હળવદની શાળામાં શિવ-શારદા વંદના સાથે શિવરાત્રિની ઉજવણી


મહાશિવરાત્રી નિમિતે માં સરસ્વતીની મૂર્તિની ભાવપ્રતિષ્ઠાનો કાર્યક્રમ હળવદની તક્ષશીલા વિદ્યાલય ખાતે યોજાઈ ગયો.1200 વિદ્યાર્થીના સમુહગાન રૂપે ૐ ભુર્ભુવસ્વ: તત્સવિતુવરણ્યમ રૂપી ગાયત્રીમંત્રના ગગનભેદી મંત્રોચ્ચારથી સમગ્ર તક્ષશીલા પરીસરનું આંગણું પાવન બની ગયું. યા દેવી સર્વભૂતેષુ રૂપે ધો.3ના વિદ્યાર્થીઓએ જયારે વિદ્યા અને શકિતની માંગણી કરી ત્યારે 1200 વિદ્યાર્થીઓએ એકસાથે 2400 હાજ અધ્ધર કરી માં સરસ્વતી દેવીને આહવાન કર્યુ. ત્રિશુલના આકારમાં બીરાજમાન શાળાની તમામ વિદ્યાર્થી બહેનોએ મહિષાસુર મર્દીની સ્તોત્રનું સમુહનૃત્ય કર્યુ ત્યારે તો મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી રૂપે ત્રણેય દેવીઓ દુર્ગા બનીને અસુરોનો સંહાર કરવા તત્પર હોય તેવો જયઘોષ જાગૃત થયો. પુષ્પદંતે રચેલા શિવમહિમ્નસ્તોત્ર અને રાક્ષસરાજ રાવણ રચિત શિવતાંડવ સ્તોત્રના પારાયણથી ભગવાન શિવજીને ખરાઅર્થમાં તમામ વિદ્યાર્થીઓએ હેપ્પી બર્થડે વિશ કર્યુ શાળાના સ્વચ્છતાકર્મી ભાઇઓ- બહેનો અને સ્કૂલબસના વાહનચાલકોના મુખે ગતિસત્વમ ગતિસત્વમ તમેકા ભવાનીના શ્ર્લોકગાનથી શ્રોતાગણ આશ્ર્ચર્યચકીત થઇ ગયેલ.
શાળાના તમામ વિદ્યાર્થીઓ ઓમ અને શ્રીના આકારમાં ઉભા રહીને વિઘ્નહર્તા ગણેશવંદના કરી ત્યારે તમામ વાલીઓને અનેઆમંત્રીત મહેમાનો શાળાના બીલ્ડીંગના પ્રત્યેક માળના ઝરુખા પર જઇને એરીયલવ્યુથી કાર્યક્રમ જોવાનો લ્હાવો લીધો હતો. માં સરસ્વતીની કૃપા તક્ષશીલા પરીસરના ચારેય શિક્ષણ સ્તંભો, બાલક, પાલક, શિક્ષક અને સંચાલક પર હરહંમેશ બની રહે તે માટે ગાયત્રી પરીવાર દ્વારા ગાયત્રી હવનનું અનેરુ આયોજન કરવામાં આવ્યું હતું.
(તસ્વીર: હરીશ રબારી)