ભાવનગરના હાથબ ગામે યુવકની હત્યા


ભાવનગર તા,14
ભાવનગરજીલ્લાના હાથબ ગામે કોળી યુવાનની હત્યા થયાનો બનાવ બનવા પામ્યો છે. મળતી વિગતો મુજબ ભાવનગર નજીક હાથબ ગામે રહેતા નાનુભાઇ ગોહીલ (ઉ.વ.35) ને તેની વાડીની બાજુમાં આવેલ વાડીવાળા સાથે શેઠા બાબતે તકરાર થઇ હતી. જેથી શખ્સોએ તેના ઉપર જીવલેણ હુમલો કરતા તેને સારવાર માટે ભાવનગરની સરકારી સર ટી. હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પરીણામ્યો છે. આ બનાવ અંગે વરતેજ પોલીસે હુમલો કરનારા ત્રણેય શખ્સો સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ ચલાવી રહી છે.
બંધ મકાનમાં ઘરફોડી
ભાવનગરમાં સીંધી વેપારી ભત્રીજાનાં લગ્ન પ્રસંગે જુનાગઢ ગયા હતાં. ત્યારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ તથા ઘરેણા મળી કુલ રૂા.90 હજારની મત્તાનો હાથફેરો કરી નાસી છુટયા હતાં.
ચોરીના આ બનાવની મળતી વિગતો મુજબ શહેરનાં સિંધુનગર પાછળ આવેલા ગોપાલપાર્ક પ્લોટ નં.2000 એ માં રહેતા સિંધી વેપારી કઅલાસપતિ ભજનલાલ કિમતાણી તેના ભત્રીજાનાં લગ્ન પ્રસંગે પરિવાર સાથે જુનાગઢ ગયા હતા ત્યારે તેના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ દરવાજાનું સ્ટોપરનું હેન્ડલ તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલા રોકડા રૂા.75 હજાર તથા સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂા.89500 ની મતાની ચોરી કરી નાસી છુટયા હતાં.
બનાવની જાણ થતા જ બી. ડીવી. પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.