જામનગરમાં છરીની અણીએ બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કરનારને લોકોએ લમધાર્યો


તરુણનું છાતિમાં દુખાવો ઉપડતા મૃત્યુ
જામનગર તા,12
શહેરમાં એક સમાજવાડીમાં ચાલતા લગ્ન પ્રસગમા છરીની અણીએ બાળકીને બાથરૂમ તરફ લઇ જતા સખ્સને લોકોએ પકડી મારમારી પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે લંપટ સખ્સનો કબજો સાંભળી ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરની મધ્યમાં આવેલ લોહાણા મહાજન વાડી ખાતેની આ ઘટના છે. જેમાં આજે આ સંસ્થામાં એક લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ઘુસી ગયેલા જામનગરના જ એક સખ્સે દસેક વરસની એક માસુમ બાળકીને પોતાની પાસે બોલાવી છરી બતાવી નજીકના બાથરૂમમાં લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન બાળકીએ રાડારાડી કરતા સમાજ વાડીમાં રહેલા લોકોએ આ સખ્સને આંતરી લીધો હતો અને મેથી પાક આપી પોલીસ બોલાવી લઇ પોલીસને સુપ્રત કરી દીધો હતો પોલીસે બાળકીને સાંત્વના આપી નિવેદન લઇ આ સખ્સ સામે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પર્સ તાફડાવતી મહિલા ઝડપાઈ
જામનગરમાં શુક્રવારની ગુજરીબજારમાં એક મહિલાનું પર્સ તફડાવનાર મહિલા, અન્ય સ્થળે યોજાતી ગુજરી બજારમાં બીજે જ દિવસે ઝડપાઈ ગઈ.
જામનગરના રણજિતનગર વિસ્તારની શાકમાર્કેટમાં શુક્રવારે યોજાતી ગુજરી બજારમાં રાધાબેન ભગવાનજી કટેશિયા (38) નામની મહિલાના કાપડના થેલામાં બ્લેડ વડે કાપો મારી, થેલામાંથી રૂા.1500ની રોકડ રકમ તથા ચાવી સાથેનું પર્સ કોઈ તફડાવી ગયું. જેની ફરિયાદ નોંધાવવામાં આવેલી.
આ ફરિયાદના આધારે એલસીબીએ બીજે દિવસે ગાંધીનગર વિસ્તારની ગુજરી બજાર (શનિવારી)માં વોચ ગોઠવતા એક શંકાસ્પદ મહિલા ઝડપાઈ ગઈ, જે પાલનપુરની છે અને તેનું નામ ગંગા બંટીભાઈ ગોસાઈ છે. તેણીના કબજામાંથી રૂા.800ની રોકડ રકમ તથા ચાવી તેમજ કાપડના થેલામાં ચેકો મારવાની બ્લેડ મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવી છે. સિટી એ ડિવિઝન પોલીસે આ મહિલાનો કબજો એલસીબી પાસેથી મેળવી તેણીની પુછપરછ હાથ ધરી છે.
તરૂણનું છાતીમાં દુ:ખાવાથી મૃત્યુ
જામનગર નજીકના ખિમરાણામાં રહેતા એક સતવારા પરિવારના 16 વર્ષના તરૂણ, જિગ્નેશ રણછોડભાઈ માંકડિયાને શરૂઆતમાં પેટનો દુ:ખાવો ઉપાડ્યો અને બાદમાં છાતીમાં દુ:ખાવો શરૂ થતાં તેને જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા પછી તે બે શુધ્ધ બની ગયો અને સારવાર દરમિયાન ગણતરીના કલાકોમાં તેનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું ઘટનાની જાણ થતાં પંચ કોશીએ ડિવિઝનનો સ્ટાફ હોસ્પિટલે પહોંચ્યા અને તરૂણના મૃતદેહનું ખરું કારણ જાણવા મૃતદેહનું પોસ્ટ-મોર્ટમ કરાવી તપાસના કાગળો શરૂ કર્યા છે.
પરણીતાને ત્રાસ અંગે ફરિયાદ
જામનગરના દિગ્જામ સર્કલ નજીક કોમલનગરમાં રહેતી પરણીતા સુમિતા પ્રફુલભાઈ જાદવ (24)એ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ પ્રફુલ જાદવ ઉપરાંત સસરા-સાસુ તથા દિયર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
જામનગર કમિશનર-કલેકટર વિહોણું
જામનગરના કમિશનર તથા કલેકટર હાલ આઉટ ઓફ હેડકવાર્ટર છે. જોકે કલેકટરનો ચાર્જ ડીડીઓને સોંપાયો છે.
જામનગરના મ્યુ. કમિશનર રણજીતસિંહ બારડ 4 દિવસથી રજા પર છે, તેઓ 15મી તારીખે પરત આવનાર છે. કલેકટર રવિશંકર પણ હાલ એક સપ્તાહની રજા ઉપર છે. આ બન્ને ઉચ્ચ અધિકારીઓ અંગત કારણોસર રજા પર છે. જોકે, કલેકટરએ જતા પહેલા પોતાના હોદ્દાનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડ્યાને સોંપ્યો છે.