રાષ્ટ્રપતિનો સુરક્ષા ગાર્ડ બેન્ક લૂંટમાં ઝડપાયો!


જયપુર તા.1ર
રાજસ્થાન પોલીસે એક બેંક લૂંટને નિષ્ફળ બનાવી. મામલો ઝુનઝુન જિલ્લાના ગુધા ગોરજી વિસ્તારની છે. પોલીસે આ મામલે 4 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા લોકોમાં એક શખ્સ પોલીસ કોન્સ્ટેબલ છે. તે રાષ્ટ્રપતિ ભવનમાં તૈનાત હતો અને રજા લઈને ઘરે આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, તેમને રાત્રે 2 વાગ્યે લૂંટની માહિતી મળી હતી. ગુધા ગોરજી પોલીસ મથકના એસએચઓ અશોક ચૌધરીએ કહ્યું કે, એક પેટ્રોલિંગ વાહનને ઘટનાસ્થળે મોકલાયું હતું. રાતમાં બેંકનું શટર ખુલ્લું જોવા મળ્યું અને તે પછી વધારાની પોલીસ ફોર્સ મોકલવામાં આવી. અમે લૂંટારુઓને આત્મસમર્પણ કરવા કહ્યું, પરંતુ તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો. ભાગી રહેલા લૂંટારુઓમાંથી એકને અમે પકડી લીધો. તેણે તેના સાથીઓની અમને માહિતી આપી અને થોડા કલાકોમાં જ અન્યોની ધરપકડ કરી દેવામાં આવી. પકડાયેલા આ શખ્સોમાં રાષ્ટ્રપતિ ભવનમાં તૈનાત કોન્સ્ટેબલ સંદીપ સિંહ પણ સામેલ છે. જે બે દિવસની રજા પર ઘરે આવ્યો હતો. આ ઉપરાંત અન્ય શખસોમાં શક્તિ સિંહ, સંજૂ સિંહ અને વિકાસનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક એટીએમ લૂંટનો હચમચાવતો કિસ્સો બહાર આવ્યો હતો. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક એટીએમમાં એક પરિવારને બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યું હતું. ગત 24 જાન્યુઆરીએ પંજાબ નેશનલ બેંકના એટીએમમાં એક શખસ બંદૂક સાથે ઘૂસી જાય છે અને એટીએમમાં એક સગીરના માથે બંદૂક રાખી દઈ તેના પિતાને એટીએમમાંથી રૂપિયા ઉપાડવા મજબૂર કરે છે અને બધા રૂપિયા લઈ ભાગી જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.