેશ કાવાણી અને શૈલેષ સગપરીયાએ કરેલ હતું. આ પ્રસંગે કસુંબલ લોકડાયરો લોકોએ મનભરીને માણ્યો હતો. અતિથિભવનમાં પુરતા હવા ઉજાસવાળ રૂમ, બેન્કવેટ હોલ, ભોજનાલય, ક્લબ હાઉસ, સ્વીમીંગ પુલ, થિયેટર, પાર્ટી લોન્સ જેવી સુવિધાનું નિર્માણ કરવામાં આવનાર છે.