જામનગરની એકજ પોલીસ ચોકીનો બીજો કર્મચારી પણ લાંચીયો? એસીબી દ્વારા પુછતાછ


જામનગર તા,12
જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની ખંભાળિયા ગેઈટ પોલીસ ચોકીની માઠી બેઠી છે. માત્ર 75/80 કલાકમાં જ લાંચના બીજા બનાવના મુદ્દે, આ ચોકી સોશ્યલ મિડીયામાં જબ્બર ચર્ચાનું કેન્દ્ર બની છે. જામનગરના સોશ્યલ મીડિયામાં લાંચ હોટ ટોપિક બની છે. કારણ એ છે કે, શહેરની ખંભાળિયાની ગેઈટ પોલીસચોકી માત્ર 3 જ દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત ‘લાંચ કેન્દ્ર’ તરીકે ચર્ચાના ચાકડે ચડી છે. 3 દિવસ પહેલા આ ચોકીનો એક એએસઆઈ લાંચમાં ઝડપાયા પછી હાલ જેલ હવાલે છે ત્યાં જ આ ચોકીનો અન્ય એક પોલીસકર્મી એસીબીની ગરમી સહન કરી રહ્યો હોવાનું જાણવા મળે છે. જો કે હજુ કેસ નોંધાવા પામ્યો નથી. સમગ્ર રવિવાર દરમિયાન શહેરના પોલીસવર્તુળ તથા પત્રકાર જગતમાં ખંભાળિયા ગેઈટ પોલીસચોકીની લાંચ કથા ચાલી, જેમાં જાણવા મળે છે કે, શહેરની સાધના કોલોનીના દારૂના એક ધંધાર્થી પાસેથી રૂા.પાંચ હજારની લાંચ લેવાની ‘ગોઠવણ’ થયેલી જેના ભાગરૂપે શનિવારે રાત્રે આ પોલીસકર્મીએ લાંચના પ્રથમ હપ્તા પેટે રૂા.બે હજાર મેળવી લીધાનું કહેવાય છે અને બીજા હપ્તા પટે રવિવારે બાકીના 3 હજારના ‘વહીવટ’ દરમિયાન ચોકી પાસે જ, એસીબીની ટીમ પહોંચી જતાં હતા. પોલીસકર્મીએ લાંચના 3 હજાર ન સ્વિકાર્યા, એ અર્થમાં એસીબીનું આ છટકું, નિષ્ફળ હત્યાનું જાહેર થયું છે. જોકે આ પોલીસકર્મીની વિગતવાર પુછપરછ તો એસીબીએ કરી જ લીધી પરંતુ હાલ પૂરતો તેને અટકમાં લેવામાં આવેલ નથી.
દરમિયાન, કોલ ડીટેઈલ્સ જેવા સાયન્ટીફીક પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા એસીબી દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જામનગર એસીબી સાથે આ ‘ટ્રેપ’માં દ્વારકા જિલ્લાની એસીબી પણ જોડાયેલી.
અત્રે ઉલ્લેખનિય છે કે, પંદરેક દિવસ પહેલા, ફરિયાદ પછી એસીબીની ટ્રેપ નિષ્ફળ ગયેલી કેમ કે, રહસ્યમય કારણસર કથિત ‘આરોપી’ સુધી છટડાની વિગતો પહોંચી જતાં કલેકટર કચેરી સાથે સંકળાયેલા તે ‘આરોપી’એ ખુદ ફરિયાદી સાથે જ ‘નાઈટવિઝિટ’ કરી લીધી હતી. ત્યારે પણ એસીબીની કાર્યવાહી સમાચારોમાં છવાઈ ગઈ હતી.