કાલાવડ રોડ પર 17 સ્થળોએ ઓટા-છાપરાં પર મનપાનો હથોડો વિંઝાયો

વીઆઈપી વર્લ્ડ હોટેલ, બાલાજી ફાસ્ટ ફૂડ, વોડાફોન સ્ટોર અને ખેતલાઆપા ટી સ્ટોલ સહિતના માર્જિનના દબાણો હટાવાયા
રાજકોટ તા.14
મહાનગરપાલીકા દ્વારા શરૂ કરવામાં આવેલ વન વીક વન રોડ અંતર્ગત આજરોજ કોર્પોરેશનના સાત વિભાગે કાલાવડ રોડ પર દબાણ હટાવવાની સંયુકત કામગીરી હાથ ધરી ફૂટપાથ પર થયેલા છાપરાના દબાણો તેમજ દુકાનની આગળ થયેલા ઓટલાના દબાણો તેમજ માર્જીનમાં થયેલા કુલ 17 દબાણો હટાવાયા હતાં.
વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજરોજ વોર્ડ નં.8 અને 10 માં કાલાવડ રોડ પર સવારથી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં વીઆઈપી વર્લ્ડ હોટલ કોટેચા ચોકની બાજુમાં પાર્કિગનું દબાણ, કોમલ મોબાઈલનું પાર્કિગનું દબાણ, શ્રીનાથ કોમ્પ્લેક્ષ જલારામ પેટ્રોલ પમ્પ સામે ફૂટપાથ પર કરેલ ઓટાનું દબાણ તેમજ બાજુની દુકાનમાં થયેલ છાપરાનું દબાણ અને સ્વામીનારાયણ મંદિરની સામે બાલાજી ફાસ્ટ ફૂડ એન્ડ સ્ટીક ગોલાવાળાએ કરેલ પતરા તથા રેંકડીનું દબાણ હટાવાયું હતું.
કાલાવડ રોડ પર નકલંક ટી સ્ટોલનું ચા બનાવવાના થળાનું દબાણ તેમજ વોડાફોન સ્ટોરવાળાએ પાર્કિગમાં કરેલ ખુંટા અને સાંકળનું દબાણ દૂર કરવામાં આવ્યુ હતું તેમજ પ્લેટેનીયમ આર્કેટમાં સંકલ્પ એજયુકેશન દ્વારા દુકાનની આગળ બનાવવામાં આવેલ ઓટો તોડી પાડવામાં આવ્યો હતો. કોટેચા ચોકમાં હોનેસ્ટના પાર્કિગમાં ટોયલેટનું દબાણ દૂર કરાયુ હતું તેમજ તેની બાજુમાં આવેલ ભગત કાફે દ્વારા કરવામાં આવેલ લોખંડના થાંભલા હટાવવામાં આવ્યા હતાં. વર્લ્ડ ઓફ ટાઈટન દ્વારા કરવામાં આવેલ ખુંટાનું દબાણ તેમજ જયસીયારામ હોટલનું પતરાનું દબાણ તેમજ એઈકેનસી દ્વારા કરવામાં આવેલ દરવાજાનું દબાણ, એમએન્ડએમ કાફેનું છાપરાનું દબાણ તેમજ રજવાડી રેસ્ટોરન્ટનું પાર્કિગની જગ્યામાં બનાવેલ કિચનનું દબાણ તોડી પાડવામાં આવ્યુ હતું. ડિલકસ પાન અને ખેતલાઆપા ટી સ્ટોર દ્વારા માર્જિનમાં બનાવેલ છાપરાનું અને ઓટલાનું દબાણ દૂર કરાયું હતું.
કોર્પોરેશનના 7 વિભાગ દ્વારા કાલાવડ રોડ પર સંયુકત ઓપરેશન હાથ ધરી કુલ 17 સ્થળોએ થયેલા માર્જિનની જગ્યામાં ગેરકાયદેસર છાપરા, ઓટલા અને દિવાલોના બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતાં તેમજ રેંકડી અને થડા જપ્ત કરી નોટીસ પાઠવવામાં આવી હતી. પર્યાવરણ વિભાગ દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક ઝુંબેશ હાથ ધરાઈ હતી.આમ આજ રોજ કોર્પોરેશનના વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત કાલાવડ રોડ પર તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરી દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. ‘હોનેસ્ટ’નું દબાણ હટાવવામાં રાજકારણ આડું આવ્યું
વન વીક વન રોડ અંતર્ગત આજરોજ મનપાએ દબાણ હટાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં કાલાવડ રોડ પર આવેલ પ્રખ્યાત હોનેસ્ટ ફાસ્ટફૂડમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધર્યા બાદ અનેક મોટા રાજકારણીઓના ફોન આવતાં ફક્ત પાર્કિંગમાં થયેલ ટોયલેટનું દબાણ દૂર કરી પ્રજાને ઉલ્લું બનાવવામાં આવી હતી. આ બાબતે અન્ય અસરગ્રસ્તોએ એવું જણાવેલ કે કોર્પોરેશનને તટસ્થ કામગીરી કરવી છે અને તેના માટે વન વીક વન રોડ યોજના અમલી બનાવી છે. કોઇની શેહશરમ રાખ્યા વગર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાશે તેવી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ શેખી મારી હતી. ત્યારે આજની કામગીરી જોતાં કમિશનરની શેખી ક્યાં ગઇ? તેવું લોકો કહી રહ્યા છે. (તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા)