જીવન વીમો લીધો હોય તેના માટે ખાસ ખબર

નવી દિલ્હી તા.1ર
જીવન વીમો લેતા ગ્રાહકો માટે ખુશખબર છે. જો પોલિસીધારકનું મૃત્યુ પોલિસી ખરીદવાની 90 દિવસ અંદર થઈ જાય તો પણ વીમા કંપનીએ નિશ્ચિત રકમ (સમ એશ્યોર્ડ ) આપવી પડશે. કંપની આ રકમ આપવાની મનાઈ ન કરી શકે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગ (એનસીડીઆરસી)એ એક કેસમાં વીમા કંપનીને આદેશ આપ્યો છે કે મૃત્યુ પામનાર પોલીસી ધારકને કંપનીએ 9 ટકા વ્યાજ સાથે 2.5 લાખ રૂપિયા આપવા પડશે. આ કેસમાં પોલીસી ધારકનું મૃત્યુ પોલીસી ખરીદવાના 90મા દિવસે થઈ ગઈ હતી.
આ મામલો પંજાબના ફાજિલ્કાના કુલવિંદર સિંહનો છે. તેણે 26 મે 2010ના રોજ એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઈફ ઈન્શ્યોરન્સ પાસેથી વીમા પોલીસી ખરીદી હતી. તેણે પ્રિમિયમ પેટે 45,999 રૂપિયા ભર્યા હતા. આ જ વર્ષે ઓગસ્ટમાં હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થઈ ગયુ હતુ. પરિવારે જ્યારે વીમા કંપની પાસે ક્લેમ કર્યો તો કંપનીએ માત્ર પ્રિમિયમ જ આપ્યું જેથી પરિવારે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
જસ્ટિસ એસ. શ્રીશાની સિંગલ જજ વાળી બેન્ચે 27 જૂન 2012ના રોજ વીમા નિયામક ઈરડાની ગાઈડલાઈન્સ ટાંકતા કે વીમા કંપનીને સંપૂર્ણ રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો. ઈરડાનો આદેશ પણ આ જ વીમા કંપની માટે હતો.
એનસીડીઆરસીએ જણાવ્યું કે કંપનીઓ 90 દિવસનો વેઈટિંગ પીરિયડ ન રાખી શકે. આ કારણ આપી કંપની ક્લેમ પાસ કરવાની ના ન પાડી શકે. ઈરડાએ કંપની પર 90 દિવસના વેઈટિંગ પીરિયડની આડમાં 21 ક્લેમ રિજેક્ટ કરવા બદલ 1 કરોડનો દંડ ભટકાર્યો.