જામનગર હાઇવે પર ઉઘરાણી કરતી નકલી પોલીસ ત્રિપુટી જેલ હવાલે


જામનગર,તા.12
જામનગર એલસીબી એ હાઇવે પર વાહનચાલકો પાસેથી ઉઘરાણાં કરતા ‘નકલી’ પોલીસ એવા ત્રણ શખ્સોને ઝડપી લીધેલાં, અદાલતે ત્રણેયને જેલહવાલે કરવાનો આદેશ કર્યો છે.
એલબીસીના એએસઆઇ વશરામ આહિર અને નિર્મળસિંહની બાતમીના આધારે, એસસીબી પીઆઇ આર.એ.ડોડીયાની સૂચના પ્રમાણે સ્ટાફે ખંભાળિયા હાઇવે પરથી ત્રણ શખ્સોને ઝડપી લીધેલાં. આ શખ્સો પાસે બોલેરો જિપ હતી, પોલીસ લખેલી બે વાહનપ્લેટ હતી અને એક છરી તથા લાકડાનો ધોકો પણ તેના કબજામાંથી મળ્યો છે. આ શખ્સો એકાદો મહિનાથી ‘નકલી’ પોલીસ બનીને જુદાંજુદાં હાઇ-વે પર, વાહનચાલકોને ખાસ કરીને ટ્રક ચાલકોને ધમકાવી નાણાં ખંખેરતાં હતાં. આ શખ્સો અગાઉ જુદા જુદા ગુનામાં ઝડપાયેલા રીઢા ગુનેગારો છે. જે પૈકી એકનું નામ વિજયસિંહ લાલુભા વાળા (વામ્બે આવાસ, મયુરનગર) છે અને બાકીના બે શખ્સના નામ પ્રકાશ બાલુ બારોટ (આવાસકોલોની, મયુરનગર) અને વિપુલ જયેન્દ્ર ગોસાઇ (નવાગામ ઘેડ) છે. આ શખ્સોને ખંભાળિયા હાઇવે પર લાખાબાવળ નજીકથી ઝડપી લેવામાં આવેલાં. ત્રણેય શખ્સોને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવતાં અદાલતે ત્રણેયને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.